રાજકોટ જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ જિલ્લા સહકારી ડેરી દ્વારા ફરી એક વખત અઠવાડિયામાં બીજી વખત દૂધના ભાવે પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો વધારો આપવા નિર્ણય લેવામાં આવ્યો છે. ઉનાળાની શરૂઆત થતા જ અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કરી દેતા આજે રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને પ્રતિ કિલો ફેટે 10 રૂપિયા વધારો આપવા નક્કી કરાયું છે.
હવે પ્રતિ કિલો ફેટનો ભાવ 690 થશે
હાલ કપાસીયા ખોળ અને ખાણદાણના ઊંચા ભાવોને ધ્યાનમાં રાખીને તેમજ અમૂલ દૂધમાં થયેલા ભાવવધારાનો સીધો લાભ દૂધ ઉત્પાદકોને મળી રહે તે માટે સહકારી દૂધ સંઘે 10 દિવસના ટૂંકા ગાળામાં દૂધનાં ખરીદ ભાવમાં બીજો પ્રતિ કિલો ફેટે રૂ. 10નો વધારો કરીને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 690 કરવા નિર્ણય કર્યો છે.
50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે
અત્યારે દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 680 ચૂકવવામાં આવી રહ્યો છે. ગત વર્ષે આ સમયે ફેબ્રુઆરી-માર્ચ 2021માં મંડળીઓને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂ. 640 ચૂકવવામાં આવતો હતો. દૂધ સંઘ દ્વારા આગામી 11 માર્ચથી દૂધ મંડળીઓને પ્રતિ કિલો ફેટે રૂ.690 ચૂકવવામાં આવશે અને દૂધ મંડળીઓ તેના દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટનો ભાવ રૂપિયા 685 ચૂકવશે. આ નિર્ણયથી દૂધ સંઘ સાથે જોડાયેલા 50 હજારથી વધારે દૂધ ઉત્પાદકોને આર્થિક ફાયદો થશે.
ગત માર્ચ 2021માં પ્રતિ કિલો ફેટનો ભાવ 640 હતો
આ ઉપરાંત પશુપાલકોને ખાણદાણનાં ઊંચા ભાવમાં આર્થિક રાહત મળે તે માટે સંઘનાં નિયામક મંડળે દૂધ મંડળીઓને અમૂલ પાવરદાણમાં પ્રતિ બેગ રૂ.90 સબસીડી ચૂકવશે તેવો દૂધ ઉત્પાદકોનાં હિતમાં નિર્ણય કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ ડેરી દ્વારા પશુપાલકોને બીજી વખત રૂપિયા 10નો વધારો આપવામાં આવ્યો છે. જેને લઈ આજે દૂધનો ભાવ પ્રતિ કિલો ફેટે 690 રૂપિયા પહોંચ્યો છે. જે ગત માર્ચ 2021માં 640 હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.