તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કોર્પિયો ચોરતી રાજસ્થાની ગેંગ ઝડપાઈ:રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે રાજ્યમાં સ્કોર્પિયો કાર ચોરતી ગેંગ ઝડપી, 4 આરોપીની ધરપકડ અને 4 ફરાર

રાજકોટ2 મહિનો પહેલા
રાજસ્થાની ગેંગ કારમાં આવીને સ્કોર્પિયો કારની ચોરી કરતી હતી
  • ગુજરાત સહિતના રાજ્યમાં અફીણ અને ગાંજાની હેરાફેરી કરતી ગેંગને સ્કોર્પિયો વેચી દેવાતી

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા દેશના અનેક રાજ્યમાંથી સ્કોર્પિયો કારની ચોરી કરતી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. જેમાં પોલીસે 4 આરોપીની ધરપકડ કરી છે. બાકી 4 આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. ઉલ્લેખનીય છે કે આ ગેંગ દ્વારા સ્કોર્પિયો કારની ચોરી કરી બાદમાં ગુજરાત સહિત અલગ-અલગ રાજ્યોમાં અફીણ અને ગાંજાના ગુનાને અંજામ આપતી ગેંગને વેચી દેવામાં આવતી હતી.

ગેંગ સ્વિફ્ટ કારમાં ચોરી કરવા આવી હતી
પકડાયેલા આરોપીઓ બે સ્વિફ્ટ કાર લઇ સ્કોર્પિયો કાર ચોરી કરવા આવતી હોવાની હકીકત બાતમી આધારે વોચ ગોઠવી પકડી પાડી પૂછપરછ કરતા આરોપીઓ સ્કોર્પિયો કારની ચોરીને અંજામ આપતા હોવાની કબૂલાત આપી હતી. જેમાં પૂછપરછ કરતા આરોપીઓએ ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાં મળી કુલ 18 જેટલી ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપી હતી. હાલ પોલીસે ઓમપ્રકાશ હિલેરી, અર્જુન ખીલેરી, ઓમપ્રકાશ ડારા અને પીરારામ જાણીની ધરપકડ કરી છે. આરોપી પાસેથી બે સ્વિફ્ટ કાર, કાર ચોરી કરવા માટે કી-પ્રોગ્રામર મશીન સહિત કુલ 7 લાખ 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે ફરાર 4 આરોપીને પકડી પાડવા તપાસ તજવીજ હાથ ધરી છે.

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સ્કોર્પિયો ચોરતી ગેંગને ઝડપી હતી
રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે સ્કોર્પિયો ચોરતી ગેંગને ઝડપી હતી

આરોપીઓની મોડેસ ઓપરેન્ડી શું હતી?
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાત્રિના 10 વાગ્યા આસપાસ રેકી કરતા હતા અને બાદમાં રાત્રિના 2 વાગ્યાની આસપાસ કારની ચોરી કરતા હતા. પ્રથમ કાર નીચે જઇ કાર સાયરનનો વાયર બ્રેક કરી દેતા હતા. જેમાં વધારે પડતી સ્કોર્પિયો કાર ચોરી કરવા પસંદ કરતાં હતાં. જેની પાછળનું મુખ્ય કારણ છે કે, આ સ્કોર્પિયો કારમાં તેઓ આસાનીથી ચોરી કરી શકતા હતા. આરોપીઓ ચોરી કરવા માટે ખાસ 1 લાખની કિંમતનું કી-પ્રોગ્રામર મશીનનો ઉપયોગ કરતા હતા અને તેના આધારે ચોરીના ગુનાને અંજામ આપતા હતા. જે ચોરી કર્યા બાદ અન્ય રાજ્યોમાં NDPS એટલે કે અફીણ, ગાંજાની ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા લોકોને વેચી મારતા હતા. ઉલ્લેખનીય છે કે સ્ટેરિંગમાંથી ઇમોબીલાઇઝર કાઢી પોતાની પાસે રહેલા ઇમોબીલાઈઝર ફિટ કરી દેતા હતા. આ સાથે જો ગાડીમાં GPS સિસ્ટમ ફિટ કરવામાં આવેલી હોય તો તેને પણ કાઢી બાદ નક્કી કર્યા મુજબ સ્થળ પર પહોંચી જતા હતા.

ચોરેલી સ્કોર્પિયો રાજસ્થાનમાં ગુનાહિત પ્રવૃત્તિમાં વપરાઈ
રાજકોટથી ચોરી કરેલી બે સ્કોર્પિયો કાર રાજસ્થાન ખાતે વેચી હતી, તે કારનો ઉપયોગ આરોપીઓ અફીણ અને ગાંજાની હેરાફેરીમાં કરતા હતા. એ દરમિયાન ગત 10 એપ્રિલે રાજસ્થાન ખાતે પોલીસે બાતમીના આધારે સ્કોર્પિયો કારને અટકાવવા પ્રયત્ન કરેલો, જેમાં પોલીસ ઉપર ગાડી ચડાવી દેવાનો પ્રયત્ન કરાયો હતો. જ્યારે બીજી સ્કોર્પિયો કારમાં બેસેલા આરોપીએ પોલીસ કોન્સ્ટેબલ ઉપર ફાયરિંગ કરેલું હતું. જેમાં સારવાર દરમિયાન પોલીસ કોન્સ્ટેબલનું મોત નીપજ્યું હતું. આરોપીઓએ આપેલી 18 ચોરીની કબૂલાત પૈકી 9 જેટલી કાર અલગ-અલગ પોલીસ સ્ટેશન ખાતે ગુનામાં ઝડપાઇ ચૂકેલી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

કંપનીને કાર ચોરી આસાન હોવાનું જણાવાશે
મહિન્દ્રા કંપનીની કારમાં ચોરી કરવું આસાન હોવાનું આરોપીઓએ જણાવતા આ બાબતે પોલીસ દ્વારા મહિન્દ્રા કંપનીને આ બાબતે માહિતગાર કરવામાં આવશે જેથી ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકાવી શકાય.