રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બે માસ પૂર્વે કોવિડ હોસ્પિટલમાંથી રૂપિયા પોણા ચાર લાખની ચોરીના ગુનામાં આરોપી જયેશ ઉર્ફે ડેવિલ ઝાલાની ચોક્કસ બાતમીના આધારે ધરપકડ કરી છે. પોલીસે આરોપી પાસેથી ચોરીમાં ગયેલા રૂ.3.70 લાખ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે હોલીવુડ મુવી "AS YOU SEE ME” જોયા બાદ આરોપીને ચોરી કરવા પ્રેરણા મળી હતી.
હોસ્પિટલમાં રૂ.3.75 લાખ આવ્યા હતા
રાજકોટના યુનિવર્સિટી રોડ પર શિવધામ સોસાયટીમાં રહેતા અને સત્કાર કોવીડ હોસ્પિટલના ડોકટર અમર જગદીશભાઈ કાનાબારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ 20/7/2021 ના રોજ સવારના બાર વાગ્યા આસપાસ હું અમારી હોસ્પિટલે પહેલા માળે હતો ત્યારે અમારી હોસ્પિટલમાં હોમ - કેરના જુના પેમેન્ટનાં રૂ.3,75,000 રોકડા આવેલ હોય જે અમારી હોસ્પીટલ સત્કાર કોવિડ નર્સિંગ સ્ટાફ તરીકે કામ કરતા જીજ્ઞાબેન ઝાલાને મારી ચેમ્બરમાં આવેલ મારા ટેબલનાં ખાનામાં મુકવા માટે કહ્યું અને મારે આ રૂપિયાનું સાંજે અલગ - અલગ જગ્યાએ પેમેન્ટ કરવાનું હોય પરંતુ હું અન્ય કામમાં રોકાયેલો હોય જેથી હું આ પેમેન્ટ કરી ન શકયો, અને બાદમાં એક દીવસ બાદ એટલે કે તારીખ 22/7/2021 ના રોજ સવારના નવ વાગ્યાના અરસામાં અમારી હોસ્પિટલના સ્વીપર સ્ટાફ મીનાબેન સાફ - સફાઈ કરતા હતા.
રૂપિયા મારી ચેમ્બરના ખાનામાં હતા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તે વખતે બાથરૂમમાંથી એ મારી હોસ્પિટલના સી.સી.ટી.વી. કેમેરાનું ડી.વી.આર. કે જેમાં રેકોડીંગનો સંગ્રહ થતો હોય તે બાથરૂમ માં પાણીમાં પડેલું હોય તેમ જોવામાં આવતા આ મીનાબેને તુંરત જ રીસેપ્શન કાઉન્ટર પર બેઠેલા તેજસ ગોસ્વામીને આ વિશે વાત કરતા તેઓએ તાત્કાલીક મને ફોન કરી બોલાવ્યો હતા. જેથી હું નીચે આવી જતા ડી.વી.આર. આખું પલળી ગયું હોય અને ખરાબ થઈ ગયું હતું. બાદમાં મને મારી ચેમ્બરમાં રાખેલ ખાનામાં હોમ - કેરના આવેલા પેમેન્ટ રૂ.3,75,000 યાદ આવતા તુરંત જ અમારી ચેમ્બરમાં જઈ ખાનામાં જોતા આ રૂપિયા 3,75,000 જોવામાં આવ્યા ન હતા. જેથી અમો એ અમારા હોસ્પિટલના સ્ટાફને બોલાવી આ રૂપિયા બાબતે પુછતા કોઈને આ વિશે ખ્યાલ ન હતો માટે અમે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
10 દિવસમાં બે વખત ચોરીનો પ્રયાસ કર્યો હતો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ચોરીના ગુનામાં આરોપીને પકડી પાડી પુછપરછ કરતા સામે આવ્યું હતું કે યુવાનને રાતો રાત કરોડપતિ બનવા સપના જોયા હતા અને વધુ રૂપિયા મેળવવા લાલચમાં ચોરીના ગુનાને અંજામ આપવા શરૂઆત કરી હતી. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી અગાઉ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તરામાં એટીએમ તોડવા પ્રયાસમાં જેલવાસ ભોગવી બાદમાં જેલમાંથી છૂટી ગીરસોમનાથ જિલ્લાના સૂત્રાપાડા ખાતે 10 દિવસમાં બે વખત સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા તાળા તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. જેમાં પ્રથમ ચોરી પ્રયાસ સમયે બેન્કના દરવાજા પર "DO SBI NEXT DAY” અને "SBI THE NEXT DAY" લખી ચોરી પ્રયાસ કર્યો હતો.
એક જ બેંકમાં બે વખત ચોરીની કોશિશ કરી
પોલીસ સૂત્રના જણાવ્યા મુજબ, વાસાવડનો જયેશ ઉર્ફે ડેવિલ ગુનાહિત માનસ ધરાવતો હોય તેને પ્રાચી ગામે એસબીઆઇની ઘંટિયા શાખામાં તા.17-6 અને 27-6 એમ બે વખત બારી તોડી તેમજ શટર ઊંચકાવી ચોરીનો પ્રયાસ કર્યો હતો, પરંતુ બંનેમાં તેને સફળતા મળી ન હતી. ઉપરોક્ત બંને ગુનામાં તે પકડાઇ પણ ચૂક્યો છે. જે ગુનામાં છૂટ્યા બાદ તેને ગુનાહિત પ્રવૃત્તિ ચાલુ રાખી રાજકોટની હોસ્પિટલમાં ચોરી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.