ક્રાઇમ:રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ટ્રેનમાં સુઇ ગયેલા અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોનાં મોબાઈલ ચોરી કરતી બેલડીની ધરપકડ કરી

રાજકોટ6 મહિનો પહેલા
  • પોલીસે 18 ચોરાઉ મોબાઇલ કબજે કરી પુછપરછ શરૂ

જો આપ ટ્રેનમાં મુસાફરી કરતા હોય અને મુસાફરી દરમિયાન ટ્રેનમાં નીંદર કરવાની ટેવ હોય તો થઇ જજો સાવધાન. રાજકોટ પોલીસે બે એવા તસ્કરોની ધરપકડ કરી છે. જે માત્ર મોબાઇલની જ કરતા હતા ચોરી. રેલ્વેમાં મુસાફરી દરમિયાન ટ્રેનમાં સુઇ ગયેલા અને બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકોનાં મોબાઇલની ચોરી કરતી બેલડીની રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં 18 મોબાઇલ ચોરીને ભેદ ઉકેલાયો છે. હાલ પોલીસે બન્ને શખ્સોની વધુ પુછપરછ શરૂ કરી છે.

પોલીસે 18 ચોરાઉ મોબાઇલ કબજે કરી પુછપરછ શરૂ
રાજકોટ પોલીસે શોએબશા ઇબ્રાઇમશા સોરવદી અને રાધે ઉર્ફે રાની પંકજ પરમારની ધરપકડ કરી છે. આ બન્ને શખ્સો પર આરોપ છે મોબાઇલ ચોરીને અંજામ આપવાનો. સમગ્ર મામલાની વાત કરવામાં આવે તો, રાજકોટ પોલીસ કમિશ્નરે મોબાઇલ ચોરીનાં બનાવોનું ડિટેક્શન કરવા માટેની ક્રાઇમ બ્રાન્ચને સુચના આપી હતી. જેને લઇને અલગ અલગ ટીમોને કામે લગાડવામાં આવી હતી. જેમાં ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે, જંકશન મેઇન રોડ પર બે શખ્સો શંકાસ્પદ શખ્સો ચોરાઉ મોબાઇલ સાથે પસાર થઇ રહ્યા છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી હતી. શોએબશા ઇબ્રાઇમશા સોરવદી અને રાધે ઉર્ફે રાની પરમાર પસાર થતા અટકાયત કરી હતી. પોલીસની પુછપરછમાં 18 જેટલા મોબાઇલ ચોરી કરી હોવાનું ખુલ્યું હતું. જેને આધારે પોલીસે 18 ચોરાઉ મોબાઇલ કબજે કરી પુછપરછ શરૂ કરવામાં આવી છે.

કેવી રીતે આપતા ચોરીને અંજામ ?
પોલીસનાં કહેવા મુજબ, આ બન્ને શખ્સો બાંધકામ સાઇટ પર કામ કરતા શ્રમિકો રાત્રીનાં સમયગાળા દરમિયાન સુતા હોય ત્યારે નજર ચુકવીને મોબાઇલ ચોરી કરતા અને રેલ્વેમાં મુસાફરી કરતી વખતે ટ્રેનમાં સુઇ ગયેલા લોકોના ખિસ્સામાંથી મોબાઇલ ચોરી કરતા હોવાનું કબુલ્યું હતું. હાલ પોલીસ તપાસમાં આરોપી રાધે ઉર્ફે રાની પરમારનો જંગલેશ્વરમાં રહેતો સાગ્રીત શોએબશા ઇબ્રાઇમશા સોરવદી મોબાઇલનો પેટર્ન લોક તોડવામાં માહિર છે. જેથી ચોરી કરેલા મોબાઇલનાં લોક તોડી નાખતો હતો અને મજૂરી કામ કરતા લોકોને ઓછી કિંમતમાં ચોરી કરેલા મોબાઇલ વેંચી દેતો હતો.

શું છે ગુનાહિત ઇતિહાસ ?
પોલીસનાં કહેવા મુજબ, આરોપી રાધે ઉર્ફે રાની પરમાર સામે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં જ્યારે રેલ્વે અને ગાંધીગ્રામ પોલીસમાં મોબાઇલ ચોરીમાં અગાઉ પણ પકડાઇ ચુક્યો છે. હાલ પોલીસે આરોપીઓની ધરપકડ કરી વધુ પુછપરછ શરૂ કરી છે. હાલ તો પોલીસે ટેક્નિકલ સોર્સની મદદ લઇને મોબાઇલ કબજે કર્યા છે. પોલીસે કબજે કરેલા ચોરાઉ મોબાઇલ મૂળ માલિકને શોધવા કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે તસ્કર બેલડીને હાલ જેલનાં સળિયા ગણતા કરી દીધા છે.

અન્ય સમાચારો પણ છે...