તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શરમ કરો મેયર:રાજકોટ કોવિડ હોસ્પિટલ અગ્નિકાંડઃ મેયર બીનાબેન આચાર્ય સંવેદના ભૂલ્યા, કહ્યું- આ તો કુદરતી ઘટના છે, મોટી જાનહાનિ ટળી!

રાજકોટ8 મહિનો પહેલા
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મીડિયાને બેજવાબદારીભર્યુ નિવેદન આપ્યું - Divya Bhaskar
રાજકોટના મેયર બીનાબેન આચાર્યએ મીડિયાને બેજવાબદારીભર્યુ નિવેદન આપ્યું
  • કોવિડ હોસ્પિ.ના ICU વોર્ડમાં 5 કોરોના દર્દી ભડથું થયા છતાં ભાજપના મેયરનો વાણીવિલાસ
  • PM-CM સહિતનાએ દુઃખ વ્યક્ત કર્યું ત્યારે મેયર બીનાબેનનું જાણે કશું થયું જ નથી તેવું વલણ
  • રાજકોટમાં મોતના નામે રાજકારણ રમવાનું શરૂ, કોંગ્રેસ પ્રેસ કોન્ફરન્સ યોજી આક્ષેપો કર્યા

રાજકોટના મવડી વિસ્તારમાં આવેલી ઉદય શિવાનંદ હોસ્પિટલમાં ગત મોડી રાતની આગમાં કોરોનાના 5 દર્દી જીવતા ભૂંજાઈ ગયા છે. આ હોનારતમાં 80 ટકા સુધી દાઝેલો અન્ય એક દર્દી હજી જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને રાજકોટના જ વતની એવા મુખ્યમંત્રી વિજય રૂપાણી શોક પ્રગટ કરી ચૂક્યા છે. પરંતુ રાજકોટના મેયર બીનાબેન આચાર્યને તો જાણે આ ઘટનાની ગંભીરતાનું ભાન જ ન હોય તેવો વાણીવિલાસ કરી રહ્યા છે. એટલે જ તો તેમણે આ આખી ઘટનાને કુદરતી ગણાવી છે અને લટકામાં એવું પણ કહ્યું છે કે, ઊલટાની આમાં તો મોટી જાનહાનિ ટળી છે.

મેયર બીનાબેનને તો પ્રજાના મોતનો શોક પ્રગટ કરતા પણ આવડતું નથી
રાજકોટ મ્યુનિ.માં સત્તાધારી ભાજપના મેયર બીનાબેનનું આ અગ્નિકાંડ કુદરતી ઘટના હોવાના નિવેદને પૂરવાર કર્યું છે કે, અમુક રાજકીય નેતાઓને તો શોક વ્યક્ત પણ કરતા આવડતું નથી. આ અગ્નિકાંડમાં કોરોનાના 5 દર્દીએ જીવ ગુમાવ્યો છતાં મેયર કહી રહ્યા છે કે, આ એક કુદરતી ઘટના છે, એક મોટી જાનહાનિ ટળી છે. ત્યારે લોકોમાં ચર્ચા થઈ રહી છે કે કેટલા લોકોના મૃત્યુ થાય તો મેયર બીનાબેનના મતે જાનહાનિ કહેવાય? જે પરિવારે પોતાના સ્વજન ગુમાવ્યા છે તેને જઈને પૂછો કે તમે શું ગુમાવ્યું. હવે તો મેયર તમે શરમ કરો.

મેયરે કુદરતી ઘટના ગણાવી આજે ફેરવી તોળ્યું
કુદરતી ઘટના ગણાવી રહેલા મેયરે આજે ફેરવી તોળ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જ્યારે આવી ઘટના બને, એકસાથે પાંચ દર્દીઓના મોત થયા હોય તેની વ્યવસ્થા કરવાની હોય છે. દર્દીના સગાવ્હાલાઓને ફોન કરવાના હતા. આ બધી વ્યવસ્થાની વચ્ચે આકસ્મિકને બદલે કુદરતી શબ્દ મારાથી બોલાય ગયો હતો. આવી ઘટના સમયે કોઈ પણ વ્યક્તિ હોય તો તેનાથી આવી ભૂલ થઈ શકે છે.

કોંગ્રેસે બચી ગયેલા દર્દીની મુલાકાત લીધી
કોંગ્રેસે બચી ગયેલા દર્દીની મુલાકાત લીધી

એક તરફ કહ્યું- આપણે 5 વ્યક્તિ ગુમાવ્યા, બીજી બાજુ બોલ્યા- મોટી જાનહાનિ ટળી
બીનાબેન આચાર્યએ જણાવ્યું હતું કે, કહીએ તો કોરોના સંક્રમણમાં પણ કોવિડ હોસ્પિટલમાં એક આવી ઘટના બની ગઈ તે ખરેખર કુદરતી ઘટના કહેવાય. અમે લોકો પણ દુઃખ વ્યક્ત કરીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઈએ પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. પણ આમ જોઈએ તો એક મોટી જાનહાનિ થતા અટકી છે. મુખ્ય વાત એ છે કે, NOC લીધેલી હતી. ફાયર સેફ્ટીના સાધનો અહીં હતા. તેમ છતાં આપણી વચ્ચે પાંચ લોકો રહ્યાં નથી. બાકીના દર્દીઓને તાત્કાલિક ગોકુલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. માટે ફાયરના સ્ટાફનો પણ હું આભાર માનું છું.

રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા
રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠીયા

મેયરને કાંઈ ગતાગમ તો પડતી નથી, મોતનો મલાજો ન રાખ્યોઃ કોંગ્રેસ
મેયરના નિવેદનથી રાજકોટ મનપાના વિપક્ષ નેતા વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, મેયરને કંઈ ગતાગમ નથી. આ રીતે બોલે તે યોગ્ય નથી મેયર તો મોતનો મલાજો પણ જાળવી શકતા નથી. બહુ મોટી બેદરકારી છે. ખૂબજ દુઃખદ ઘટના છે. મોતના નામે મેયર રાજકારણ રમવાનું બંધ કરો. રાજકોટના મેયરને કુદરતી અને કૃત્રિમમાં ખબર પડતી નથી. આ નિવેદન નિંદનીય છે. આ ઘટનામાં પાંચ વ્યક્તિના મોત થયા છે તે રાજકોટ માટે શરમજનક કહેવાય.

કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી મોતના નામે રાજકારણ શરૂ કર્યુ
કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી મોતના નામે રાજકારણ શરૂ કર્યુ

મોતના નામે રાજકારણ શરૂ, કોંગ્રેસે પ્રેસ કોન્ફરન્સ યોજી આક્ષેપો કર્યા
મોતના નામે રાજકારણ શરૂ થયું છે. મેયરના નિવેદનને લઈને શહેર કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે, અમે બચી ગયેલા દર્દીઓની મુલાકાત લીધી હતી. સરકાર અને મનપાની બેદરકારી સામે આવી છે. આગ ક્યાં કારણોસર લાગી તેની તપાસ થવી જરૂરી છે. આગ બૂઝાવવા માટે ફાયર સેફ્ટીનો ઉપયોગ કેમ ન થયો? શું ફાયર સેફ્ટીના સાધનો બંધ થયા હતા? GEBનું કનેક્શન કાયદેસર હતું? ઈમરજન્સી ગેઈટ ખઓલવામાં કેમ ન આવ્યો? આવા અનેક સવાલો કોંગ્રેસના નેતાઓએ ઉઠાવ્યા હતા. કોવિડ હોસ્પિટલ ક્યાં ક્યાં બિલ્ડીંગોમાં શરૂ થઈ છે તે બધાને ખબર છે.

તમામ મૃતકના પરિવારને 25-25 લાખની સહાય કરવા કોંગ્રેસની માગ
રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ગત રાત્રે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના ICUમાં આગ લાગી હતી. જેમાં કુલ 33 દર્દીઓ દાખલ હતા અને આ હોસ્પિટલના ICUમાં 11 દર્દીઓ સારવાર મેળવી રહ્યા હતા. 22 દર્દીઓ જનરલ વોર્ડમાં કોવિડ-19ની ટ્રીટમેન્ટ મેળવી રહ્યા હતા. આ બનાવ બન્યો ત્યારે ICUમાં રહેલા 11 દર્દીઓમાંથી 5ના મોત નીપજ્યા છે. તેમજ બાકીના દર્દીઓને ગોકુલ હોસ્પિટલમાં સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા હતા.કોંગ્રેસ હોસ્પિટલની મુલાકાતે પહોંચી હતી અને આખા બનાવની જાણકારી મેળવી તેમજ દર્દીઓને સારવાર આપવામાં કોઈ પણ કચાસ ન રહે અને દર્દીઓને તમામ પ્રકારની સારવાર ફ્રી આપવાની માગણી કરી છે. અને જે દર્દીઓના મૃત્યુ થયા છે તે તમામ દર્દીઓને 25 લાખ રૂપિયા મુખ્યમંત્રી ફંડમાંથી આપવાની માગણી કરી છે.

અન્ય સમાચારો પણ છે...