તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રાજકોટ હોસ્પિટલ અગ્નિકાંડ:SITના અધિકારીઓની બેઠક, કોંગ્રેસે કહ્યું- લોકચર્ચા પ્રમાણે ધમણ વેન્ટિલેટરને કારણે આગ લાગ્યાની શંકા, હોસ્પિટલના સંચાલકે કહ્યું- ઈલેક્ટ્રિક ગેજેટમાં સ્પાર્કની શંકા

રાજકોટ10 મહિનો પહેલા
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો.તેજસ કરમટા - Divya Bhaskar
ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો.તેજસ કરમટા
  • ઈલેક્ટ્રિક ગેજેટમાં સ્પાર્ક થયાની શંકા અને ઓક્સિજનના વધારે પ્રમાણને કારણ આગ વિકરાળ બની હતીઃ હોસ્પિટલના સંચાલક
  • અગાઉ પણ ધમણમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો, હાલમાં ચાલુ તમામ ધમણ પરત ખેંચી લેવા જોઈએઃ કોંગ્રેસ નેતા

રાજકોટની ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલમાં ગુરૂવારની મોડી રાત્રે ICU વિભામાં આગ લાગતા કોરોનાના 5 દર્દીના મોત નીપજ્યા હતા. જ્યારે એક દર્દી સારવાર હેઠળ છે. આજે શનિવારે અગ્નિકાંડને લઈને શહેરના સર્કિટ હાઉસ ખાતે અધઇકારીઓની બેઠકોનો ધમધમાટ શરૂ થયો છે. કોંગ્રેસના હેમાંગ વસાવડાએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, લોકચર્ચા મુજબ ધમણને કારણે આગ લાગી હોવાની શંકા છે. જ્યારે ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો.તેજસ કરમટાએ Divyabhaskarને જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રિક ગેજેટમાં સ્પાર્ક થયાની શંકા છે અને ઓક્સિજનના વધારે પ્રમાણને કારણ આગ વિકરાળ બની હતી.

સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે અધિકારીઓની બેઠક મળી
સર્કિટ હાઉસ ખાતે બંધ બારણે અધિકારીઓની બેઠક મળી

કોંગ્રેસે કહ્યું- અગાઉ પણ ધમણમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો
બેઠકમાં અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશ, રાજકોટના કલેક્ટર રેમ્યા મોહન, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, SITના અધિકારી મનોહરસિંહ જાડેજા, ઉદય શિવાનંદ કોવિડ હોસ્પિટલના સંચાલક ડો.તેજસ કરમટા, DDO અને સચિવ રાહુલ ગુપ્તા આ બેઠકમાં હાજર રહ્યાં છે. બીજી તરફ કોંગ્રેસના નેતા હેમાંગ વસાવડાએ જણાવ્યું હતું કે, ધમણ
વેન્ટિલેટર કારણે આગ લાગી હોવાની લોકચર્ચા થઈ રહી છે. સમગ્ર મામલે ન્યાયિક તપાસ કરવામાં આવે તેવી અમારી માગ છે. અગાઉ પણ ધમણમાં આ પ્રકારનો બનાવ બન્યો હતો. જો આ વાત સાચી નીકળે તો હાલમાં ચાલુ તમામ ધમણ પરત ખેંચી લેવા જોઈએ.

SITના અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતા
SITના અધિકારીઓ બેઠકમાં પહોંચ્યા હતા

ICU વોર્ડમાં આઠ બેડ હતા જેમાં સાત બેડ ભરેલા હતા
હોસ્પિટલના સંચાલક ડો. તેજસ કરમટાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોઈ ગેજેટમાં સ્પાર્ક થયો છે અને ઓક્સિજન માત્રા વધુ હોય જેને લઈ આગ લાગી હતી તેવું પ્રાથમિક જાણવા મળ્યું છે. ગઈકાલથી તપાસ ચાલી રહી છે. સરકારે કંઈ જાણ કરી નથી અને FSL તપાસ કરે છે. એલ એન્ડ ટી અને ધમણના એક અને ત્રણ વેન્ટિલેટર વાપરવામાં આવે છે. આગ લાગી પછી હું હોસ્પિટલ આવ્યો હતો. ICU વોર્ડમાં આઠ બેડ હતા જેમાં સાત બેડ ભરેલા હતા. એકથી ત્રણ નંબરના બેડ વચ્ચે આગ લાગી હશે.

એલ એન્ડ ટી અને ધમણ વેન્ટિલેટર વચ્ચે આગ લાગી છે કે કેમ તે અંગે તપાસ
ડો. કરમટાએ વધુમાં જણાવ્યું હતું કે, એલ એન્ડ ટી અને ધમણ વેન્ટિલેટર વચ્ચે આગ લાગી હોય તે અંગે તપાસ ચાલી રહી છે. અમને આ તપાસમાંથી વહેલા બહાર કાઢો. આ તપાસમાંથી અમે વહેલા બહાર નીકળી ફરી સેવા કરવા ઇચ્છીએ છીએ અને સમાજને ઉપયોગી થવું છે. સીસીટીવી પોલીસે અમને પણ જોવા આપ્યા નથી અને બધુ કબ્જે કરી લીધું છે. નિયમ મજબ ICU વોર્ડમાં જગ્યા હતી જ.

અન્ય સમાચારો પણ છે...