ગુનેગારો સામે કોર્ટની લાલઆંખ:રાજકોટની અદાલતે અપહરણ-દુષ્કર્મના કેસમાં આરોપીના જામીન નામંજૂર

રાજકોટ15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગંભીર ગુનાના ગુનેગારો સામે કોર્ટની લાલઆંખ
  • ફ્લેટમાં ચોરી કરનાર તસ્કરના જામીન નામંજૂર

રાજકોટની અદાલતે અપહરણ-દુષ્કર્મના અને ચોરી કરવાના કેસમાં પકડાયેલા આરોપીઓની જામીન અરજીને નામંજૂર કરી છે. શહેરી વિસ્તારમાં રહેતી તરુણીને લગ્નની લાલચ આપી ગોંડલના ફૂલવાડી વિસ્તારમાં રહેતો હિતેશ ભરત જાંબુકિયા નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. બાદમાં તરુણી અને હિતેશ સકંજામાં સપડાઇ ગયા બાદ પૂછપરછમાં હિતેશે તરુણી સાથે દુષ્કર્મ આચર્યાનું ખૂલતા પોલીસે પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી.

આરોપી હિતેશની ધરપકડ બાદ પોલીસે તેને જેલહવાલે કર્યો હતો. દરમિયાન જેલહવાલે થયેલા આરોપી હિતેશે જામીન પર છૂટવા માટે સ્પે.કોર્ટમાં અરજી કરી હતી. જે અરજીનો ફરિયાદ પક્ષે રોકાયેલા એડવોકેટ કલ્પેશ એલ.સાકરિયા, સરકારી વકીલ અતુલભાઇ એચ.જોશીએ આરોપીની અરજી સામે વિરોધ કરી રજૂઆત કરી હતી. જે રજૂઆતને ધ્યાને રાખી અદાલતે આરોપીના જામીન નામંજૂર કર્યા છે.

બીજા કેસમાં ચોરીના ગુનામાં પડાયેલો કોઠારિયા સોલવન્ટ પાસેની સીતારામ સોસાયટીમાં રહેતો ડાડા ઉર્ફે ઇકબાલ મહમદ ઠેબાએ જામીન પર છૂટવા કરેલી અરજીને અદાલતે નામંજૂર કરી છે. આરોપીએ ગત ડિસેમ્બર મહિનામાં જાગનાથ પ્લોટ-1માં આવેલા એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફ્લેટમાંથી 47 તોલા સોનાના ઘરેણાં અને અઢી લાખની રોકડની ચોરી કરી હતી. જે પોલીસ ફરિયાદ બાદ તપાસ કરી આરોપીને પકડી પાડ્યો હતો.

તપાસમાં આરોપી પાસેથી ઘરેણાં અને રોકડ કબજે કરી જેલહવાલે કર્યો હતો. બાદમાં જામીન પર છૂટવા કરેલી અરજીનો સરકારી વકીલ મુકેશભાઇ પીપળિયાએ આરોપી ચોરી કરવાની ટેવ ધરાવે છે અને અગાઉ 13 જેટલા ગુનામાં પણ પકડાઇ ચૂક્યો હોય જામીન રદ કરવા રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ અદાલતે આરોપીના જામીન રદ કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...