વેલેન્ટાઈન ડે સ્પેશિયલ:રાજકોટના આ યુગલે દર્દને નહીં દિલને પ્રાધાન્ય આપ્યું, યુવકને લીવર બ્લોકેજની ગંભીર બીમારી છતાં પ્રેમિકાએ પ્રેમલગ્ન કરી ભરથાર બનાવ્યો

રાજકોટ2 વર્ષ પહેલાલેખક: શુભમ્ અંબાણી
રાજકોટની ધારા અને આકાશની પ્રેમ કહાની અનોખી જ છે.
  • ખરા અર્થમાં યુવતીએ શારીરિક પ્રેમને નહીં પરંતુ સાત્વિક પ્રેમના પુષ્પને ખીલવ્યું
  • આ બિમારીમાં દર્દીના અન્નનળીમાં ચાંદા પડી જાય, મૃત્ય થવાની પણ સંભાવના રહે છે

પ્રેમના અઢી અક્ષરનો શબ્દ જે માત્ર એક દિવસ, એકાદ ઋતુ કે અમુક સમયગાળાનો મોહતાજ નથી, એ તો બારેમાસ વાસંતી વાયરાની માફક મહેક છે. આજે આપણે એવા જ એક સદાબહાર પ્રેમી યુગલની વાત કરવી છે કે તેઓએ દર્દને નહીં પણ દિલને પ્રાધાન્ય આપ્યું. શારીરિક પ્રેમને નહીં પરંતુ સાત્વિક પ્રેમના પુષ્પને ખીલવ્યું. આ વાત છે. રાજકોટના શ્રીજીનગર વિસ્તારમાં રહેતા આકાશ સંપત અને ધારા સંપતની. આકાશ PORTAL CAVERNOMA બિમારીથી પીડાય છે. જેને લીવર બ્લોકેજ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બિમારીની જાણ હોવા છતાં પણ પ્રેમિકા ધારા સંપતે આકાશ સાથે પ્રેમલગ્ન કરી ભરથાર બનાવ્યો.

પ્રથમવાર મળ્યાં અને મિત્રતા બંધાઇ
લીવર બ્લોકેજની બીમારીમાં દર્દીના ફૂડ પાઇપમાં ચાંદા પડી જાય છે, જેનાથી દર્દીનું મૃત્ય થવાની પણ સંભાવના રહે છે, આ વાત જાણ્યા બાદ પણ ધારાએ આકાશ સાથે લગ્ન કરવાનો પોતાનો નિર્ણય અડગ રાખ્યો. આજે વેલેન્ટાઇન ડેના દિવસે DivyaBhaskar સાથે વાત કરતા તેમની પ્રેમ કહાની વર્ણવી હતી. વાત છે વર્ષ 2017ની એ સમયે આકાશ અને ધારા એક ઇવેન્ટ કંપનીમાં સાથે કામ કરતા હતા, નોકરી દરમિયાન બન્ને વચ્ચે મિત્રતા થઈ તો આ મિત્રતા કંઇ રીતે પ્રેમમાં પરિણમી એ વિશે આકાશએ જણાવ્યું હતું કે, અમે બન્ને સારા મિત્રો બની ગયા હતા, અમે રોજ ઓફિસેથી છૂટ્ટા પડતા ત્યારે મેં નોંધ્યું કે ધારાને ઘરે જવામાં અગવડ પડે છે, એટલે મેં તેને ઘર સુધી ડ્રોપ કરવાનું શરૂ કરી દીધું ઔર પ્યાર હો ગયા.

આકાશ અને ધારાની લગ્નની તસવીર.
આકાશ અને ધારાની લગ્નની તસવીર.

મેં આકાશના પ્રપોઝને એક મહિના પછી સ્વીકારી હતી- ધારાબેન
બન્ને દરરોજ સાથે જ રહેતા, અને આમ જ રોજબરોજની મૈત્રી પ્રેમમાં બદલી ગઈ. 16/04/2017ના વેલેન્ટાઈન ડેના રોજ ઘરે જતી વેળાએ આકાશે આચાનક વાહન રોકીને ધારાને પ્રપોઝ કર્યુ, પછી શું થયું એ વિશે વાત કરતા ધારાએ જણાવ્યું કે, મને શંકા તો હતી કે આકાશ મને પ્રેમ કરે છે, તેણે મને પ્રપોઝ કર્યુ એટલે શંકા સત્યમાં પરિવર્તિત થઈ ગઈ. મારે સમય જોઈતો હતો માટે મેં જવાબ આપવા એક મહિનાનો સમય માંગ્યો હતો. બન્યું એવું કે 25 દિવસ સુધી હું અને આકાશ સાથે જ હતા. 26માં દિવસે તેણે અંગત કારણોસર ઓફિસે રજા રાખી. એ દિવસે હું સાવ એકલી હતી અને ત્યારે જ મને આકાશના પ્રેમની કમી મહેસૂસ થઈ. બીજે દિવસે તે ઓફિસે આવ્યો ત્યારે મેં તુરંત હા પાડી દીધી.

ધારા હાલ પ્રેગનેન્ટ છે.
ધારા હાલ પ્રેગનેન્ટ છે.

પ્રેમ પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ બન્ને રિલેશનશિપમાં રહ્યાં
આકાશના પ્રેમ પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ બન્ને રિલેશનશિપમાં રહ્યા. એ દરમિયાન 2/04/2018ના રોજ એક ઘટના બની. આકાશ તેમના ઘરે ઉપર પોતાના રૂમમાં હતો અને ધારાની સાથે ફરવા જવાનો હતો. મળવાના સમયને 20 મિનીટ વીતી ગઈ છતાં આકાશ તેડવા ન આવ્યો. માટે ચિંતાતુર બનીને જ્યારે ધારા તેના ઘરે ગઇ ત્યારે બધા ચિંતિત હતા. રૂમનો દરવાજો ખૂલતો ન હતો એ સમયે આકાશના અંગત મિત્ર કેતને દરવાજો તોડીને જોયું તો આકાશના મુખમાંથી ઘણું બધું લોહી વહી ગયું હતું. આકાશ બેભાન અવસ્થામાં પડ્યો હતો. તુરંત તેમને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો.

પતિ સાથે ધારા.
પતિ સાથે ધારા.

બિમારીની જાણ થયા બાદ પણ ધારા નિર્ણય પર અડગ રહી
ખાનગી હોસ્પિટલમાં નિદાન થતા જાણ થઈ કે આકાશને ORTAL CAVERNOMA નામની બિમારી છે, જેને લીવરના બ્લોકેજ તરીકે પણ ઓળખવામાં આવે છે, આ બિમારી તેમને વારસામાં મળી હતી. જે 29માં વર્ષે ડિટેક્ટ થઈ હતી. 7 દિવસ સુધી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી. મિત્ર કેતન અને ધારા પરિવારની સાથે આ 7 દિવસ સુધી હોસ્પિટલમાં જ રહ્યાં. ડોકટરે પણ જાહેર કરી દીધું કે આ રોગ ઘણો ગંભીર છે. જેમાં અન્નનળીમાં કાણાં પડી ગયા છે, ઓપરેશન કરવું પડશે અને દર વર્ષે એન્ડોસ્કોપી પણ કરાવી પડશે. હિમોગ્લોબીન વધવું ન જોઈએ, વજન વધવુ કે ઘટવું ન જોઈએ, જો ભોજનમાં વધુ મીઠું પડી જાય તો પણ તેમનો જીવ જોખમમાં મૂકાય જાય.

8 ડિસેમ્બર 2019ના રોજ બંનેએ લગ્ન કર્યા
લાઈફટાઈમ એન્ડોસ્કોપી કરાવી પડશે તેવી ડોક્ટરે સલાહ આપી હતી. આજના યુગમાં કોઈ યુવાન કે યુવતીને આ વાતની ખબર પડે તો તુરંત બ્રેકઅપ કરીને નાંખે પણ આ વાતની જાણ થયા બાદ પણ ધારા તેના નિર્ણય પર અડગ રહી. આકાશના પ્રેમ પ્રસ્તાવને સ્વીકાર્યા બાદ બન્ને બે વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા. બાદમાં 8/12/2019ના રોજ લગ્નગ્રંથિથી બંધાયા. પોતાના લગ્નજીવન વિશે વાત કરતા આકાશ કહે છે કે, મારા માટે પ્રેમની વ્યાખ્યા અલગ છે. પ્રેમમાં આદરનું મૂલ્ય વધુ હોવું જોઈએ. સંજોગોના તાપમાં પણ ટકી રહે તે છે સાચો પ્રેમ. અને ધારાએ મારા દરેક કપરા સંજોગોમાં મારો સાથ દીધો છે, લોકડાઉન આવતા જ મારી જોબ છૂટી ગઈ, આ સમયગાળામાં ધારાએ મને મક્કમ મનોબળ પુરું પાડ્યું. અને તેના પ્રતાપે જ આજે હું જીવનમાં સ્થાયી થઈ શક્યો છું. મારા માટે ધારાનો પ્રેમ જીવનની અમૂલ્ય ભેટ છે.

મિત્ર કેતન સાથે આકાશ અને ધારા.
મિત્ર કેતન સાથે આકાશ અને ધારા.

હાલ આકાશ બિમારીમાંથી 90 ટકા રિકવર થઈ ગયો છે
નિયમિત પરેજી અને સ્વાસ્થ્યની યોગ્ય દરકારને કારણે હાલ આકાશ તેની બિમારીમાંથી 90 ટકા રિકવર થઈ ગયો છે અને તેઓ જંતુનાશક નામે પેસ્ટ કન્ટ્રોલ તથા સેનેટોઝેશનનો વ્યવસાય કરે છે. જેમાં ધારા તેમને મદદરૂપ થાય છે. હાલ ધારા પ્રેગનેન્ટ છે અને તેમને સાતમો મહિનો ચાલે છે. આ વેલેન્ટાઈન ડે ઉજવણી વિશે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, કોવિડને કારણે અત્યારે બહાર જવું યોગ્ય નથી માટે અમે પરિવાર સાથે આ વેલેન્ટાઈન ડે ની ઉજવણી કરવાના છીએ.

ખુશખુશાલ જિંદગી જીવતું યુગલ.
ખુશખુશાલ જિંદગી જીવતું યુગલ.

આ યુગલની પ્રમ કહાની આજના યુવાનો માટે પ્રેરણારૂપ
ધારાએ વધુમાં જણાવ્યું હતું કે, એવું જરૂરી નથી કે તમે પ્રેમી સાથે જ આ પ્રેમના પર્વને ઉજવો, આપણા પરિવારજનો સાથે પણ આપણે હળીમળીને રહીએ એ જ મારા મતે ​​​​​​​વેલેન્ટાઈન ડેની સાચી ઉજવણી છે. આકાશભાઈ અને ધારાબેનનો અનોખો કિસ્સો એક ઉદાહરણ છે એવા યુગલો માટે જે આજકાલ છાશવારે દિલ દઈ બેસે છે અને ન ફાવે તો બીજા જ દિવસે બ્રેકઅપ કરી દે છે.

અન્ય સમાચારો પણ છે...