રાજકોટની પારસ સોસાયટીમાં રહેતા ડેવલોપર્સ વિજય અમલાણી અને તેના પત્નીને ઇજિપ્તમાં અકસ્માત નડ્યો હતો, એરપોર્ટની બહાર પાર્કિંગમાં પુરપાટ ઝડપે ધસી આવેલી કારે દંપતી અને ત્યાંના સ્થાનિક એજન્ટને ઉલાળ્યા હતા, પરંતુ ગંભીર રીતે ઘવાયેલા મહિલાનું મોત નીપજ્યું હતું, જ્યારે વિજય અમલાણીને ગંભીર ઇજા થઇ હતી.
પારસ સોસાયટીમાં રહેતા વિજય અમલાણી, તેના પત્ની મીનાબેન, ડો.જીતુભાઇ ટોલિયા અને તેના પત્ની રાજકોટથી ઇજિપ્ત ફરવા ગયા હતા, ભારતીય સમય મુજબ રવિવારે વહેલી સવારે 6.30 વાગ્યે બંને દંપતી ઇજિપ્ત એરપોર્ટ પર ઉતર્યા હતા અને નિશ્ચિત સ્થળે જવા માટે એરપોર્ટની બહાર પાર્કિંગમાં કારની વ્યવસ્થા કરવા ઊભા હતા, અમલાણી દંપતીની સાથે ઇજિપ્તનો સ્થાનિક એજન્ટ પણ પાર્કિંગમાં ઊભો હતો ત્યારે તેમનાથી 10 ફૂટ દૂર જ ઊભેલી એક કારના ચાલકે જોરથી કારને લિવર આપ્યું હતું અને પુરપાટ ઝડપે ધસી ગયેલી કારે અમલાણી દંપતી અને સ્થાનિક એજન્ટને ઉલાળ્યા હતા.
કારની ઠોકરે ઘવાયેલા વિજય અમલાણી અને તેના પત્ની મીનાબેનને ત્યાંની હોસ્પિટલમાં લઇ જવાતા હતા ત્યારે રસ્તામાં જ મીનાબેનનું મૃત્યુ થયું હતું. આ અકસ્માતની જાણ થતાં ઇજિપ્તમાં ભારતના એમ્બેસેડર અજીત ગુપ્તે મીનાબેનના મૃતદેહ અને ઇજાગ્રસ્ત વિજય અમલાણીને રાજકોટ પહોંચાડવામાં સહાય કરી હતી.
વિજય અમલાણીનો પુત્ર કરણ અને પુત્રી ડો.બરખા વિદેશમાં રહે છે અને માતાનું અકસ્માતમાં મૃત્યુ થયાની જાણ થતાં તે બંને પણ રાજકોટ દોડી આવ્યા હતા. વિજય અમલાણી અને તેના પત્ની મીનાબેને કાલાવડ રોડ પર પ્રકૃતિ ઉપવન નામે જગ્યા ડેવલપ કરી હતી. બનાવને પગલે અમલાણી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.