તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વરણી:રાજકોટના 21માં મેયર તરીકે CMના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવની વરણી, ડે.મેયર તરીકે ડો.દર્શિતા શાહ અને સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ

રાજકોટ5 મહિનો પહેલા
રાજકોટના નવા મેયર ડો.પ્રદીપ ડવ અને ડે.મેયર તરીકે દર્શિતા શાહની વરણી.
  • મેયર અને ડેપ્યુટી મેયરની ચેમ્બરને ફૂલથી શણગારાઈ, પેંડાનાં બોક્સ ટેબલ પર ગોઠવાયાં

રાજકોટ મનપાએ ભાજપે 72માંથી 68 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે 4 બેઠક જ કોંગ્રેસના ફાળે ગઇ છે. ભાજપે ફરી સત્તા હાંસલ કરતા આજે મેયર, ડે.મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન. દંડક સહિત 12 હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે. આ માટે મનપાની 2021ની પહેલી સામાન્ય સભા રાખવામાં આવી છે. મેયર તરીકે મુખ્યમંત્રી વિજય રૂપાણીના અંગત અને વકીલ ડો.પ્રદીપ ડવ પર કળશ ઢોળાયો છે. તો ડે.મેયર તરીકે ડો.દર્શીતા શાહની વરણી કરવામાં આવી છે. તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પુષ્કર પટેલની વરણી કરાઇ છે. આ માટે શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી.

શાસક પક્ષના નેતા વિનુ ઘવા અને દંડક સુરેન્દ્રસિંહવાળા
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પાટીદારને સ્થાન આપવામાં આવ્યું છે અને પુષ્કર પટેલની વરણી કરવામાં આવી છે. શાસક પક્ષના નેતા તરીકે વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે. તેમજ દંડક તરીકે સુરેન્દ્રસિંહવાળાનું નામ જાહેર થયું છે. શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી દ્વારા નામો જાહેર કરવામાં આવ્યા છે. નામ જાહેર થતા જ કાર્યકરોના ટોળા ઉમટી પડ્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડ્યા હતા. નવી ચૂંટાયેલી બોડીનું પ્રથમ જનરલ બોર્ડ પૂર્ણ થયું છે. મેયર સહિતના પદાધિકારીઓની નિમણુંકને બહાલી આપવામાં આવી છે. સ્થાયી સમિતિના 12 સભ્યોના નામને પણ બહાલી આપવામાં આવી છે.

નવનિયુક્ત પદાધિકારીની યાદી
મેયર-
ડો.પ્રદીપ ડવ
ડે.મેયર-ડો.દર્શીતા શાહ
શાસક પક્ષના નેતા- વિનુ ઘવા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા

સ્થાયી સમિતિના સભ્યો

નામઉંમરઅભ્યાસજ્ઞાતિવોર્ડ
મેયર ડો. પ્રદીપ ડવ37MA, MSW, Ph.Dઆહીર12
ડે. મેયર ડો. દર્શિતાબેન શાહ51એમ.ડી. પેથોલોજીવાણિયા2
શાસક નેતા વિનુ ધવા5412 પાસપટેલ17
દંડક સુરેન્દ્રસિંહ વાળા48બી. કોમ.ક્ષત્રિય13
ચેરમેન પુષ્કર પટેલ46FY BBAપટેલ9
મનિષ રાડીયા57આયુ.રત્નલોહાણા2
બાબુભાઈ ઉધરેજા49BA LLBકોળી3
ચેતન સુરેજા56BE CIVILપટેલ10
નિતિન રામાણી397 પાસપટેલ13
ડો. અલ્પેશ મોરઝરિયા45BHMSપ્રજાપતિ1
જયમીન ઠાકર45B.Comબ્રાહ્મણ2
નેહલ શુક્લ43M.Com, LLB, Phdબ્રાહ્મણ7
નયનાબેન પેઢડિયા49MA B.Edપટેલ4
દુર્ગાબા જાડેજા4510 પાસક્ષત્રિય1
ભારતીબેન પરસાણા45SY BAપટેલ18
ભારતીબેન પાડલિયા4010 પાસપટેલ11
ડો.પ્રદીપ ડવે મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો.
ડો.પ્રદીપ ડવે મેયર તરીકેનો ચાર્જ સંભાળ્યો.

નવા મેયરે ચાર્જ સંભાળ્યો
નવા મેયર ડો. પ્રદિપ ડવે મનપામાં પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળ્યો છે. ડો.પ્રદીપ ડવે પોતાની ચેમ્બરમાં ચાર્જ સંભાળતા પહેલા પુજા કરાવી હતી. જેમાં ભાજપના આગેવાનોના આશીર્વાદ મેળવ્યા બાદ ખુરશી પર બેસી ચાર્જ સંભાળ્યોહતો. આ સમયે ચેમ્બર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠી હતી.​​

રાજકોટ જનરલ બોર્ડમાં ભાજપ-કોંગ્રેસ ભાઇ-ભાઇના દ્રશ્યો જોવા મળ્યા
રાજકોટમાં આજે યોજાયેલી મનપાની જનલ બોર્ડમાં શાસક પક્ષ અને વિપક્ષ એકબીજાને ભેટ્યા હતા. સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ અને વિપક્ષ નેતા વશરામ સાગઠિયા એકબીજાને ભેટ્યા હતા. પુષ્કર પટેલે વશરામ સાગઠીયાને આવકાર્યા હતા.

સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કર પટેલ.

મેયરની ચેમ્બર ફૂલથી શણગારાઇ
રાજકોટ મનપાના નવા મેયરની વરણી થાય તે માટેની તમામ તૈયારી કરી દેવામાં આવી છે. મનપામાં નવા મેયર પ્રદીપ ડવની ચેમ્બરને ફૂલથી શણગારવામાં આવી છે. તેમજ ચેમ્બરમાં ટેબલ પર પેંડાના બોક્સ પણ રાખી દેવામાં આવ્યા છે. કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત ડે.મેયર દર્શિતા શાહની ચેમ્બર પણ ફૂલોથી શણગારવામાં આવી છે. રાજકોટ મનપામાં આજે 21માં મેયરની વરણી કરવામાં આવી છે.

શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા
શાસક પક્ષના દંડક-સુરેન્દ્રસિંહ વાળા

ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી
હોદ્દેદારોની વરણી પહેલા ભાજપની આજે 10 વાગ્યે સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠક પૂર્ણ થયા બાદ પદાધિકારીઓના નામ જાહેર કરવામાં આવ્યા હોવાનું શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી જણાવ્યું હતું. મેયર પદ માટે પ્રદીપ ડવ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે.. ડો.એલ્પેશ મોરઝરીયા, બાબુ ઉધરેજા સહિતના નામ પણ રેસમાં હતા. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના પદ માટે પુષ્કર પટેલ સૌથી આગળ ચાલી રહ્યાં હતા અને તેમની જ વરણી કરવામાં આવી છે. નેહલ શુક્લ અને દેવાંગ માંકડ પણ રેસમાં હતા. ડેપ્યુટી મેયર તરીકે ડો.દર્શના પંડ્યા સૌથી આગળ ચાલી રહ્યાંં હતા પરંતુ દર્શિતા શાહ પર કળશ ઢોળવામાં આવ્યો છે. તેમજ નેહલ શુક્લ પણ રેસમાં હતા. શાસક પક્ષના નેતા તરીકે પરેશ પીપળીયાનું નામ મોખરે હતું પરંતુ વિનુ ઘવાની વરણી કરવામાં આવી છે.

બેઠકમાં ભાજપના આગેવાનો હાજર
શાસક પક્ષ કાર્યાલય ખાતે ભાજપની સંકલન સમિતિની બેઠક મળી હતી. બેઠકમાં શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, પૂર્વ મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય અરવિંદ રૈયાણી લાખાભાઈ સાગઠીયા સહિતના નેતાઓ બેઠકમાં હાજર રહ્યાં હતા. સૌરાષ્ટ્ર ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવ પણ બેઠકમાં હાજર રહ્યાં હતા.

જ્ઞાતિ સમીકરણ - પટેલ સમાજના સૌથી વધુ 7 સભ્યોને મળ્યા પદ
રાજકોટ મહાનગરપાલિકામાં મેયર, ડે. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શાસક પક્ષના નેતા, દંડક જેવા હોદ્દા ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના અન્ય 11 સભ્ય સહિત 16 પદ સૌથી મહત્વના ગણાય છે. આ 16 પદ પર ભાજપે જ્ઞાતિના સમીકરણનું પણ ખૂબ જ ધ્યાન રાખીને હોદ્દાઓની ફાળવણી કરી છે. મેયર પદ ઓબીસી હોવાથી તેના પર આહીર સમાજમાંથી આવતા ચૂંટાયેલા કોર્પોરેટરને પ્રતિનિધિત્વ મળ્યું છે. જ્યારે પાટીદાર સમાજના 7 સભ્યો છે તેમાંથી પણ 4 લેઉવા પટેલ છે. ક્ષત્રિય અને બ્રાહ્મણ સમાજમાંથી આવતા 2-2 કોર્પોરેટરને હોદ્દા મળ્યા છે જ્યારે વણિક, લોહાણા, કોળી, પ્રજાપતિ સમાજમાંથી એક એક કોર્પોરેટરને હોદ્દો અપાયો છે. આ રીતે જોતા 16 પદ માટે 7 સમાજમાંથી આવતા કોર્પોરેટરને સ્થાન અપાયું છે.

સામાકાંઠે ધબડકો - ‘લાઈટવાળી’ ગાડી ન મળી, એકને સ્ટેન્ડિંગમાં લીધા
સામાકાંઠા વિસ્તાર એટલે કે વોર્ડ નં. 4, 5, 6માં ચૂંટાયેલા કોર્પોરેટરમાંથી કોઇ એકને મહત્વનો હોદ્દો અપાયો નથી. માત્ર વોર્ડ 4ના નયનાબેનને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય તરીકે લેવાય છે.

ક્યા વોર્ડમાંથી કેટલા હોદ્દેદારો

વોર્ડસંખ્યા
12 (બંને સ્ટે. કમિટી)
23 (ડે. મેયર, 2 સ્ટે. કમિટી)
31 (સ્ટે. કમિટી)
41 (સ્ટે. કમિટી)
50
60
71 (સ્ટે. કમિટી)
80
91(સ્ટે. ચેરમેન)
101 (સ્ટે. કમિટી)
111 (સ્ટે. કમિટી)
121 (મેયર)
1313 (દંડક અને સ્ટે. કમિટી)
140
150
160
171(શાસક પક્ષ નેતા)
181(સ્ટે. કમિટી)

શિક્ષિતોને બનાવાયા છે મનપાના સુકાની

જે નવા હોદ્દેદારોની વરણી કરાઈ છે તેમાં મોટાભાગના શિક્ષિતો જ છે. એકમાત્ર નિતિન રામાણી પ્રાથમિક શિક્ષણ એટલે કે ધો. 7 પાસે છે જ્યારે 2 ધો. 10 અને એક ધો. 12 સુધી ભણ્યા છે. હોદ્દેદારોમાંથી મેયરની ઉંમર સૌથી નાની, સ્ટે. કમિટીના સભ્ય રાડિયા સૌથી વડીલ છે.

હવે નાગરિકોને છૂટ! - પ્રેક્ષક ગેલેરીમાં છૂટથી લોકોએ બોર્ડ નિહાળ્યું
ગત ટર્મમાં કોંગ્રેસ અને ભાજપના સંખ્યાબળમાં બહુ ઝાઝો ફરક ન હતો તેથી બોર્ડમાં ધમાસાણ થવું સામાન્ય હતું. પણ પ્રેક્ષક ગેલેરીમાં સામાન્ય નાગરિકોને બદલે મહિલા કોર્પોરેટરના પતિઓ જ બેસતા અને ક્યારેક બોર્ડમાં વિક્ષેપ ઊભો કરતા આ કારણે પ્રેક્ષક ગેલેરી બંધ કરી દેવાઈ હતી. જો કે નવી બોડીએ જનરલ બોર્ડ બોલાવતા જ પ્રેક્ષક ગેલેરીમાં કાર્યકરોએ બોર્ડ નિહાળ્યું હતું.

4 કોર્પોરેટર છતાં કોંગ્રેસે વિપક્ષી નેતા નક્કી ન કર્યા​​​​​​​
​​​​​​​શાસક પક્ષે મહત્વના પદાધિકારીઓની વરણી કરી લીધી છે. જનરલ બોર્ડમાં તેમની સાથે વિરોધ પક્ષના નેતાની પણ વરણી થવાની શક્યતા હતી પણ આ માટે કોઇ નામ જ આવ્યું ન હતું. 4 જ કોર્પોરેટર હોવા છતાં પણ નામ ન આવતા કોંગ્રેસના આગેવાનોને આ અંગે પૂછતા તેઓએ કહ્યું હતું કે તમામ મહાનગરપાલિકાઓમાં વિરોધ પક્ષના નેતાઓના નામ હવે નક્કી કરાશે.

સમિતિઓની રચના માટે મંગળવારે જનરલ બોર્ડ
રાજકોટ મહાનગરપાલિકામાં હોદ્દેદારોની વરણી થઈ ચૂક્યા બાદ હવે અન્ય સમિતિઓની રચના કરવા અને તેમના હોદ્દેદારો નિમવાની કાર્યવાહી થશે. આ માટે વધુ સમય ન ગુમાવતા મંગળવારે સવારે 11 કલાકે જનરલ બોર્ડ બોલાવાયું છે અને તેમાં સમિતિઓની રચના કરવા અને ઓફિસર્સ સિલેક્શન સમિતિની નિમણૂક થશે.

અન્ય સમાચારો પણ છે...