રાજકોટના વોર્ડ નં.15 કુબલિયાપરાનો ગ્રાઉન્ડ રિપોર્ટ:આજી રિવરફ્રન્ટ બનાવતા પહેલા નદીમાં કચરો સાફ કરવા માંગ, પીવાનું પાણી વેચાતું લેવું પડે છે

રાજકોટ10 મહિનો પહેલાલેખક: જીગ્નેશ કોટેચા
વોર્ડ નં.15માં પીવાના પાણીનો પ્રશ્ન મુખ્ય છે.
  • કુબલિયાપરા, નવા થોરાળા, આંબેડકરનગર, ગોકુલપરા સહિતના વિસ્તારોનો સમાવેશ
  • મનપાના અધિકારીઓ જવાબ આપતા નથી, પાણી ખૂબ જ ઓછું આવતું હોવાથી લોકોને હાલાકી

રાજ્યની 6 મહાનગરપાલિકાની ચૂંટણી ફેબ્રુઆરીમાં યોજાવાની છે. 6 મહાનગરપાલિકા અમદાવાદ, ભાવનગર, જામનગર, રાજકોટ, સુરત અને વડોદરા માટે 21 ફેબ્રુઆરીએ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મતદાન યોજાશે. આ 6 મહાનગરપાલિકા માટે 23 ફેબ્રુઆરીએ મતગણતરી થશે અને એ જ દિવસે પરિણામો જાહેર થશે. આ ચૂંટણીને પગલે DivyaBhaskar રાજ્યના ચાર 4 મહાનગરોમાં 5 વર્ષના કાર્યકાળ દરમિયાન ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પાયાની જરૂરિયાત એવા નળ, ગટર અને રસ્તા એટલે કે ‘નગર’ માટે શું શું કામ કર્યું અને કયા કયા કામો નથી થયા તે અંગે ગ્રાઉન્ડ રિપોર્ટની એક સીરિઝ ચલાવી રહ્યું છે. જેમાં જનતાના મિજાજ પરથી કામગીરીનો તાગ મેળવીને રેટિંગ આપવામાં આવ્યા છે. આજે રાજકોટ શહેરના વોર્ડ નંબર-15 વિશે પ્રજાના મિજાજ અંગે જણાવીશું.

વોર્ડ નં. 15માં મધ્યમવર્ગના લોકો રહે છે
રાજકોટ મહાનગપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે રાજકોટના વોર્ડ નંબર 15ની વાત કરીએ તો આ વિસ્તારમાં સૌથી વધુ મધ્યમવર્ગના લોકો રહે છે. આ વિસ્તારમાં જૂના રાજકોટનો સમાવેશ થાય છે. આજી વસાહતનો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારનો સમાવેશ થાય છે. આ વિસ્તારમાં પીવાનું પાણી વેચાતું લેવું છે તેમજ મચ્છરોનો ઉપદ્રવ વધારે રહે છે.

પીવાના પાણીનો પ્રશ્ન.
પીવાના પાણીનો પ્રશ્ન.

વોર્ડ નં.15માં આવતા વિસ્તારો
આ વોર્ડમાં કુબલીયાપરા, નવા થોરાળા, આંબેડકરનગર, ગોકુલપરા, ન્યૂ સર્વોદય સોસાયટી, આજી ડેમ વિસ્તાર, આજી ઔદ્યોગિક વિસ્તાર, ખોડીયારપરા, દૂધસાગર મેઇન રોડ, ગંજીવાળા પીટીસી રોડ, ભગવતી સોસાયટી, મધર ટેરેસા રોડનો સમાવેશ થાય છે.

પીવાનું પાણી વેચાતું લેવું પડે છે
વોર્ડ નં.15ના સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે પાણી અમુક વિસ્તારમાં મળતું નથી. આથી પીવાનું પાણી વેચાતું લેવું પડે છે. અમુક વિસ્તારમાં પીવાના પાણીનો પ્રશ્ન છે. થોડા સમય પહેલા જ રોડ અને રસ્તા બન્યા છે. આ વિસ્તારના ચારેય કોર્પોરેટર કોંગ્રેસના હતા. જેમાં વશરામ સાગઠિયા, મકબુલ દાઉદાની, માસુબેન હેરભા અને ભાનુબેન સોરાણીનો સમાવેશ થતો હતો.

ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે.
ઠેર ઠેર ગંદકીના ગંજ જોવા મળે છે.

મનપાના અધિકારીઓ જવાબ આપતા નથી-સ્થાનિક
સ્થાનિક રવજીભાઇએ જણાવ્યું હતું કે, મનપાના અધિકારીઓ જવાબ આપતા નથી. પાણી ખૂબ જ ઓછું આવે છે. ચોમાસામાં પાણી ભરાય જાય છે. આથી હાલાકીનો સામનો કરવો પડે છે. સ્થાનિક સુનિતાબેને જણાવ્યું હતું કે, અમારા વિસ્તારમાં સૂચિત સોસાયટી કાયદેસર કરવામાં આવતી નથી તે પ્રશ્ન છે. ચૂંટણીમાં સૂચિત સોસાયટીનો મુદ્દો ઉઠાવવામાં આવી રહ્યો છે.

અમુક વિસ્તારમાં હજુ પણ રસ્તા કાચા.
અમુક વિસ્તારમાં હજુ પણ રસ્તા કાચા.

આજી નદીમાં કચરો સાફ કરવાની જરૂર-સ્થાનિક
સ્થાનિક પ્રફુલભાઇએ જણાવ્યું હતું કે, કોર્પોરેટરો અમારા પ્રશ્નોનું નિરાકરણ કરે છે. આજી રિવરફ્રન્ટ પહેલા આજીમાંથી કચરો સાફ કરવાની જરૂર છે. આજી નદીમાં ગટરનું પાણી ભળતું હોવાથી મોટા પ્રમાણમાં કચરો એકત્ર થયો છે. આજી નદીના કારણે અનેક સોસાયટીઓમાં મચ્છરોનો ઉપદ્રવ થાય છે. અનેક વખત રજુઆત બાદ આજી નદીનો પુલ બન્યો છે.

વોર્ડ નં.15માં મતદારોની સંખ્યા
પુરૂષ-26478
સ્ત્રી-22996
અન્ય-1
કુલ- 49475

અન્ય સમાચારો પણ છે...