તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને રાજ્યની છ મહાનગરપાલિકામાં આજે ઉમેદવારોને ફોર્મ ભરવાની આજે છેલ્લી તારીખ હતી. ટિકિટને લઇને ભાજપ-કોંગ્રેસના કાર્યકરોમાં અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ટિકિટ ન મળતા રાજકોટ કોંગ્રેસમાં પણ ક્યાંકને ક્યાંક અસંતોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે શહેરના વોર્ડ નં. 2ના મહિલા કાર્યકર મનિષાબા વાળાની ટિકિટ કપાતા રોષે ભરાયા હતા અને શહેર પ્રમુખ અશોક ડાંગરની હાજરીમાં જ એક કાર્યકર સામે આંગળી ચીંધી તું બહાર નીકળી જા તારી સાથે મારે વાત નથી કરવી તેવું કહી દીધું હતું.
મનિષાબાના બદલે દિવ્યાબાને ટિકિટ મળી
વોર્ડ નં. 2ના મનિષાબા વાળાને ટિકિટ આપવાનું નક્કી થયું હતું. પરંતુ છેલ્લે સુધી જાણ કરી ન હોવાથી મનિષાબા પણ ફોર્મ ભરવા માટે પહોંચી ગયા હતા. પરંતુ ટિકિટ દિવ્યાબા હરપાલસિંહ જાડેજાને આપી દેવામાં આવતા મનિષાબા રોષે ભરાયા હતા અને શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત કાર્યકરોની વચ્ચે હોબાળો મચાવ્યો હતો. રાજકોટ શહેર કોંગ્રેસના અનેક ઉમેદવારોના ફોર્મ ભરાતી વખતે જે મેન્ડેટ આવ્યા તે ઉમેદવારને બદલે બીજા જ નામના આવતા જબરી ઉથલપાથલ અને ઝગડા શરૂ થયા છે.
મનિષાબા વાળાને પાર્ટીએ ફોર્મ ભરવા માટે કહ્યું હતું
મનિષાબા વાળાને પાર્ટી દ્વારા ફોર્મ ભરવા માટે કહેવામાં આવ્યું હતું. મેન્ડેટ બીજા લઇ ગયાની પણ ચર્ચા થઇ રહી છે. મનિષાબાની ટિકિટ ફાઇનલ હોવાથી તમામ તૈયારીઓ કરી કાર્યકરો સાથે ફોર્મ ભરવા પહોંચ્યા હતા. મનિષાબાએ જણાવ્યું હતું કે, સવારથી જ મને ફોર્મ ભરવાનું કહી દેવામાં આવ્યું હતું. પરંતુ ફોર્મ ભરવા આવ્યા તો દિવ્યાબાનું નામ ખુલ્યું હતું. આ અંગેની અમે ઉપર સુધી રજુઆત કરીશું. અમારી સાથે દગો થયો છે. મારૂ મેન્ડેટ ફાડી નાખ્યું છે પણ કોણે ફાડ્યુ તેની તપાસ થશે. મૂળ સુધી જઇશ અને પોલીસ ફરિયાદ કરૂ કે નહીં તે અંગે વિચારીશ. બીજી તરફ કોંગ્રેસના ઉમેદવારના અમુક ફોર્મ રદ થાય તેવી વાત પણ સામે આવી રહી છે. આથી શહેર પ્રમુખ અશોક ડાંગરનો ચહેરો ઉતરી ગયેલો જોવા મળ્યો હતો. ભૂલ રહી ગઇ હશે તો કોંગ્રેસને મોટુ નુકસાન થશે.
કોંગ્રેસમાં ટિકિટ ન મળતા વોર્ડ નં.13ના કાર્યકરે પુત્રને અપક્ષમાં ફોર્મ ભરાવ્યું
રાજકોટના વોર્ડ નં.13માં મહિલા કાર્યકર સરોજબેન રાઠોડને કોંગ્રેસમાંથી ટિકિટ ન મળતા પુત્ર રાકેશભાઇ રાઠોડને અપક્ષમાંથી ફોર્મ ભરાવ્યું છે.તેમજ હીનાબેન વડોદરિયાએ કોંગ્રેસ સાથે છેડો ફાડી NCPમાંથી ઉમેદવારી નોંધાવી છે. ભાજપ દ્વારા વોર્ડ નં.1, 2 અને 3ના કોંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટને લઇને ભાજપે વાંધો રજૂ કર્યો છે. ક અને ખ ફોર્મમાં મેન્ડેટમાં અધિકૃત નામ અને સહી હોવી જોઇએ. જેને લઇને ભાજપે ફોર્મ રદ કરવાની માંગ કરી છે. આ અંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણીએ જણાવ્યું હતું કે, ભાજપે ચૂંટણી પંચમાં વાંધો ઉઠાવ્યો છે. સોમવારે ફોર્મની ચકાસણી થશે ત્યારે સાચી ખબર પડશે. કોંગ્રેસના નેતા મિતુલ દોંગાએ કહ્યું હતું કે, ભાજપ સત્તાના જોરે વાત કરે છે.
રાજકોટ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે - પૂર્વ વિપક્ષ નેતા
આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે થયેલી ખેંચતાણ અંગે પોતાના મંતવ્યો જણાવતા કોંગ્રેસ અગ્રણી વશરામ સાગઠીયાએ જણાવ્યું હતું કે, સરકારી કેમેરામાં આખી ઘટના કેદ છે, જ્યારે રાજકોટ કોંગ્રસ પ્રમુખ અશોક ડાંગર મેન્ડેડ રજૂ કરતા હતા, એ સમયે કોંગ્રસના કાર્યકરોને બહાર ન જવા પરંતુ જ્યારે ભાજપના કાર્યકરો ઉદય કાનગડ અને કમલેશ મિરાણી સાથે આવ્યા ત્યારે પોલીસે તેમને રોકવાની કોશિશ પણ નથી કરી, એ સ્પષ્ટ પણે દર્શાવે છે કે રાજકોટ પોલીસ ભાજપનો હાથો બનીને કામ કરે છે.
કોંગ્રેસે પુરૂષમાં સૌથી નાની વયના 26 વર્ષના નયન ભોરણિયાને ટિકિટ આપી
વોર્ડ નંબર 8માં કોંગ્રેસે સૌથી નાના ઉમેદવારને ટિકિટ આપી છે. નયન ભોરણીયાને ટિકિટ મળી છે જેની ઉંમર 26 વર્ષ છે. જેને આજે ઉમેદવારી નોંધાવી જણાવ્યું હતું કે, હું યુવાનોના મુદ્દે શિક્ષણ અને બેરોજગારીના મુદ્દે આગળ લડત આપીશ અને કોગ્રેસ નહીં પણ પ્રજાનો ઉમેદવાર છું.
કોંગ્રેસે મહિલામાં સૌથી નાની વયની દ્રિષ્ટમ પટેલને ટિકિટ આપી
મહિલાઓની વાત કરીએ તો સૌથી નાની વયની દ્રિષ્ટમ પટેલને વોર્ડ નં.8માં ટિકિટ આપી છે. તેમની ઉંમર પણ 27 વર્ષની છે. તેણે જણાવ્યું હતું કે, હું હાલમાં યુથ અને વુમન એમ્પાવર માટે કામ કરવા ઇચ્છું છું. અનેક એનજીઓ સાથે જોડાયેલી છું. હાલના વોર્ડમાં ટ્રાફિક, પાણી, ગંદકીનો પ્રશ્ન છે તે તો હું દૂર કરીશ જ. પરંતુ સૌથી મોટી સમસ્યા રાજકોટમાં ગ્લોબલ વોર્મિંગની છે. હું જીતશ તો તે સમસ્યા પર કામ કરવા ઇચ્છુ છું.
ગઇકાલે રેશ્મા પટેલ અને ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી
ગઇકાલે ફોર્મ ભરતા સમયે NCP નેતા રેશ્મા પટેલ અને ભાજપના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદય કાનગડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. બાદમાં પોલીસે રેશ્મા પટેલની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી. રેશ્મા પટેલે મીડિયા સમક્ષ ભાજપ વિરૂદ્ધ આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપે સસ્તી પ્રસિદ્ધી માટે રેશ્મા પટેલ ખોટા આક્ષેપ કરે છે તેવું જણાવ્યું હતું.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.