વિરોધ:રાજકોટમાં કોંગ્રેસે કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડી વિરોધ કર્યો, કહ્યું- ખેડૂતોને પાકિસ્તાની તરફી અને આતંકવાદી કહેવા એ ભાજપનો કોમન એજન્ડા છે

રાજકોટએક વર્ષ પહેલા
રાજકોટમાં કૃષિ બિલના પત્રકો ફાડી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો. - Divya Bhaskar
રાજકોટમાં કૃષિ બિલના પત્રકો ફાડી કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો.
  • ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા 22 ખેડૂતોને કોંગ્રેસના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી

કેન્દ્ર સરકાર દ્વારા પાસ કરાયેલા કૃષિ બિલના વિરોધમાં દિલ્હી સિંધુ બોર્ડર પર ખેડૂત આંદોલનનો આજે 27મો દિવસ છે. ત્યારે આજે રાજકોટ કોગ્રેસ દ્વારા કૃષિ બિલના વિરોધમાં પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી. જેમાં કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડી વિરોધ કરવામાં આવ્યો હતો.

તેમજ ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામનાર 22 ખેડૂતોને બે મિનીટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવી હતી. કોંગ્રેસના નેતા નરેશ રાવતે જણાવ્યું હતું કે, ખેડૂતોને પાકિસ્તાની તરફી અને આતંકવાદી કહેવા એ ભાજપનો કોમન એજન્ડા છે.

કોંગ્રેસે કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડ્યા
કોંગ્રેસે કૃષિ બિલના કાયદાના પત્રકો ફાડ્યા

પહેલા MSPની વાત હતી તેમાં પણ એ લોકો ટસના મસ થતા નથીઃ કોંગ્રેસ
નરેશ રાવતે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ ખેડૂત આંદોલન તોડવાનું વાતાવરણ ઉભું કરી રહ્યું છે. પરંતુ ભાજપને આ અંગે કોઈ સફળતા મળી નથી. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિ દ્વારા ખેડૂતોને લાંબા સમયથી ટેકો જાહેર કરવામાં આવ્યો છે. ધીમે ધીમે ખેડૂતોમાં જાગૃતિ આવી રહી છે. સરકાર કાળા કાયદા પાછા ખેંચે તે અંગે અમે ચર્ચા કરવા આવ્યા છીએ. પહેલા MSPની વાત હતી તેમાં પણ એ લોકો ટસના મસ થતા નથી.

આ બિલ ખેડૂતો માટે નુકસાનકારક છેઃ કોંગ્રેસ
રાજકોટની નાગર બોર્ડિંગ ખાતે કોંગ્રેસના નેતાઓ દ્રારા કૃષિબિલને ફાડીને વિરોધ કર્યો હતો. સાથે સાથે સિંઘુ બોર્ડર પર મૃત્યુ પામનાર ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. કોંગ્રેસે જણાવ્યું હતું કે, આ બિલ ખેડૂતો માટે નુકસાનકારક છે અને આ બિલથી ખેડૂતોની જમીન છિનવાઇ જશે. કેન્દ્રિય રાજ્ય કૃષિમંત્રી પરસોતમ રૂપાલા પર સવાલ ઉઠાવતા કોંગ્રેસે કહ્યું હતુ કે, કૃષિમંત્રીએ આંદોલનકારી ખેડૂતોની વચ્ચે રહીને પ્રશ્ન હલ કરવાની જગ્યાએ કૃષિ સંમેલનમાં ખેડૂતોને ગુમરાહ કરી રહ્યાં છે.

અમરેલીમાં વિપક્ષ નેતા ધાનાણીએ આંદોલનમાં મૃત્યુ પામેલા ખેડૂતોને શ્રદ્ધાંજલિ પાઠવી
દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનમાં મૃત્યુ પામેલા 22 ખેડૂતોને શ્રદ્ધાંજલિ આપવા માટે સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર કાર્યક્રમો યોજાયા હતા. અમરેલીમાં વિપક્ષ નેતા પરેશ ધાનાણીની આગેવાનીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કોંગ્રેસના કાર્યકરોએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. બાબરાના ચરખા ગામે પણ ખેડૂતોએ શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...