તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાજપને છૂટ, કોંગ્રેસની અટકાયત:રાજકોટમાં નિષ્ફ્ળ સરકારના આક્ષેપ સાથે કોંગ્રેસના આગેવાનોએ વિરોધ નોંધાવ્યો, પોલીસે અટકાયત કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • 2 દિવસ પહેલા ભાજપના ધરણાને પોલીસે મૂક પ્રેક્ષક બનીંને નિહાળ્યા હતા

રાજકોટમાં કોરોનાની બીજી ઘાતક લહેર આતંક મચાવી રહી છે ત્યારે નેતાઓએ ધરણા યોજવાના શરુ કર્યા છે. આજે શહેરના ત્રિકોણબાગ ખાતે સરકાર કોરોના કાળમાં દર્દીઓને સુવિધા આપવામાં નિષ્ફળ ગઈ હોવાના આક્ષેપ સાથે બેનરો સાથે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો હતો. એ વખતે પોલીસે કોંગી કાર્યકરો અને આગેવાનોની અટકાયત કરી હતી. ઉલ્લેખનીય છે કે 2 દિવસ પહેલા પશ્ચિમ બંગાળમાં TMCના કાર્યકરો દ્વારા ભાજપના કાર્યકરો પર કરવામાં આવેલા હુમલાના વિરોધમાં રાજકોટમાં તમામ 18 વોર્ડ અને ચારે વિધાનસભા વિસ્તારમાં ધરણાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. એ વખતે પોલીસે આ ધરણા અટકાવવાને બદલે મૂક પ્રેક્ષક બનીંને નિહાળ્યા હતા

વહીવટ અને સંકલનના અભાવે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે - કોંગ્રેસ
આ વિરોધમાં કોંગી આગેવાનએ જણાવ્યું હતું કે,ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોના મહામારીની પરિસ્થિતિ બેકાબુ છે. રાજ્ય અને કેન્દ્રમાં બેઠેલી ભાજપ સરકારના અણઘડ વહીવટ અને સંકલનના અભાવે તેમજ ખોટી નીતિઓના કારણે લોકો મોતના મુખમાં ધકેલાઈ રહ્યા છે. તેમજ સમગ્ર ગુજરાત અને રાજકોટ શહેરમાં ખુબ જ ગંભીર સ્થિતિ છે. ત્યારે અમે લોકોના જીવ બચાવવા માટે નીચે મુજબની માંગણીઓ કરીએ છીએ આ બાબતે પ્રજાના આરોગ્યના હિતમાં અત્યંત ગંભીરતા દાખવી પગલા લેવા અમો નમ્ર વિનંતી કરીએ છીએ.

  • હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં બેડની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં ઓક્સિજનની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલમાં પૂરતા વેન્ટીલેટરની વ્યવસ્થા કરો.
  • RT PCR ટેસ્ટ માટે કીટ આપો અને ૨૪ કલાકમાં ટેસ્ટીંગ રીપોર્ટ આપો.
  • રેમડેસિવર તથા અન્ય ઈન્જેકશન અને દવાઓની વ્યવસ્થા કરો.
  • વેક્સિનેશન કાર્યક્રમ માટે પૂરતા ડોઝની વ્યવસ્થા કરો.
  • હોસ્પિટલોમાં મેડીકલ-પેરા મેડીકલ સ્ટાફની પૂરતા પ્રમાણમાં વ્યવસ્થા કરો.

શું ભાજપના નેતાઓને નિયમો લાગુ પડતા નથી
આ ધરણામાં રાજકોટ શહેર કોંગ્રેસના અશોક ડાંગર,પ્રદીપ ત્રિવેદી,મહેશ રાજપૂત,વશરામ સાગઠિયા,જશવંતસિંહ ભટ્ટી,અશોકસિંહ વાઘેલા,સંજય અજુડિયા,ઠાકરશી ગજેરા,નારણ હિરપરા,સુરેશ ગરૈયા,રવિ ડાંગર સહિતના નેતાઓ ની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારની સૂચના અને રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ઉલાળીયો ખૂદ 2 દિવસ પહેલા ભાજપના નેતાઓ અને આગેવાનોએ કર્યા હતા. શહેરમાં સભા, સરઘસ, રેલી કે ધરણા ન યોજવા સરકારની સૂચના છતાં તમામ 18 વોર્ડમાં ભાજપ દ્વારા ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેને ખુદ પોલીસ કમિશનર, જિલ્લા કલેક્ટર અને મ્યુ. કમિશનર મુખપ્રેક્ષક બનીને નિહાળ્યા હતા. ત્યારે લોકોમાં ચર્ચા થઇ રહી છે કે શું ભાજપના નેતાઓને કોરોના નડતો નથી, શું તેમને કોઇ નિયમો લાગુ પડતા નથી તેવા સવાલો પણ લોકોમાં ઉઠી રહ્યાં છે.

2 દિવસ પહેલા ભાજપના નેતાઓ એ ધરાણ કર્યા હતા
2 દિવસ પહેલા ભાજપના નેતાઓ એ ધરાણ કર્યા હતા
અન્ય સમાચારો પણ છે...