ખેડૂત આંદોલન નિષ્ફળ બનાવવા પ્રયાસ:ખેડૂત આંદોલનમાં જોડાય તે પહેલા જ રાજકોટના કોંગ્રેસના આગેવાનો નજરકેદ, કોંગી નેતાએ કહ્યું- ખેડૂતો પર માનસિક ત્રાસ આપવામાં સરકારે કંઈ બાકી રાખ્યું નથી

રાજકોટ10 મહિનો પહેલા
જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુકને તેમના ઘરે જ પોલીસે નજરકેદ કર્યા - Divya Bhaskar
જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુકને તેમના ઘરે જ પોલીસે નજરકેદ કર્યા
  • રાજકોટ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિનુભાઈ ધડુકને ગઈકાલથી નજરકેદ કરાયા છે

દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનના પડઘા ગુજરાતમાં પડ્યા છે. દેશના ખેડૂત આંદોલનમાં ગુજરાતની હિલચાલ પર સરકારની નજર છે. રાજકોટ જિલ્લાના કોંગ્રેસ અને ખેડૂત સંગઠનો સાથે જોડાયેલા અનેક ખેડૂત નેતાઓને પોલીસ દ્વારા તેમના ઘરે જ નજરકેદ કરવામાં આવ્યા છે. જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુક, ગોંડલ કોંગ્રેસના નેતા ભાવેશ ભાસા સહિત અનેક નેતાઓને પોલીસે નજર કેદ કર્યા છે. લોધિકા, જેતપુર, ઉપલેટા સહિતના કોંગ્રેસના નેતા અને ખેડૂત આગેવાનો આંદોલનમાં જોડાઈ તે પહેલા જ પોલીસે નજરકેદ કર્યા છે. આ અંગે વિનુભાઈએ જણાવ્યું હતું કે, ખેડૂતો પર માનસિક ત્રાસ આપવામાં સરકારે કંઈ બાકી રાખ્યું નથી.

રાજકોટ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતાને ગઈકાલથી નજરકેદ કરાયા
ખેડૂત સમાજ તથા તમામ વેપાર કરતા લોકોને ન્યાય અપાવવા કોઈ પણ સમાજ, સંસ્થા કે પાર્ટીના આગેવાનો આ આંદોલનમાં સાથ સહકાર ન આપી શકે તેના માટે સરકાર તરફથી તમામ પ્રકારના પ્રયાસો કરવામા આવી રહ્યાના આક્ષેપો થઈ રહ્યાં છે. જેના ભાગરૂપે ખેડૂત આંદોલનમાં જસદણ તાલુકાના તમામ સમાજને સાથે રાખીને કામ કરતા ખેડૂત આગેવાન અને રાજકોટ જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા તથા સિંચાઈ સમિતિના અધ્યક્ષ વિનુભાઈ ધડુકને 12 ડિસ્મેબરના રોજ રાત્રે 9 વાગ્યાથી આટકોટ પોલીસ સ્ટેશન નીચે આવતા સાણથલી ગામે તેમના ઘરે પોલીસે નજર કેદ કર્યા છે.

રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર તાનાશાહીઃ વિનુભાઈ ધડુક
જસદણ કોંગ્રેસના નેતા વિનુભાઈ ધડુકે જણાવ્યું હતું કે, દિલ્હીની અંદર ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. ત્યારે સરકાર દ્વારા યેનકેન પ્રકારે રાજકોટ જિલ્લાના કોંગ્રેસના આગેવાનોને નજરકેદ કરી આંદોલનમાં ભાગ લેવાના પ્રયત્નોને નિષ્ફળ બનાવવા પ્રયાસો કરવામાં આવ્યા છે. હાલની રાજ્ય અને કેન્દ્રની ભાજપ સરકાર દ્વારા ખેડૂતો પર તાનાશાહી કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કૃષિ બિલ પાસ કરી ખેડૂતો પર લાદવામાં આવેલા કાળા કાયદાથી ખેડૂતોને આર્થિક નુકસાની પહોંચશે. ખેડૂતો પર માનસિક ત્રાસ આપવામાં સરકાર કોઈ બાકી રાખતી નથી.