તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
રાજકોટમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ ભાજપ-કોંગ્રેસ બંને પક્ષમાં આંતરિક કચવાટ ચરમસીમાએ પહોંચ્યો છે. આજે બંને પક્ષના ઉમેદવારો જાહેર થવાના છે ત્યારે દાવેદારો પોતાના ફોટા સાથે શહેરમાં બેનર લગાડી વ્યક્તિગત પ્રચાર કરી રહ્યાં છે. ભાજપે રસ્તા વચ્ચે મંડપો બાંધ્યા છે. જેનાથી વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા છે. બીજી તરફ કોંગ્રેસના દાવેદારોએ પોતાના ફોટા સાથે શહેરમાં બેનર લગાવી વ્યક્તિગત પ્રચાર શરૂ કરી દીધો છે.
આવતીકાલે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે
આવતીકાલે શુક્રવારે ભાજપના 72 ઉમેદવારો ફોર્મ ભરશે. જેને લઇને શહેરના બહુમાળી ભવન ખાતે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. બહુમાળી ભવન ખાતે ભાજપે રસ્તા વચ્ચે મંડપો બાંધ્યા છે. આથી વાહનચાલકોને સર્કલ ફર્યા વગર જ રોડ ક્રોસ કરવો પડી રહ્યો છે. આ કારણે વાહનચાલકોમાં અકસ્માત વધે તેવો ડર છે. ગઇકાલે જ રિક્ષા અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો અને મારામારીના દ્રશ્યો જોવા મળ્યાં હતા. ભાજપે ‘રાજકોટનો કર્યો કાયાકલ્પ, ભાજપનો નથી કોઇ વિકલ્પ’ લખાણ સાથેના બેનરો લગાવી અને કોંગ્રેસના દાવેદારોએ પંજાના નિશાન સાથે વ્યક્તિગત પ્રચાર કરી રહ્યાં છે.
ભાજપમાં પ્રભુત્વ જમાવાવના સપના ચકનાચૂર
રાજકોટ ભાજપની વાત કરીએ તો ત્રણ ટર્મથી ચૂંટણી લડતા અને 60 વર્ષ કે તેથી વધુ વયના દાવેદારને ટિકિટ નહીં આપવાના સી.આર.પાટીલ અને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડના નિર્ણય બાદ ભાજપમાં આંતરકલહ શરૂ થયો છે. સી.આર. પાટીલના નિર્ણયોથી ભાજપના સંભવિત ઉમેદવારો પણ મૂંઝવણમાં મૂકાયા છે. સિનિયરોને ટિકિટ આપવાની જાહેરાતથી કોને ટિકિટ મળશે અને કોને નહીં તે અંગે કાર્યકર્તાઓ દ્વિધામાં છે. ટિકિટ મળવાની પ્રબળ શક્યતા છે તેવા ઉમેદવારો પણ ટિકિટ મળશે કે કેમ તેની ચિંતામાં છે. શહેર ભાજપે પાર્લામેન્ટરી બોર્ડ સમક્ષ એક વોર્ડમાં 16 નામની પેનલ આપી છે.
ભાજપના દાવેદારોના સપના ચકનાચૂર થયા
આજે રાજકોટ શહેરના તમામ 72 ઉમેદવારોની ભાજપ જાહેરાત કરશે, ત્યારે વર્ષોથી પોતાના વોર્ડમાં પ્રભુત્વ જમાવીને આગામી ચૂંટણીમાં જીત મેળવી મનપામાં સારી કમિટી અને પદ મેળવવાના ઓરતા રાખનાર સિનિયર દાવેદારોના સપના રાતોરાત ચકનાચૂર થઇ જતાં તેઓ અકળાય ઉઠ્યા છે. તથા આ સમયે શું કરવું અને શું ન કરવું તે વિચારી રહ્યાં છે. પોતાને ટિકિટ નથી મળતી તેવું સ્પષ્ટ થતાં આવા દાવેદારો પોતાના પરિવારના સભ્યોને ટિકિટ મળે તેવા પ્રયાસો કરી રહ્યાં છે, પરંતુ તેમાં પણ સફળતા મળે તેવી કેટલાકને આશા દેખાતી નથી. આ સમગ્ર આંતરકલેહનો ચિતાર આજે ભાજપની યાદી જાહેર થયા બાદ સ્પષ્ટ થશે છે.
કોંગ્રેસમાં ટિકિટ માટેની ખેંચતાણે લાગણી અને માગણીના દ્રશ્યો સર્જ્યા
રાજકોટ કોંગ્રેસમાં ટિકિટ ન મળતા કાર્યકરોએ કકળાટ શરુ કરી દીધો છે. કોઈ પક્ષના કાર્યાલયે જઈને વિખવાદ ઉત્પન્ન કરે છે તો કોઈ પાર્ટી હાઇકમાન્ડ સુધી જઈને પોતાની વ્યથા-કથાને રજૂ કરી રહ્યાં છે. ગત 2 ફેબ્રુઆરીએ 22 ઉમેદવારોના નામ જાહેર થઇ જવાના પગલે શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે તમામ ઉમેદવારોને કાર્યાલયે બોલાવ્યા હતા અને તેમની સાથે પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ ગાયત્રીબા વાઘેલા પણ ઉપસ્થિત હતા. આવા સમયે ટિકિટ ન મળવાના આંતરિક રોષને લઈને અમુક સિનિયર આગેવાનો તેમના સમર્થકોની સાથે તાબડતોડ રાજકોટ કાર્યાલયે પહોંચી ગયા હતા. તેમના કહેલને શાંત કરવા માટે અશોક ડાંગરે મિટિંગ પણ કેન્સલ કરવી પડી હતી.
ગઇકાલે કોંગી મહિલાએ કોંગ્રેસ કાર્યાલય બહાર મોરચો માંડ્યો હતો
ઉપસ્થિત કોંગ્રેસના આગેવાનોની ટિકિટ માટેની ખેંચતાણે લાગણી અને માગણીના દ્રશ્યો સર્જ્યા હતા. હજી આ બનાવને 24 કલાક પણ થયા નહોતા ત્યાં મહિલા અગ્રણી હર્ષાબા જાડેજાની ટિકિટ કપાતા તેમણે શહેર કોંગ્રેસ કાર્યાલય સામે મોરચો માંડયો હતો. હર્ષાબાથી પ્રેરિત થઇને વોર્ડ નંબર 2, 13 અને 16ના સ્થાનિક મહિલા આગેવાનો-કાર્યકરો નારાજ થયા હતા. આ દરમિયાન રાજકોટ શહેર કોંગ્રેસના અગ્રણી મહેશ રાજપૂત મહિલાઓને સમજાવવા માટે કોંગ્રેસ કાર્યાલયે પહોંચી ગયા હતા.
કપાયેલા અમુક દાવેદાર દીવાલ ટપશે તો કેટલાક અંદર રહીને નુકસાન પહોંચાડવાની પેરવીમાં
આમ બન્ને પક્ષમાં કેટલાક દાવેદારોએ ટિકિટની યાદી જાહેર થયા બાદ અન્ય પક્ષમાંથી ટિકિટ મેળવી ચૂંટણી જંગ ખેલવાનો ઇરાદો બનાવી લીધો છે, જાહેરમાં તો પક્ષના કોઇ પણ ઉમેદવારને જીતાડી દેવાની વાતો કરી રહ્યા છે. પરંતુ જો પોતાનું નામ ટિકિટની યાદીમાં ન આવ્યું તો પક્ષમાં જ રહીને ચૂંટણીમાં થાય તેટલું નુકસાન કરવાના પ્લાન ઘડી રહ્યા છે.
પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.