વિરોધ:કૃષિ બિલ અને સ્કૂલ ફીને લઈ રાજકોટના માર્કેટ યાર્ડમાં કોંગ્રેસના ધરણા, હાર્દિક પટેલ આવે તે પહેલા 50ની અટકાયત, ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર

રાજકોટ2 વર્ષ પહેલા
રાજકોટ માર્કેટ યાર્ડમાં ધરણા પર બેસેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી - Divya Bhaskar
રાજકોટ માર્કેટ યાર્ડમાં ધરણા પર બેસેલા કોંગ્રેસના કાર્યકરોની અટકાયત કરી
  • રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કોંગ્રેસ દ્વારા 2થી 8 ઓક્ટોબર સુધી ધરણાનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું

કૃષિ બિલ અને સ્કૂલમાં 25 ટકા ફી માફીના સરકારના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ધરણા પર બેસી ગયા હતા અને ‘ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી નહીં ચલેગી’ના સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમ કોંગ્રેસના હાર્દિક પટેલની આગેવાનીમાં યોજાઈ રહ્યો હતો. પરંતુ હાર્દિક પટેલ આવે તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો સહિત 50ની અટકાયત કરવામાં આવી હતી.

કોંગ્રેસ દ્વારા 2થી 8 ઓક્ટોબર સુધી ધરણાનો કાર્યક્રમ યોજવાનું આયોજન
કૃષિ બિલ અને શિક્ષણ નીતિના વિરોધમાં રાજકોટ બેડી માર્કેટ યાર્ડમાં કોંગ્રેસ દ્વારા 2થી 8 ઓક્ટોબર સુધી ધરણાનો કાર્યક્રમ યોજવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે કોંગ્રેસે પોલીસની મંજૂરી માંગી હતી પણ આપવામાં આવી નહોતી. મંજૂરી વગર જ ધરણા પર બેસી જતા પોલીસે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, પ્રદેશ મંત્રી મનોજ રાઠોડ, વિપક્ષ નેતા વશરામ સાગઠીયા, હિતેશ વોરા સહિત 50 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી. આ કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના ધારાસભ્યો પણ જોડાવાના હતા.

કોંગ્રેસના કાર્યકરોએ ધરણા પર બેસી સુત્રોચ્ચાર કર્યા
કોંગ્રેસના કાર્યકરોએ ધરણા પર બેસી સુત્રોચ્ચાર કર્યા

અગાઉથી પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
કોંગ્રેસ બેડી માર્કેટ યાર્ડ ખાતે ધરણા કરે તે પહેલા જ પોલીસના ધાડેધાડા ઉતારી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. બેડી માર્કેટિંગ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગરે જણાવ્યું હતું કે, કૃષિ બિલ અને શિક્ષણ નીતિના વિરોધમાં અમે આજે ધરણા પર બેઠા હતા.જેમાં હાર્દિક પટેલ પણ જોડાવાના હતા. પરંતુ હાર્દિક પટેલ આવે તે પહેલા જ અટકાયત કરવામાં આવી હતી. અમારી માંગ પુરી ન થાય ત્યાં સુધી અમે ધરણા કાર્યક્રમ ચાલુ રાખીશું.

ઉનામાં કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી
ઉનામાં કોંગ્રેસે વિરોધ કરતા પોલીસે અટકાયત કરી

ઉનામાં કોંગ્રેસ દ્વારા વિરોધ, ધારાસભ્ય પુંજા વંશ સહિત 40ની અટકાયત
ઉના-ગીરગઢડા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે વિવિધ પ્રશ્નોને લઈને ઉના ત્રિકોણ બાગ ખાતે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. કોંગ્રેસ સમિતિ દ્વારા ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ઉનાના ધારાસભ્ય પુંજા વંશ સહિત 40 જેટલા કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.

ભાવનગર કોંગ્રેસ દ્વારા કૃષિ બિલ અને ફી મુદ્દે ધરણા
ભાવનગરમાં પણ કૃષિ બિલ અને સ્કૂલમાં 25 ટકા ફી માફીના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસના મોટી સંખ્યામાં કાર્યકરો ધરણા પર બેસી વિરોધ કર્યો હતો. લોકડાઉનમાં લાંબો સમય ધંધા-રોજગાર બંધ રહ્યા હોય નોકરીમાં પગાર કાપની સ્થિતિના સંજોગોમાં પ્રથમ સત્રની 100 ટકા ફી માફીની માગણી સરકાર સમક્ષ કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરી ખાતે ધરણા યોજવામાં આવ્યા હતા. જેમાં શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રકાશ વાઘાણી, ધારાસભ્ય કનુભાઈ બારૈયા સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો તેમજ કોંગ્રેસના કોર્પોરેટરો ઉપસ્થિત રહ્યા હતા. કોંગ્રેસના ધરણાને લઈને પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. જય જવાન જય કિસાન અને ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી, ભાજપ હાય હાયના સુત્રોચ્ચાર કર્યા હતા. પોલીસે 100થી વધુ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

(ભરત વ્યાસ, ભાવનગર/ જયેશ ગોંધિયા, ઉના)