વજુભાઈએ PM મોદીને કૃષ્ણ સાથે સરખાવ્યા:કહ્યું: 'મોદીએ કૃષ્ણની જેમ ક્યારેય સગાવાદ નથી કર્યો, 182 સીટ લાવવી મુશ્કેલ છે અશક્ય નહીં’

રાજકોટએક મહિનો પહેલા

રાજકોટમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ જન્માષ્ટમીની ઉજવણી અર્થે શહેરમાં 38મી શોભાયાત્રા નીકળી હતી. એ પૂર્વે સંતો-મહંતોની હાજરીમાં ધર્મસભા યોજાઈ હતી, જેમાં કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન શ્રીકૃષ્ણ સાથે સરખાવીને કહ્યું હતું કે નરેન્દ્ર મોદીએ શ્રીકૃષ્ણની જેમ ક્યારેય સગાવાદને મહત્ત્વ નથી આપ્યું. ભારતીય જનતા પાર્ટીમાં અત્યારસુધીમાં જેટલા પણ કાર્યકરો સત્તાસ્થાને આવ્યા છે તે દરેકને તેમની કક્ષા અનુસાર પદની ફાળવણી કરવામાં આવી છે.

ભાજપ માટે 182 બેઠક અશક્ય નથી
તેમણે વધુમાં કહ્યું હતું કે પ્રજા જાણે જ છે કે કયા પક્ષે કેટલાં કાર્ય કર્યાં છે અને કેટલાં કાર્ય નથી કર્યાં. ભારતીય જનતા પાર્ટી હંમેશાં પ્રજાની સુખાકારી માટે જ વિચારે છે. ગુજરાતમાં ભાજપ માટે 182 બેઠક ભલે અઘરી છે, પણ અશક્ય નથી. દરેક કાર્યકર મહેનત કરશે તો ધાર્યું પરિણામ મળશે. આ ઉપરાંત ગુજરાતમાં ત્રીજા રાજકીય પક્ષ AAP મુદ્દે કહ્યું હતું કે ગુજરાતમાં ભલે ચોથો કે પાંચમો પક્ષ આવે, પણ સત્તામાં ભાજપ જ આવશે.

સંતો-મહંતોની હાજરીમાં ધર્મસભા યોજાઈ હતી.
સંતો-મહંતોની હાજરીમાં ધર્મસભા યોજાઈ હતી.

અનેક વેપારી મંડળો જોડાયાં હતાં
વિશ્વ હિંદુ પરિષદ દ્વારા આજે સવારે 8 કલાકે ધર્મસભા બાદ 9 કલાકે મવડી ચોકડીથી જન્માષ્ટમીની શોભાયાત્રાને પ્રસ્થાન થયું હતું. આ વખતની શોભાયાત્રામાં નાનાં-મોટાં વાહનોમાં 90 ફ્લોટ્સ છે. 90 જેટલાં મોટાં વાહનો તેમજ 500 જેટલા ટૂ-વ્હીલર્સ શોભાયાત્રામાં જોડાયા છે. આ શોભાયાત્રામાં હજારોની સંખ્યામાં સ્વયંભૂ રીતે સંસ્થા, ગ્રુપ, મંડળના આગેવાનો, કાર્યકરો જોડાય છે. આખી શોભાયાત્રાના રૂટ પર ઠેર–ઠેર અનેક વેપારી મંડળો જોડાયાં હતાં.

500 જેટલા ટૂ-વ્હીલર્સ શોભાયાત્રામાં જોડાયા.
500 જેટલા ટૂ-વ્હીલર્સ શોભાયાત્રામાં જોડાયા.
ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
ફ્લોટ્સ આકર્ષણનું કેન્દ્ર બન્યા.

શોભાયાત્રાનો રૂટ આ મુજબ છે
આજે સવારે 8 કલાકે ધર્મસભા શરૂ થઈ હતી. એ બાદ 9 કલાકે મવડી ચોકડીથી શોભાયાત્રા પ્રસ્થાન કરશે. 9.30 કલાકે રૈયા સર્કલ, 9.40 કલાકે હનુમાન મઢી, 9.55 કલાકે કિસાનપરા, 10.15 કલાકે જિલ્લા પંચાયત ચોક, 10.40 કલાકે હરિહર ચોક, 11 વાગ્યે પંચનાથ મંદિર, 11.05 કલાકે ત્રિકોણબાગ, 11.50 કલાકે ગોંડલ રોડ મક્કમ ચોક, 12 કલાકે સોરઠિયાવાડી ચોક, 12.25 કલાકે જિલ્લા ગાર્ડન ચોક, 12.50 કલાકે ચુનારાવાડ મેઈન રોડ, 1.25 કલાકે સંતકબીર રોડ, 2 કલાકે બાલક હનુમાન મંદિરે સમાપન થશે.

અન્ય સમાચારો પણ છે...