DB ઇમ્પેક્ટ:રાજકોટ કલેક્ટરની મનમાની ન ચાલી, નિયમાનુસાર કલેક્ટરને કેસ કઢાવવાનું કહેતા સિવિલના મહિલા ડોક્ટરની રાતોરાત ભુજ બદલી કરી હતી, હવે રદ

રાજકોટ5 મહિનો પહેલા
  • પોલીસ કમિશનર બાદ જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ વિવાદમાં આવ્યા
  • સામાન્ય લોકોને કેવી હાલાકી પડે છે તે કલેક્ટરને અનુભવ કરવાનો મોકો હતો

5 દિવસ પહેલા રાજકોટની હાર્વે ક્લબમાં બેડમિન્ટન ટુર્નામેન્ટ રમતા સમયે મ્યુનિ.ના નાયબ કમિશનર એ.આર. સિંઘને હાથમાં ફ્રેક્ચર આવતા તેઓને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સાથે જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુ પણ પહોંચ્યા હતા. ત્યારે મહિલા તબીબ ડો. હેમલતા તેને ઓળખી શક્યા નહોતો અને કલેક્ટરને કેસ કાઢવાનું કહ્યું હતું. બાદમાં કલેક્ટરે IAS ઓફિસર તરીકે રોફ જમાવી અને પોતાનો અહમ સંતોષવા ડો.હેમલતાની રાતોરાત ભૂજ બદલી કરી નાખી હતી. પરંતુ હવે કલેક્ટરની મનમાની ચાલી નહીં અને રાતોરાત કરાયેલી મહિલા તબીબની બદલી રદ કરવામાં આવી છે. આ બદલી પાછળ મહિલા તબીબનો વાંક એટલો જ હતો કે, તેઓ કલેક્ટરને ઓળખી શક્યા નહોતા.

મહિલા તબીબની ઉમદા ફરજ બદલ પ્રોત્સાહન આપવું જોઇતું હતું
મહિલા તબીબ ડો.હેમલતાએ તો પોતાની ઉમદા ફરજ બજાવી હતી. ઓફિસર હોય કે સામાન્ય લોકો મહિલા તબીબ માટે બધા સરખા જ હોય છે. કલેક્ટરે પોતે મહિલા તબીબને તેની ઉમદા ફરજ બદલ પ્રોત્સાહિત કરવા જોઇતા હતા, પરંતુ પોતાનો અહમ ઘવાતા રાતોરાત મહિલા તબીબની બદલી ભુજ કરાવી હતી. આ સંજોગોમાં કલેક્ટર પાસે ખરેખર સામાન્ય લોકોને કેવી હાલાકી પડે છે તેવો જાત અનુભવ કરવાનો મોકો પણ હાથમાં હતો. પરંતુ નહીં કલેક્ટર તો પોતે IAS છે તો લાઇનમાં કેમ ઉભા રહે તેવો અહમ આવી ગયો હોય તેવી લોકોમાં ચર્ચા ઉઠી છે. તેમજ મહિલા તબીબને તેની ઉમદા ફરજ બદલ પ્રોત્સાહન આપવું જોઇએ તેવી માંગ પણ લોકોમાં ઉઠી છે.

સિવિલ હોસ્પિટલમાં બાબુશાહી
સિવિલ હોસ્પિટલ હોય કે અન્ય સરકારી ઓફિસ, નિયમો બધા માટે સરખા જ હોય છે. પછી તે સામાન્ય લોકો, સરકારી અધિકારીઓ કે રાજકીય નેતાઓ હોય. સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો.આર.એસ. ત્રિવેદીએ આ અંગે જણાવ્યું હતું કે, ભુજમાં જગ્યા નથી એટલે હાલ બદલી અટકાવી છે, પરંતુ સવાલ એ થાય છે કે, શું ચાર દિવસમાં ભુજમાં ખાલી પડેલી જગ્યા રાતોરાત ભરાઇ ગઇ કે પછી મહિલા તબીબની બદલીના પડઘાને દબાવવાનો પ્રયાસ થઇ રહ્યો છે?

કલેક્ટર અરૂણ મહેશ બાબુ (ડાબી બાજુ) અને ઇજાગ્રસ્ત મ્યુનિ.ના નાયબ કમિશનર સિંઘ (જમણી બાજુ) સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તે સમયની તસવીર.
કલેક્ટર અરૂણ મહેશ બાબુ (ડાબી બાજુ) અને ઇજાગ્રસ્ત મ્યુનિ.ના નાયબ કમિશનર સિંઘ (જમણી બાજુ) સિવિલ હોસ્પિટલ પહોંચ્યા તે સમયની તસવીર.

મહિલા તબીબ બંને અધિકારીઓને ઓળખી શક્યા નહોતા
સમગ્ર બનાવ એવો છે કે, પાંચ દિવસ પહેલા શહેરની હાર્વે ક્લબ આયોજીત બેડમિન્ટન ટુર્નામેન્ટમાં કલેક્ટર અરૂણ મહેશ બાબુ, મ્યુનિ. કોર્પોરેશનના નાયબ કમિશનર એ.આર. સિંઘ અને તેમની સામે ઇન્કમ ટેક્સના અધિકારી અને બેડમિન્ટન કોચ ટુર્નામેન્ટ રમી રહ્યા હતા. આ દરમિયાન નાયબ કમિશનર સિંઘ એકાએક પડી જતા તેને ડાબા હાથમાં સોજો ચડી ગયો હતો. આથી કલેક્ટર અરૂણ મહેશ બાબુ તેઓને પોતાની કારમાં સાથે લઇ તાબડતોબ સારવાર માટે સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં પહોંચ્યા હતા. પરંતુ સિવિલના આ ઇમરજન્સી વિભાગમાં ફરજ પરના મહિલા તબીબ હેમા અને સ્ટાફ મેમ્બરો આ બંને અધિકારીઓને ઓળખી શક્યા નહીં.

કલેક્ટર મ્યુનિ.ના ઇજાગ્રસ્ત મ્યુનિ.ના નાયબ કમિશનરને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવ્યા હતા.
કલેક્ટર મ્યુનિ.ના ઇજાગ્રસ્ત મ્યુનિ.ના નાયબ કમિશનરને સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લાવ્યા હતા.

તબીબી સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી
જેને પગલે ડો. હેમાએ સારવાર માટે તેઓને પહેલા કેસ કઢાવી લાવવાનું જણાવ્યું હતું. પરંતુ ત્યારબાદ કર્મચારીઓએ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગની બહાર પડેલી કલેક્ટરની આ કારને જોઇ જતા તબીબી સ્ટાફમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ દરમિયાન નાયબ કમિશનર સિંઘને પ્રાથમિક સારવાર આપી સિવિલ હોસ્પિટલથી તેઓને તેમના ઘરે ઉતારી દેવામાં આવ્યા હતા. પરંતુ આ ઘટનામાં કલેક્ટરને ઓળખી નહીં શકનાર ડો. હેમાની તાબડતોબ ભુજની હોસ્પિટલમાં બદલી કરી નાખી હતી. પરંતુ હવે આ બદલી રદ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...