દરોડા:રાજકોટના શાપરમાં આવેલી 5 ઓક્સીજન કંપનીમાં દરોડા, કોવિડ હોસ્પિટલ માટે 50 ટકાથી વધુ જથ્થો અનામત રાખવા સુચના

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર
  • માધવ, તિરૂપતી, વિશ્વેશ્વર, ત્રિશુલ અને જયદીપ નામની કંપનીઓમાં ફુડ એન્ડ ડ્રગ દ્વારા દરોડ
  • ગઇકાલ સુધી 50 ટકા જથ્થો કોવિડ હોસ્પીટલ માટે અનામત રાખવા જાહેરનામું બહાર પાડ્યું
  • રાજકોટમાં દરરોજ 6થી 8 કિલો લીટર ઓક્સીજન જોઇએ છે તેથી 12 ટન જથ્થો સરપ્લસ રાખવા સુચના

રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને નાયબ મામલતદાર દ્વારા શાપર-વેરાવળમાં ઓક્સિજનનું ઉત્પાદન કરતી પાંચ કંપનીમાં દરોડા પાડ્યા હતા. જેમાં માધવ, તિરૂપતિ, વિશ્વેશ્વર, ત્રિશૂલ અને જયદીપ નામની પાંચ કંપનીમાં દરોડા પાડ્યા હતા. દરોડા દરમિયામ ઓક્સિજનનું વેચાણ અને સ્ટોક ચકાસ્યો હતો. તેમજ કોવિડ હોસ્પિટલ માટે 50 ટકાથી વધુ જથ્થો અનામત રાખવા કંપનીના માલિકોને સુચના આપવામાં આવી હતી. રાજકોટમાં કોવિડ ઉપરાંત અન્ય હોસ્પિટલોમાં રોજ 6થી 8 કિલોલીટર ઓક્સિજનની જરૂર પડી રહી છે. આથી 12 ટન જથ્થો સરપ્લસ રાખવો જરૂરી છે.

જુનાગઢ, ગીર સોમનાથ અને જામનગર પણ રાજકોટથી ઓક્સિજન જાય છે
જુનાગઢ, ગીર સોમનાથ અને જામનગરને પણ રાજકોટથી જ ઓક્સિજન પુરો પાડવામાં આવે છે. આમ હવે ઓક્સિજનનું અવિરત ઉત્પાદન કરવા તથા 50 ટકાથી વધુ જથ્થો અનામત રાખવા અંગેના જાહેરનામાની કડક અમલવારી કરવા તાકીદ કરાઇ છે. આ અંગે કલેકટરે જાહેર કરેલા જાહેરનામામાં જણાવાયું છે કે, હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરોના વાયરસની અસરોને પહોંચી વળવા તેમજ રોગ અટકાયત અને નિયંત્રણની કામગીરી કાયદાકીય રીતે ત્વરીત હાથ ધરી શકાય તે હેતુસર એપેડેમિક ડિસીઝ એક્ટ 1897 અન્વયે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરનાં ક્રમાંક એનસીવી/102020/એસએફએસ. 1 તા.13-2-2020ના જાહેરનામાથી રાજ્યમાં ધ ગુજરાત એપેડેમિક રેગ્યુલેશન-2020 લાગુ કરવામાં આવ્યો છે.

મેડિકલ ઓક્સિજનના જથ્થાને રીઝર્વ કરવા ઠરાવ
હાલમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું હોય સરકારી હોસ્પિટલો અને ડેઝીગ્નેટ હોસ્પિટલો ખાતે કોરોના સંક્રમિત દર્દીઓ માટે મેડિકલ ઓક્સિજનની વધુ જરૂરીયાત જણાય છે. જે અનુસંધાને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગાંધીનગરના સંદર્ભના ઠરાવથી રાજ્યની સરકારી અને ડેઝીગ્નેટેડ હોસ્પિટલો ખાતે કે જ્યાં કોરોના સંક્રમિત દર્દીઓ તેમજ અન્ય રોગોના દર્દીઓ માટે ઔદ્યોગિક એકમો-ઉદ્યોગો-યુનિટોમાં ઉત્પાદિત થતા મેડિકલ ઓક્સિજનના જથ્થાને રીઝર્વ રાખવા ઠરાવ કરવામાં આવ્યો છે. આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ગણાશે.