ભારત મોસમ વિજ્ઞાન વિભાગ દ્વારા ગત ગુરૂવારે રાહત કમિશનર હર્ષદ પટેલના અધ્યક્ષસ્થાને સંભવિત હીટવેવ અંગેની વીડિયો કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં સમગ્ર છેલ્લા 10 વર્ષના મહત્તમ તાપમાન અને હીટવેવની સ્થિતી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જે બાદ આજે હીટવેવ અંગે ગુજરાતના મુખ્ય સચિવ રાજકુમારના અધ્યક્ષસ્થાને તમામ જિલ્લાઓ માટે વીડિયો કોન્ફરન્સ યોજાઈ હતી. જેમાં રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જોડાઈને હીટવેવ અંગે લેવાયેલા પગલાંઓની માહિતી આપી હતી.
ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે
હાલ જે પ્રમાણે ઋતુ પરિવર્તન થઇ રહ્યું છે તેને પગલે રાજકોટ જિલ્લામાં આગામી મે માસ સુધીમાં હીટવેવને કારણે ગરમી છેલ્લા તમામ રેકર્ડ તોડશે તેવી ભીતિ છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2010થી અત્યાર સુધીમાં હાઇએસ્ટ તાપમાન 2016માં 46 ડીગ્રી નોંધાયું છે તે રેકોર્ડ હીટવેવને કારણે તૂટે તેવી શક્યતા છે. ગત ગુરુવારે રાહત કમિશનરે હીટવેવમાં જિલ્લા કક્ષાએ કરવાની થતી કાર્યવાહી અંગે માર્ગદર્શન આપ્યું હતું. જે બાદ આજની બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમારે આ કામગીરીની સમીક્ષા કરી હતી. જેમાં જિલ્લા કલેક્ટર અરૂણ મહેશ બાબુએ સંભવિત હીટવેવથી લોકોને સાવચેત રાખવા માટે આયોજન અંગેની વિગતો આપી હતી.
કલેક્ટરે અધિકારીઓને સુચના આપી
હિટવેવથી બાળકો, વૃધ્ધો, શ્રમિકોના મૃત્યો ન થાય કે લોકો કે પશુઓ આરોગ્યને અસર ન થાય તે માટે વિવિધ પગલાંઓ લેવા કલેકટરએ જણાવ્યું હતું. પાણી, આરોગ્ય સહિતની સુવિધાઓ હાથવગી રાખવા તેમજ ખેતી પાકોને નુકશાન ન થાય તે પણ જોવાની સુચના અધિકારીઓને કલેક્ટરે આપી હતી.
રોજિંદી કામગીરીના અહેવાલ રજૂ કર્યા
આ ઉપરાંત કલેકટરરે રાજકોટ જિલ્લામાં સિંચાઇ, પાણી પુરવઠા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓ સાથે તળાવો ઊંડા કરવા, જળાશયોનું રીપેરીંગ, ટાંકીઓ અને નહેરોની સાફસફાઇ, તળાવોના પાળા અને ખેત તલાવડીની મરામત જેવા કામગીરીને સમીક્ષા કરીને આવશ્યક સૂચનો આપ્યા હતા. તેમજ દરેક વિભાગ હેઠળ થયેલી રોજિંદી કામગીરીના અહેવાલ રજૂ કરવા તેમજ ઇ-સરકાર પોર્ટલ ઉપર દરરોજ ડેટા અપડેટ કરવા સૂચના આપી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.