રાજકોટીયન્સ માટે સારા સમાચાર સામે આવ્યા છે. જ્યાં છેલ્લા 2 વર્ષથી કોરોનાને પગલે વહીવટી તંત્ર દ્વારા રદ કરવામાં આવતો સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો ફરી યોજાશે.જેને અનુસંધાને જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુના અધ્યક્ષ સ્થાને લોકમેળા કારોબારી સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ હતી.
અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું
આ બેઠકમાં નિવાસી અધિક કલેકટર કેતન ઠક્કરે જણાવ્યું હતું કે, સંભવિત તા.17થી 21 ઓગસ્ટ સુધી એટલે કે પાંચ દિવસ લોકમેળાનું આયોજન કરવામાં આવશે. જે અંગે નિવાસી કલેકટર દ્વારા લોકમેળા સંકલન સમિતિ, અમલીકરણ સમિતિ, ડ્રો તથા હરાજી સમિતિ, કાયદો વ્યવસ્થા, ટ્રાફિક પાર્કિગ નિયમન સમિતિ, ફાયર સેફટી અને સાંસ્કૃતિક અને ઉદ્ઘાટન કાર્યક્રમ સમિતિ સહિતની સમિતિઓની કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી અને અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરે છે
અહીં એ ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના પાટનગર સમા રાજકોટનાં નગરજનો એ ઉત્સવ પ્રિય છે. અહીં તમામ તહેવારો ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેમાં કાઠીયાવાડની ભાતીગળ સંસ્કૃતિને ઉજાગર કરતો જન્માષ્ટમીનો લોકમેળો એ અનોખી ભાત પાડે છે.
પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે 2 લાખ લોકોને રોજીરોટી મળે છે
સાતમ-આઠમના તહેવારમાં સૌરાષ્ટ્રનો સૌથી મોટો મેળો રાજકોટમાં યોજાય છે. દર વર્ષે રેસકોર્સના ગ્રાઉન્ડમાં યોજાતા આ મેળાનો પ્રારંભ રાંધણ છઠ્ઠના દિવસે કરવામાં આવતો અને દશમ સુધી એટલે કે પાંચ દિવસ ચાલતો હોય છે. જેમાં રાઈડ્સ, રમકડા, આઇસ્ક્રિમ સહિતના વેપારીઓ સહિત 2 લાખ લોકોને પ્રત્યેક્ષ અને પરોક્ષ રીતે રોજીરોટી મળે છે. પાંચ દિવસ સુધી યોજાતા મેળામાં સૌરાષ્ટ્રભરમાંથી 10 લાખ લોકો મેળો માણવા આવતા હતા.
2019માં 13 લાખ લોકોએ માણ્યો હતો ‘ગોરસ’
રાજકોટમાં છેલ્લે 2019માં યોજાયેલા લોકમેળાને ‘ગોરસ’ નામ અપાયું હતું અને તેમાં અત્યાર સુધીની સૌથી વધુ જનમેદની નોંધાઈ હતી. વહીવટી તંત્રના જણાવ્યા અનુસાર તે સમયે 13 લાખથી વધુ લોકોએ મેળાનો આનંદ માણ્યો હતો. સામાન્ય રીતે દર વર્ષે 8થી 10 લાખ લોકો મેળાની મોજ લેતા હોય છે તેના કરતા સંખ્યા વધી તે સાબિત કરે છે કે રંગીલા રાજકોટનો રંગીન મેળો આખા સૌરાષ્ટ્રભરમાં પ્રખ્યાત બની રહ્યો છે.
રાઈડના ભાવ 3 ગણા થયા છતાં લૂંટ થતી’તી
2019માં યાંત્રિક રાઈડના ભાવબાંધણામાં 30 રૂપિયા કરાયા હતા જે અગાઉના 10 રૂપિયા કરતા 3 ગણા છે આમ છતાં ઘણા રાઈડ સંચાલકોએ 50-50 રૂપિયા ઉઘરાવવાના ચાલુ કર્યા હતા. તે સમયે તમામ યાંત્રિક રાઈડમાં સ્ટ્રક્ચર અને ફિટનેશ સર્ટિફિકેટ ફરજિયાત કરાયા હતા, જોકે છેલ્લા દિવસોમાં ફિટનેશ સર્ટિફિકેટ મળ્યા હતા આ જ કારણ ધરીને વધુ પડતા પૈસા લેવાતા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.