રાજકોટ શહેર અને જિલ્લામાં બાળમજૂરી અટકવવા માટે શુક્રવારે કલેકટર અરુણ બાબુએ ચાઈલ્ડ લેબર ડિસ્ટ્રીક્ટ ટાસ્ક ફોર્સની બેઠક બોલાવી હતી અને ખાસ ખાસ ડ્રાઈવ કરવા આદેશ આપ્યા હતા. અને શુક્રવારે જ રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળામાં બાળાઓ પાસે સ્કૂલ કેમ્પસમાં રહેલી ઇંટો અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો ફરતો થતા વિવાદ થયો હતો. જે બાદ આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસનાધિકારી તપાસ માટે પહોંચ્યા હતા. જ્યાં પ્રિન્સિપાલે બ્લોક અંદર લેવાની કામગીરીમાં શાળાની વિધાર્થીનીઓ મદદ કરવા આવી હોવાનો કર્યો દાવો કર્યો હતો.આ મામલે કેબિનેટ મંત્રી ભાનુ બાબરિયાએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનર પાસેથી વિગતો મંગાવી તપાસના આદેશ આપ્યા છે.
અમારી ભૂલ થઇ, બીજી વખત આવું નહીં કરીએ
આ અંગે નારાયણનગર કન્યાશાળાના આચાર્ય મનસુખભાઈ મહેતાએ મીડિયાને જણાવ્યુ હતું કે, શાળામાં બ્લોક નાખવાની કામગીરી ચાલુ હતી તેમાં શુક્રવારે બાળાઓની મદદ લીધી હતી. પરંતુ આવું કરવું એ અમારી ભૂલ હતી, હવે પછી ક્યારેય અમે આવું નહીં કરીએ. વાલીઓ પણ શાળાએ આવ્યા હતા અમે તેમની પણ માફી માંગીને હવે ક્યારેય આવી ભૂલ નહીં કરવા ખાતરી આપી છે. ખરેખર બ્લોકની કામગીરી માટે અમે અને શિક્ષકો પણ મદદમાં જોડાયા હતા અને બાળકોની પણ મદદ લીધી હતી. પરંતુ હવે આવું ક્યારેય નહીં થાય.
શું છે વાઇરલ વીડિયોમાં
વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે આચાર્ય અને શિક્ષકો પણ માથે ઊભા છે અને બાળકીઓ ઈંટ અને બ્લોકના ફેરા કરી રહી છે. નાની નાની બાળકીઓ પાસે આ શાળામાં ચાલી રહેલા ચણતરનું મજૂરીકામ કરાવવામાં આવતા વાલીઓ પણ રોષે ભરાયા હતા અને વીડિયો જોયા બાદ શાળાએ દોડી ગયા હતા અને માથાકૂટ થઇ હતી પરંતુ આચાર્ય સહિતનાઓએ માફી માંગી લેતા મામલો થાળે પડ્યો હતો.
વીડિયો વાઇરલ થતાં વિવાદ
વાલીઓ બાળકોને શાળાએ શિક્ષણ મેળવવા મોકલે છે પરંતુ કેટલીક શાળાના આચાર્ય અને શિક્ષકો ભૂલકાંઓ પાસે મજૂરીકામ પણ કરાવી લેતા હોય છે. ગામડાંઓમાં આવું મોટા પ્રમાણમાં થઇ રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે શુક્રવારે રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં આવેલી નારાયણનગર કન્યાશાળાની બાળાઓ પાસે શુક્રવારે ઈંટ અને બ્લોક ઉપડાવતા હોવાનો વીડિયો વાઇરલ થતાં વિવાદ થયો છે.
વજનદાર બ્લોક ઉપાડયા
કન્યાશાળાની લગભગ 25થી વધુ બાળાઓને શાળામાં ચાલી રહેલા ચણતર કામ માટે ઈંટ અને બ્લોક ઉપાડવાનું કામ કરાવતા વિવાદ થયો છે. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે બાળાઓ વજનદાર બ્લોક ઉપાડીને એક જગ્યાથી બીજી જગ્યાએ લઇ જઈ રહી છે, કેટલીક બાળાઓ એકબીજીને બ્લોક પાસ કરી રહી છે.
અગાઉ બેડલામાં વિદ્યાર્થી પાસે કપચી ભરાવી’તી
અગાઉ રાજકોટ જિલ્લાની બેડલા સરકારી શાળામાં શિક્ષકોની હાજરીમાં જ વિદ્યાર્થીઓ ભરતડકામાં રેતી-કપચી ભરી ભરીને કડિયાકામ કરી રહ્યા હોવાનો વીડિયો ફરતો થયો હતો. એક બાજુ સરકાર બાળમજૂરી અટકાવવાની વાતો કરે છે ત્યારે બીજી તરફ, સરકારી શાળામાં વિદ્યાર્થીઓ પાસે મજૂરની જેમ કામ કરાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થી પાવડા વડે કપચી હાથલારીમાં ભરી રહ્યો હતો. વિદ્યાર્થીની ક્ષમતા કરતાં પણ વધારે કામ કરાવવામાં આવી રહ્યાનું સ્પષ્ટ થયું હતું. શિક્ષકની હાજરીમાં જ વિદ્યાર્થીઓ રેતી-કપચી એક જગ્યાથી ભરી બીજી જગ્યાએ ઠાલવી રહ્યા હતા. સતત દોઢ કલાક સુધી વિદ્યાર્થીએ આ રીતે મજૂરીકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.