તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એક્સક્લૂઝિવ ઇન્ટરવ્યુ:રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડન્ટે કહ્યું- કોરોનાની જેમ મ્યુકોરમાયકોસિસની બીજી લહેર ઘાતક, યુવાનોમાં પ્રમાણ વધ્યું, મગજ સુધી અસર થાય છે

રાજકોટ2 મહિનો પહેલાલેખક: રક્ષિત પંડ્યા
આગામી સમયમાં 500 બેડ મ્યુકોરમાયકોસિસ માટે તૈયાર કરવામાં આવશે.
  • રાજકોટ સિવિલમાં 200થી વધુ દર્દી દાખલ, 4થી 6 સપ્તાહ સુધી સારવાર ચાલે
  • નવા લક્ષણો બીજા સ્ટ્રેનમાં જોવા મળ્યાં, કોવિડ પોઝિટિવ દર્દીમાં વધારે શક્યતા

રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોનાની બીજી ઘાતક લહેરમાં જે રીતે સંક્રમણ વધતા પોઝિટિવ કેસ અને મૃત્યુઆંકમાં વધારો થયો એ જ રીતે હવે ફંગસ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસિસ રોગની પણ બીજી લહેર આવી અને એ પણ ઘાતક સાબિત થઇ રહી છે, જેમાં પણ પ્રથમ લહેર બાદ બીજી લહેરમાં કોરોનાની જેમ લક્ષણો બદલાયાંનું સામે આવી રહ્યું છે. પ્રથમ લહેર બાદ આ રોગ વૃદ્ધ દર્દીને થતો હતો, પરંતુ બીજી લહેરમાં યુવાનોમાં પણ આ રોગનું પ્રમાણ વધ્યું હોવાનું સામે આવ્યું છે. આ અંગે દિવ્ય ભાસ્કર સાથે રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ આર.એસ.ત્રિવેદીએ ખાસ વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે હવે આ રોગની અસર બ્રેન સુધી પણ પહોંચી રહી છે, જે એક ચિંતાનો વિષય છે.

કોવિડ પોઝિટિવ દર્દીમાં પણ જોવા મળે છે મ્યુકોરમાયકોસિસનાં લક્ષણો
આર.એસ. ત્રિવેદીએ વધુમાં જણાવ્યું હતું કે હાલ મ્યુકોરમાયકોસિસ રોગ માટે જે અલગ વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે એમાં 200થી વધુ દર્દી સારવાર લઇ રહ્યા છે. આ દર્દીઓને ઓપરેશનની જરૂર જણાય તો એના માટે અલગ ઓપરેશન થિયેટર પણ ફાળવી ઓપરેશન શરૂ કરવામાં આવ્યાં છે. એમાં રોજના 6થી 8 દર્દીનાં ઓપરેશન નિષ્ણાત તબીબોની ટીમ દ્વારા કરવામાં આવી રહ્યાં છે. સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતા હોવાથી 200 બેડની સંખ્યા વધારી 500 સુધી કરવામાં આવશે અને આવનારા દિવસોમાં 500 બેડ મ્યુકોરમાયકોસિસ માટે તૈયાર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે.

બ્રેનમાં પણ આ રોગની અસર જોવા મળી રહી છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે કોરોનાની પ્રથમ લહેરમાં કોવિડ નેગેટિવ થયા બાદ દર્દીમાં આ રોગ થતો હોવાનું સામે આવતું હતું, પરંતુ આ બીજી લહેરમાં કોવિડ પોઝિટિવ દર્દીને પણ મ્યુકોરમાયકોસિસ રોગ થતો હોવાનું સામે આવી રહ્યું છે. યુવાનોમાં પણ આ રોગનું પ્રમાણ બીજી લહેરમાં વધ્યું છે, જે પણ ચિંતાનો વિષય છે. આ બીજી લહેરમાં સિમ્પ્ટોમ્સ ચેન્જ થયાં છે અને હવે બ્રેનમાં પણ આ રોગની અસર જોવા મળી રહી છે.

આગામી સમયમાં 500 બેડ મ્યુકોરમાયકોસિસ માટે તૈયાર કરવામાં આવશે.
આગામી સમયમાં 500 બેડ મ્યુકોરમાયકોસિસ માટે તૈયાર કરવામાં આવશે.

મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે
આ રોગની સારવાર ખૂબ લાંબી છે, લગભગ 4થી 6 સપ્તાહ સુધી દર્દીને સારવાર આપવામાં આવી રહી છે, એટલે કે કોવિડ કરતાં પણ બે ગણી લાંબી સારવાર મ્યુકોરમાયકોસિસમાં ચાલી રહી છે, જેમાં રોજના 4થી 5 ઇન્જેક્શનની જરૂરિયાત રહે છે, જેની કિંમત અંદાજે 7000 આસપાસ રહે છે, એટલે કે એક દર્દીને અંદાજિત 120થી વધુ ઇન્જેક્શનની પણ જરૂરિયાત ઊભી થતી હોય છે. જોકે આ ઇન્જેક્શનનો જથ્થો રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રાજ્ય સરકાર માધ્યમથી પૂરતા પ્રમાણમાં પૂરો પાડવામાં આવતો હોવાનું જણાવ્યું હતું. જ્યારે મેડિકલ સ્ટોરમાં ઇન્જેક્શનની અછત જોવા મળી રહી છે.

એક સપ્તાહમાં 3 દર્દીનાં મૃત્યુ
સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી ફંગસ ઇન્ફેક્શન મ્યુકોરમાયકોસિસના મહત્તમ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવી રહ્યા છે. હાલ રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી 200થી વધુ દર્દી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની સારવાર લઇ રહ્યા છે, જે તમામને સિવિલ હોસ્પિટલના નિષ્ણાત તબીબો સારવાર આપી રહ્યા છે. અદ્યતન ટેકનોલોજી અને સાધનોની મદદથી દર્દીના ઓપરેશન કરવા સુધીની સારવાર સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા એક સપ્તાહમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકોરમાયકોસિસની સારવાર લેતા 3 દર્દીનાં મૃત્યુ થયાંના સમાચાર સામે આવ્યા છે, જ્યારે ખાનગી હોસ્પિટલમાં અંદાજિત 6 મળી રાજકોટ, જામનગર અને સુરેન્દ્રનગરના કુલ 9 દર્દીનાં મોત થયાંનું સામે આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...