કોરોનાનું કાળચક્ર:અમદાવાદની જેમ રાજકોટ સિવિલ હોસ્પિટલ ડેથસ્પોટ બની, છેલ્લા 10 દિવસથી દર બે કલાકે 1નું મોત

રાજકોટએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 111 લોકોના કોરોનાથી મોત
  • બહારના જિલ્લામાંથી આવતા દર્દીઓને કારણે રાજકોટનો ડેથરેટ ઊંચો જાય છે

સૌરાષ્ટ્રમાં કોરોના હવે બેકાબૂ બની રહ્યો છે. કેસની સંખ્યાની સાથોસાથ મોતની સંખ્યા પણ વધી રહી છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં છેલ્લા 10 દિવસમાં રોજ સરેરાશ 12 વ્યક્તિના મોત કોરોનાથી થઈ રહ્યા છે. રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી રોજના 65 પોઝિટિવ કેસ નોંધાય રહ્યા છે. શહેરની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના કેસની સંખ્યામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. રાજકોટ ગ્રામ્યમાં છેલ્લા 10 દિવસથી રોજના 35 કેસ નોંધાય રહ્યા છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસમાં 111 લોકોના કોરોનાથી મોત નીપજ્યા છે. આથી રાજકોટમાં દર બે કલાકે 1 મોત થઈ રહ્યું છે. આથી અમદાવાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલ ડેથસ્પોટ બની ગઈ છે.

બહારથી આવતા દર્દીના કારણે રાજકોટનો ડેથરેટ ઊંચો જાય છે
રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં રોજ સરેરાશ 12 જેટલા મોત થઇ રહ્યા છે. આ બાબત આરોગ્ય વિભાગ માટે ચિંતાજનક છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, દ્વારકા, જામનગર, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાના કોરોના દર્દી રાજકોટની સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. આથી છેલ્લા 10 દિવસમાં 111 લોકોના મોત થયા તેમાં રાજકોટ જિલ્લાના સૌથી ઓછા દર્દીના મોત થયા છે. વધુ મોત અન્ય જિલ્લામાંથી આવતા કોરોના દર્દીના થઇ રહ્યા છે. આથી રાજકોટનો ડેથરેટ ઊંચો જઇ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 10 દિવસથી દર બે કલાકે એકનું મોત થઇ રહ્યું છે. 15 દિવસ પહેલા જોવા જઈએ દર ચાર કલાકે 1 દર્દીનું મોત થતું હતું. હવે રેશિયો વધીને ડબલ થઈ ગયો છે.

સૌરાષ્ટ્રના આ જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી વધી રહેલા કેસો
સૌરાષ્ટ્રના ભાવનગર, ગીરસોમનાથ, જામનગર, રાજકોટ અને અમરેલી જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયાથી કૂદકેને ભૂસકે કેસોની સંખ્યા વધી રહી છે. શહેરી વિસ્તારની સાથોસાથ ગ્રામ્ય વિસ્તારોમાં પણ કેસની સંખ્યામાં ચિંતાજનક વધારો થઇ રહ્યો છે. રાજકોટ જિલ્લામાં 4200ને પાર કોરોના કેસની સંખ્યા પહોંચી ગઇ છે.