ગુજરાત સરકાર દ્વારા આજે નાણાકીય વર્ષ 2021-22 નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગુજરાતની સ્થાપનાથી આજ દિવસ સુધી સૌ પ્રથમ વખત 2.27 લાખ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે પાછલા બજેટ કરતા 10,000 કરોડથી વધુ છે. આજના આ બજેટને રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આવકાર આપવામાં આવ્યો હતો અને તેની સાથે સાથે મોરબીની જેમ રાજકોટને પણ 500 એકરની મોટી GIDC આપવામાં આવે તેવી માંગ ચેમ્બરે કરી છે.
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી. વૈષ્ણવે બજેટ અંગે પ્રતિક્રિયા આપી
આ અંગે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, આજનું બજેટ આવકારદાયક છે. 2021ના બજેટમાં સરકારે કૃષિ , આરોગ્ય અને શિક્ષણને પ્રાધાન્ય આપ્યું છે. એ ખુબ જ સારી વાત છે, આ સાથે સાથે રાજકોટને ફાળવવામાં આવેલ નિયો મેટ્રો ટ્રેન આવવાથી રાજકોટના વિકાસને વેગ મળશે તેથી તે એક સારી અને મોટી ભેટ માની શકાય.
ચેમ્બર માટે 500 એકરની મોટી વિશાળ જગ્યા આવશ્યક - વી.પી.વૈષ્ણવ
GIDCની માંગને અનુલક્ષીને વી.પી.વૈષ્ણવે જણાવ્યું હતું કે, સરકાર દ્વારા જે રીતે મોરબીને ધ્યાનમાં રાખીને GIDC આપવામાં આવી છે એ જ રીતે રાજકોટને અને રાજકોટના ઉદ્યોગોને ધ્યાનમાં રાખી સરકાર GIDC માટે 500 એકરની મોટી વિશાળ જગ્યાની ફાળવણી કરવામાં આવે તો રાજકોટના ઉદ્યોગકારો હજુ પણ સારી રીતે રાજકોટ અને ગુજરાતનું નામ દેશ દુનિયામાં રોશન કરી વેપાર અને ધંધા રોજગાર સારી રીતે વિકસાવી શકે તેમ છે.
બજેટથી આપણા ઉદ્યોગોને વેગ મળશે
વધુમાં વી.પી.વૈષ્ણવ એ જણાવ્યું હતું કે,આવનારા દિવસોમાં આ બજેટથી આપણા ઉદ્યોગોના વિકાસને વેગ મળશે. આપણું ગુજરાત આત્મનિર્ભર કેમ બને અને આવનારા દિવસોની બિઝનેસ કેવી રીતે થઇ શકે તે આ બજેટની અંદર દેખાય રહ્યાં છે. નાના વેપારીઓને છૂટછાટ આપવી જોઇએ કે નહીં એવું કોઇ સ્પષ્ટીકરણ આ બજેટમાં કરવામાં આવ્યું નથી. પરંતુ બજેટની અંદર જેમ જેમ ઊંડા ઉતરશું તેમ તેમ જાણવા મળશે કે નાના વેપારીઓને કેટલો ફાયદો થશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.