ચૂંટણીની તૈયારી:રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની ફેબ્રુઆરીમાં ચૂંટણી, કાલે કાર્યક્રમ જાહેર થવાની શક્યતા, ગત ટર્મમાં 4500 જગ્યાએ આ વખતે 1802 મતદાર

રાજકોટ5 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસની ફાઇલ તસવીર. - Divya Bhaskar
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ઓફિસની ફાઇલ તસવીર.
  • વેપારી મહાજનમાં 48 સભ્યોએ લાઈફટાઈમ મેમ્બરશીપ મેળવી

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝમાં ફેબ્રુઆરી મહિનામાં પ્રતિષ્ઠાજનક ચૂંટણી જંગ ખેલાશે. આ માટે આવતીકાલે ચૂંટણી કાર્યક્રમ જાહેર થવાની શક્યતા છે. ચેમ્બર ઓફ કોમર્સના સુત્રોએ જણાવ્યું હતું કે, વેપારી મહાજનમાં ત્રણ વર્ષની ટર્મ હોય છે. જેમાં વર્તમાન પ્રમુખ વી.પી. વૈષ્ણવના નેજા હેઠળની વર્તમાન બોડીની ટર્મ 31 ડિસેમ્બરના રોજ પૂર્ણ થઇ ગઇ છે. ત્યારે હવે આવતા મહિને ચૂંટણીના સંજોગો જોવા મળી રહ્યા છે. ગત ચૂંટણી પ્રતિષ્ઠાજનક બની હોવાના કારણે સંબંધીત આગેવાનોએ પોત પોતાના નજીકના લોકોને સભ્ય બનાવી દીધા હતા. ગત ચૂંટણીમાં 4500 મતદાર હતા પરંતુ આ વખતે માત્ર 1802 મતદારો જ છે.

કાલે કારોબારી સભ્યોની બેઠક બોલાવવામાં આવી
ચેમ્બર ઓફ કોમર્સની ગત કારોબારી બેઠકમાં નવી ચૂંટણી વિશે ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. 14 જાન્યુઆરી બાદ કમુરતા પછી લગ્નગાળો હોવાથી અને ચૂંટણી માટે 20 દિવસનો સમય આપવાનો થતો હોવા જેવા મુદ્દાઓને વિચારણામાં લેવામાં આવ્યા હતા અને તેના આધારે ફેબ્રુઆરી મહિનાના બીજા અઠવાડિયામાં ચૂંટણી યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતું. જોકે હજુ વિધિવત કાર્યક્રમ નક્કી થયો નથી. આવતીકાલે ફરી વખત કારોબારી સભ્યોની બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કરીને મતદાનની તારીખથી માંડીને ફોર્મ ભરવા સુધીનો કાર્યક્રમ નક્કી કરવામાં આવે તેવી શક્યતા જોવામાં આવી રહી છે.

વર્તમાન બોડીની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થઇ ગઇ
ચેમ્બર ઓફ કોમર્સમાં 24 સભ્યોની કારોબારી હોય છે એટલે કે 24 કારોબારી સભ્યો માટે ચૂંટણી યોજવામાં આવશે. વર્તમાન બોડીની ત્રણ વર્ષની મુદ્દત પૂર્ણ થઇ ગઇ છે. ત્રણમાંથી બે વર્ષ વેપારી મહામંડળે કોરોના કાળમાં જ ગાળ્યા હતા અને તેમાં લોકડાઉન અને તેમાંથી વેપાર-ધંધાને મુક્ત કરાવીને મુશ્કેલીઓ દૂર કરાવવા સહિતના અસરકારક મુદ્દા પડકારરૂપ રહ્યા હતા.

48 સભ્યોએ લાઈફટાઈમ મેમ્બરશીપ મેળવી
બીજી તરફ ગત ચૂંટણીમાં જ્ઞાતિવાદનું પ્રભુત્વ રહ્યું હતું. પરંતુ આ વખતે માત્ર 1802 મતદારો હોવાના કારણે વાસ્તવિક વર્ચસ્વનો અંદાજ મળી શકે તેમ વેપારી મહાજન સાથે સંકળાયેલા સુત્રોએ જણાવ્યું છે. વેપારી મહાજનમાં 48 સભ્યોએ લાઈફટાઈમ મેમ્બરશીપ મેળવી છે. આ સંખ્યા 150થી 200 પહોંચાડવાનો ટાર્ગેટ છે. ચૂંટણી પહેલા મતદાર નામમાં ફેરફાર કરવા માગે તો તેના માટે એક વખતની સુવિધા ઉભી કરવામાં આવી છે. ચેમ્બર ઓફ કોમર્સની યાદીમાં જણાવાયા પ્રમાણે આગામી ચૂંટણીમાં બંધારણીય જોગવાઈ મુજબ ચેમ્બરના રેકોર્ડમાં નોંધાયેલી પેઢીના એક પ્રતિનિધિ મતદાન કરી શકશે.

અન્ય સમાચારો પણ છે...