રાજકોટ ક્રાઇમ ન્યુઝ:રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ સેન્ડવીચ મશીનના નામે રૂ.1.34 લાખની છેતરપિંડી આચરી

રાજકોટ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

રાજકોટના વેપારી સાથે દિલ્લીના વેપારીએ 1.34 લાખની છેતરપિંડી આચરી હોવાની ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. રાજકોટના વેપારી જગદીશભાઇ ઠક્કરે દિલ્લીના વેપારી નિરંજન પાસેથી સેન્ડવીચ મશીનની ખરીદી કરી હતી જે ખરાબ નીકળ્યા હતા જે બાદ ફરી દિલ્લીના વેપારીનો સંપર્ક કર્યો હતો જેને મશીન પરત મોકલી આપવા કહ્યું હતું અને રૂપિયા પરત મળી જશે તેવું જણાવ્યું હતું જો કે હજુ સુધી રૂપિયા પરત ન મળતા રાજકોટના વેપારીએ દિલ્લીના વેપારી નિરંજન વિરુધ્ધ છેતરપિંડી અંગે ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે દિલ્લીના વેપારી સામે આઇપીસી કલમ 406, 420 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

જમીન કૌભાંડના ગુનામાં 7 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો
રાજકોટ શહેરમાં નોંધાયેલા અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે રાજકોટ પોલીસ કમિશનર રજુ ભાર્ગવ દ્વારા શહેર પોલીસને સૂચના આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 2016થી જમીન કૌભાંડના ગુનામાં નાસ્તા ફરતા આરોપીની મહેસાણા થી ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચને મળેલ ચોક્કસ બાતમી આધારે છેલ્લા 7 વર્ષથી ફરાર આરોપી અંકીત નીતિનભાઈ દલાલને મહેસાણાથી પકડી પાડી માલવીયાનગર પોલીસને સોંપી કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ માલવીયાનગર પોલીસે આરોપીને રિમાન્ડ અર્થે કોર્ટમાં લઇ જવા કાર્યવાહી હાથ ધરી છે.

આરોપી અંકીત દલાલ
આરોપી અંકીત દલાલ

આપના નેતાની હોટેલમાં રૂ.1.10ના કોપર રોલની ચોરી
રાજકોટ રેસકોર્ષ રીંગ રોડ પર આપના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુની નવી બની રહેલી ધ નીલ સંજયરાજ હોટેલની સાઇટ પર ચોરીનો બનાવ સામે આવ્યો છે. હોટેલની બાંધકામ સાઇટ પર સુપરવાઇઝર તરીકે નોકરી કરતાં નારાયણનગર-2 માં રહેતાં પરેશ અશોકભાઇ ચૌહાણ (ઉ.વ.22) નામના યુવાને એ-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં બાંધકામ સાઇટ પર કોપરના ત્રણ પટ્ટી રોલ અર્થીંગના કામ માટે રાખ્‍યા હતાં. આ કોપર રોલનું અંદાજીત વજન 123.900 કિ.ગ્રા. હતું અને તેની કિમત રૂ. 1,10,442 જેટલી થાય છે જે છેલ્લા બે દિવસમાં ચોરી થયાની જાણ થતા પોલીસે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડવા કાર્યવાહી હાથ ધરી છે.

એસિડ પી લેનાર પરિણીતાનું સારવાર દરમિયાન મોત

રાજકોટ શહેરના કોઠારીયા વિસ્તારમાં આવેલ શિવમ પાર્ક ખાતે રહેતા 26 વર્ષીય પરિણીતાએ એસિડ પી લેતા આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ગત તારીખ 17 જુલાઈના રોજ હીનાબેન ગોહેલ (ઉ.વ.26) એ પોતાના ઘરે એસિડ પી લેતા સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેઓએ આજે સવારે સારવાર દરમિયાન દમ તોડી દેતા તેનું મોત નીપજ્યું છે જેની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફ દ્વારા આજીડેમ પોલીસ ને કરવામાં આવતા પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી પરિવારના નિવેદન નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દારૂના ગુનામાં વોન્ટેડ ભાસ્કર ઉર્ફે ભાખો વૈઠાની ધરપકડ

રાજકોટ શહેર SOG પોલીસ દ્વારા છેલ્લા ચાર વર્ષથી દારૂના ગુનામાં વોન્ટેડ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખો વૈઠાની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખો વર્ષ 2019માં ભક્તિનગર પોલીસ સ્ટેશન અને વર્ષ 2021માં ક્રાઇમ બ્રાન્ચમાં પકડાયેલ વિદેશી દારૂના જથ્થામાં ચાર વર્ષથી નાસ્તો ફરતો હતો જેની આજે SOG પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી વિરુધ્ધ અગાઉ 15 જેટલા પ્રોહીબીશનના ગુના નોંધાઇ ચુક્યા છે અને બે વખત પાસા હેઠળ ધકેલવામાં આવ્યો છે. આજે વધુ બે ગુનામાં ઝડપી પાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વોન્ટેડ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખોની ધરપકડ
વોન્ટેડ આરોપી ભાસ્કર ઉર્ફે ભાખોની ધરપકડ