તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એનાલિસિસ:રાજકોટમાં 3 પૂર્વ મેયર સહિત 28 કોર્પોરેટર કપાયા, 12 રિપીટ, 19 જ્ઞાતિને સાચવી : 5 ટિકિટમાં સગવડિયો સગાવાદ

રાજકોટ21 દિવસ પહેલા
રાજકોટમાં જ્ઞાતિ પ્રમાણે ટિકિટની ફાળવણી કરવામાં આવી.
  • પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયા, નેહલ શુક્લ, દેવાંગ માંકડ, પ્રદીપ ડવને ભાજપની ટિકિટ
  • ભારદ્વાજ, મીરાણી, મોલિયા, ઉદય, બીનાબેન, કશ્યપ, જાગાણી, રૈયાણી સહિત 28 પર પાટીલની કાતર
  • પૂર્વ ડેપ્યુટી મેયર ડો.દર્શિતા શાહ, જયમીન ઠાકર, મનિષ રાડિયા સહિત 12 ચહેરા રિપિટ કરાયા

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇને ભાજપે આજે રાજકોટના 18 વોર્ડમાં પોતાના 72 ઉમેદવારો જાહેર કર્યા છે. જેમા ગત ટર્મમાં ચૂંટાયા હતા તેવા 39 કોર્પોરેટરોમાંથી શહેર પ્રમુખ કમલેશ મીરાણી, નીતિન ભારદ્વાજ, ઉદય કાનગડ, ડો.જૈમન ઉપાધ્યાય, કશ્યપ શુક્લ, બાબુભાઇ(દેવરાજભાઇ) આહીર, મેયર બીનાબેન આચાર્ય જેવા મોટા માથા સહિત 28 કપાયા છે. જ્યારે ડેપ્યુટી મેયર સહિત 12 ચહેરાઓને જ રિપીટ કરવામા આવ્યા છે. ભાજપે આ વખતે 22 યુવા સહિત 56 નવા ચહેરાને મેદાને ઉતાર્યા છે. આ સાથે જ રાજકોટમાં આ વખતે એક મુસ્લિમને ટિકિટ ફાળવી નથી.

શહેર પ્રમુખ કમલેશ મિરાણીનું પત્તુ કપાયું (ફાઇલ તસવીર).
શહેર પ્રમુખ કમલેશ મિરાણીનું પત્તુ કપાયું (ફાઇલ તસવીર).

પ્રદેશ પ્રમુખના નિર્ણયે સમગ્ર રાજ્યના ભાજપ બેડામાં વાતાવરણ ડ્હોળ્યું
સતત ત્રણ ટર્મથી જીત્યા હોય તેને અને 60 વર્ષથી ઉપરની ઉંમરનાનો કાંટો કાઢી નાખવાના પ્રદેશ પ્રમુખના નિર્ણયે સમગ્ર રાજ્યના ભાજપ બેડામાં વાતાવરણ ડ્હોળી નાંખ્યુ છે. જો કે એમ છતાં પાટીલ પાવર અડીખમ રહ્યો હતો અને તેમણે લીધેલા નિર્ણય મુજબ જ ટિકિટની ફાળવણી કરી છે. બપોરે મોડેથી રાજકોટના તમામ 18 વોર્ડ પર 72 ઉમેદવારોના નામનું લિસ્ટ જાહેર કરવામા આવ્યું હતું.

પૂર્વ મેયર બીનાબેન આચાર્યને ટિકિટ ન મળી (ફાઇલ તસવીર).
પૂર્વ મેયર બીનાબેન આચાર્યને ટિકિટ ન મળી (ફાઇલ તસવીર).

28 કોર્પોરેટરોને ઘરે બેસાડી દેવામાં આવ્યા
72 ઉમેદવારમાંથી માત્ર 12 જ રિપીટ કરવામા આવ્યા છે. જ્યારે ગત ટર્મમાં ચૂંટાયા હતા તેવા 28 ચહેરાઓને ઘરે બેસાડી દેવામા આવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા લાભુભાઇ ખીમાણિયાના પુત્ર હિરેન ઉર્ફે હરિભાઇ ખીમાણિયાને તેમજ અગાઉ મનપાની ચૂંટણી લડી ચૂકેલા બાબુભાઇ ઉધરેજાને ભાજપે ફરી ટિકિટ આપી છે. આ ઉપરાંત તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ઘોઘુભાના પુત્ર નરેન્દ્રસિંહ ઉર્ફે ટીકુભાને પણ ભાજપે ટિકિટ આપી છે

ભાજપ કાર્યાલયે ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી.
ભાજપ કાર્યાલયે ભાજપના નેતાઓમાં નારાજગી જોવા મળી.

મુખ્યમંત્રીના હોમટાઉનમાં ભાજપમાં દાવાનળ ફાટ્યો
મુખ્યમંત્રી વિજય રૂપાણીના હોમટાઉન રાજકોટ સહિત રાજ્યભરમાં ભાજપમાં જે દાવાનળ ફાટી નીકળ્યો છે તેને ઠારવા માટે હાઇકમાન્ડ ચકરાવે ચડ્યુ છે. પ્રમુખ પાટીલછોડેલું તીર પાછું તો વાળી શકાય તેમ નથી. હવે શું કરવુ? આંતરિક વિગ્રહભરી સ્થિતિને કઇ રીતે શાંત કરવી? સિનિયરોની નારાજગી કંઇ રીતે દૂર કરવી? આવા સવાલો વચ્ચે વચલો રસ્તો કાઢવામા આવ્યો છે કે, જો કોઇને ટિકિટ જોઇતી હોય તો સંગઠનમાંથી રાજીનામું આપવું પડશે. આવો વચલા રસ્તારૂપે નારાજ સિનિયરોને ટાઢા પાડવા માટેની ચાલાકી પણ પ્રદેશ પ્રમુખ પાટીલે અપનાવી હતી.

ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ
ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ

પૂર્વ મેયર ઉપર પણ કાતર, બીનાબેન જેવા અનેકના સપના રોળાયા
સતત ત્રણ ટર્મથી ચૂંટાયા હોય તેઓને ટિકિટ નહીં મળે. આ સાથે એવી પણ જાહેરાત કરી હતી કે, 60 વર્ષથી ઉપરની ઉંમર હોય તેઓને પણ ચૂંટણી લડવાની તક હવે આપવામા નહીં આવે. બાદમાં ભૂતકાળમાં મેયર રહી ચૂક્યા હોય તેઓને પણ ટિકિટ આપવામા નહીં આવે. આ નિર્ણયથી વિજય રૂપાણીના પત્ની અંજલિબેનના અંગત સખી એવા બીનાબેન આચાર્ય જેવા અનેક દાવેદારોની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાઇ ગઇ છે. ઘરે બેસી રહેવાનો વારો આવ્યો છે.

ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ
ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ

મિરાણીનો કચવાટ આંસુરૂપે છલકાયો, સુપર CMને કોઇ ગાળો ભાંડી ગયાની ચર્ચા
રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણીને પણ ચોથી ટર્મમાં ચૂંટણી લડવાનો અભરખો છે. ગઇકાલે તો તેમના મતવિસ્તારના સમર્થકોનો ટેકો પણ આડકતરી રીતે દેખાડ્યો હતો. પ્રદેશ પ્રમુખ પાટીલના નિર્ણય પછી મીરાણીનો ચહેરો મોહરો પણ ઉતરી ગયો છે પરંતુ અત્યાર સુધી સમસમીને બેઠેલા મીરાણી તેમના એક ગોડફાધર સમક્ષ રીતસર રડી પડ્યા હોવાનું ભાજપના જ વર્તુળોમાંથી જાણવા મળ્યું છે. જ્યારે સુપર સી.એમ. એવા નીતિન ભારદ્વાજ ગઇકાલે પાર્ટીના મધ્યસ્થ કાર્યાલયમાં હતા ત્યાંરે એક સિનિયર આગેવાને અપશબ્દો ભાંડ્યા હોવાની પણ એક ચર્ચા છે.

ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ
ભાજપે બહાર પાડેલા ઉમેદવારોનું લીસ્ટ

દેવાંગને મહામંત્રીપદેથી, ડવે યુવા ભાજપમાંથી રાજીનામા આપવા પડશે
પ્રદેશ પ્રમુખ પાટીલ પાવરમાં એવો સ્પષ્ટ નિર્ણય કરાયો છે કે, સંગઠનમાં હોદો ધરાવતા હોય અને મનપાની ચૂંટણી લડવાની ઇચ્છા દર્શાવે તેમણે હોદા પરથી રાજીનામું આપવું પડશે. આ પાટીલના આ વટહુકમ મુજબ વોર્ડ નં. 7માંથી ટિકિટ મેળવનાર દેવાંગ માંકડે શહેર ભાજપ સંગઠનમાં મહામંત્રી પદેથી જ્યારે વોર્ડ નં.12માં ટિકિટ મેળવનાર નરેન્દ્ર ડવને યુવા ભાજપના પ્રમુખપદેથી રાજીનામું આપવું પડશે.

પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડની ટિકિટ કપાઇ.
પૂર્વ સ્ટેન્ડિંગ ચેરમેન ઉદય કાનગડની ટિકિટ કપાઇ.

વોર્ડ વાઇઝ રિપીટ અને કપાયેલા કોર્પોરેટરની સંખ્યા
વોર્ડ નંબર 1માં એક કોર્પોરેટર રિપીટ, મહિલા કોર્પોરેટરના પતિને મળી ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 2માં ત્રણ કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 4માં અશ્વિન મોલીયાની ટિકિટ કપાય છે. વોર્ડ નંબર 5માં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાય છે. વોર્ડ નંબર 6માં દેવુ જાદવ રિપીટ અને ત્રણ કોર્પોરેટરની ટિકીટ કપાય છે. વોર્ડ નંબર 7માં ચારેય કોર્પોરેટરની ટિકિટ કપાય છે. કશ્યપ શુક્લના બદલે નેહલ શુક્લને ટિકિટ આપવામાં આવી છે. વોર્ડ નંબર 8માં ચારેય કોર્પોરેટર કપાયા છે. વોર્ડ નંબર 9માં પુષ્કર પટેલને રિપીટ અને ત્રણની કપાય છે. વોર્ડ નંબર 10માં ત્રણમાંથી એકને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 13માં બે કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 14માં એક રિપીટ અને ત્રણની ટિકિટ કપાય છે. વોર્ડ નંબર 17મા ચારેય કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે.

પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ (ડાબી બાજુ) અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી (ફાઇલ તસવીર).
પૂર્વ ડેપ્યુટી મેયર ડો. દર્શિતા શાહ (ડાબી બાજુ) અને પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયાને ટિકિટ આપવામાં આવી (ફાઇલ તસવીર).

ભાજપના ઉચ્ચ ડિગ્રી મેળવનાર ઉમેદવારોની સંખ્યા
ડોક્ટર-5
Ph.D-2
LLB-2
પ્રોફેસર-1
એન્જિનિયર-1
માસ્ટર ડિગ્રી-3
MA-4

ભાજપ કાર્યાલય ખાતે સિનિયર કોર્પોરેટરના ચહેરા પર નિરાશા
રાજકોટ ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે અગ્રણીઓ પહોંચ્યા હતા. જેમાં ગુજરાત મ્યુનિસિપલ કોર્પોરેશન ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી પણ હાજર રહ્યાં હતા. કેટલાક પૂર્વ કોર્પોરેટર પણ ભાજપ કાર્યાલયે આવી પહોંચ્યા છે. પરંતુ પોતાનું નામ કપાતા સિનિયર કોર્પોરેટરના ચહેરા પર નિરાશા જોવા મળી હતી. હાલ નામ કપાયેલા કોર્પોરેટરો પાર્ટીનો નિર્ણય શિરોમાન્ય ગણાવી રહ્યાં છે.

રાજકોટ કોર્પોરેશનમાં 28 કોર્પોરેટરોની ટિકિટ કપાય

વોર્ડ નંબર 1
1 આશિષ વાગડિયા
2 બાબુભાઈ આહિર
3 અંજના મોરજરિયા

વોર્ડ નંબર 2
4 સોફીયા દલ

વોર્ડ નંબર 4
5 અશ્વિન મોલીયા

વોર્ડ નંબર 5
6 અનિલ રાઠોડ
7 દિપ્તિબેન પનારા
8 અરવિંદ રૈયાણી
9 દક્ષાબેન ભેસણિયા

વોર્ડ નંબર 6
10 દલસુખભાઈ જાગાણી
11 મુકેશ રાદડિયા
12 સજુબેન રબારી

વોર્ડ નંબર 7
13 કશ્યપ શુકલ​​​​​​​
14 હિરલ બેન મહેતા
15 મિનાબેન પારેખ
16 અજય પરમાર

વોર્ડ નંબર 8
17 નિતિન ભારધ્વાજ
18 રાજુભાઈ અઘેરા​​​​​​​
19 જાગૃતિબેન ઘાડિયા​​​​​​​
20 વિજયાબેન વાછાણી

વોર્ડ નંબર 9
21 કમલેશ મિરાણી​​​​​​​
22 રૂપાબેન શિલુ
23 શિલ્પાબેન જાવીયા

વોર્ડ નંબર 10
24 અશ્વિન ભોરણિયા
25 બિના બેન આચાર્ય

વોર્ડ નંબર 14
26 ઉદય કાનગડ
27 જયમન ઉપાધ્યાય
28 કિરણબેન સોરઠિયા

રાજકોટમાં જ્ઞાતિ મુજબ ભાજપની ટિકિટ વહેંચણી
બ્રાહ્મણ -8
લેઉવા પટેલ - 14
​​​​​​​કડવા પટેલ - 5
જૈન- 2
દરબાર- 7
રાજપૂત- 2
કોળી - 2​​​​​​​
કડીયા- કુંભાર - 2
ભરવાડ- 4
આહીર- 8
SC-ST- 6
​​​​​​​લોહાણા - 3
સિંધી- 1
ગોહિલ- 1
જાદવ- 1
​​​​​​​લાઠીયા- 1
​​​​​​​બાવાજી- 1
સોની- 1
​​​​​​​મકવાણા- 2

ભાજપ શાસનમાં આવે તો ભાનુબેન બાબરિયા મેયર
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારની સેન્સ પ્રક્રિયામાં પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરિયાનું નામ ન હતું, પરંતુ ભાજપે 72 ઉમેદવારની યાદી જાહેર કરી તેમાં વોર્ડ નં.1માં ભાનુબેન બાબરિયાને ટિકિટ આપવામાં આવી છે. રાજકોટ મનપામાં ગત મેયરની ટર્મ મહિલા અનામત હતી અને આગામી મેયરની ટર્મ એસસીએસટી અનામત આવે તેવી સંભાવના છે. જેના પગલે ભાજપે અગાઉથી ભાનુબેનના નામની જાહેરાતની તૈયારી કરી છે.

ખરાબ વર્તન કરનારને કાનગડ બહાર લઈ ગયા
વોર્ડ નં.14ના ભાજપ પ્રમુખ અનિષ જોષીનું નામ ઉમેદવારોની યાદીમાં ન હોવાથી નારાજ થઇ કાર્યાલય પર ધસી આવ્યા હતા. આ સમયે શહેર પ્રમુખ મીરાણી પત્રકારોને સંબોધન કરી રહ્યા હતા તે સમયે જ અનિષે ગાળાગાળી શરૂ કરી હતી. આ ઉપરાંત વોર્ડ નં.17ના કાર્યકર નરેન્દ્ર રાઠોડ પણ નારાજ થઇ આક્ષેપો કર્યા હતા. બે આગેવાનોએ જાહેરમાં ડખો કરતાં અને આ વાતના અન્ય સ્થળે પ્રત્યાઘાત ન પડે તે માટે જોષી અને રાઠોડને તાકિદની અસરથી પક્ષમાંથી સસ્પેન્ડ કરાયા હતા.

કાર્યકરોને નારાજ થવાનો હક્ક છે, પણ તેની પાસે વિકલ્પ ક્યા
​​​​​​​મહાનગરપાલિકાની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોનું લિસ્ટ જાહેર થાય તે પહેલા શહેર ભાજપના મુખ્ય આગેવાનોની એક બેઠક મળી હતી. જેમાં નામ જાહેર થયા બાદ નારાજગી પણ બહાર આવશે તે મુદ્દે ચર્ચા થઇ હતી. આ બેઠકમાં જે કાર્યકર નારાજ હોય તેમને મનાવી લેવાનું પ્લાનિંગ કરાયું હતું. બેઠકમાં એક આગેવાને કહ્યું, ‘કાર્યકરને નારાજ થવાનો હક્ક છે પણ તે ક્યાય બીજે જશે નહીં, તેની પાસે બીજો કોઇ વિકલ્પ પણ ક્યા છે. માને તો મનાવી લેવા નહીંતર રસ્તો દેખાડી દેવો.’

મોવડી મંડળ કરતા રાજકોટનું મંડળ મોટું!
ભાજપના 72 ઉમેદવારની જાહેરાત ગુરુવારે બપોરે 2:30 કલાકે કરવામાં આવી હતી, પરંતુ આ નામની જાહેરાત થાય તે પહેલા એટલે કે બુધવારે મોડી રાત્રી સુધી રાજકોટ ભાજપને ઉમેદવારોનું લિસ્ટ મોકલવામાં આવ્યું હતું. આ લિસ્ટમાં અમુક વોર્ડમાં ઉમેદવારોના નામમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. ખાસ કરીને જ્ઞાતિના સમીકરણો પર અને વોર્ડમાં પેનલ ઉપાડી શકે તેવા નામ ઉમેરવામાં આવ્યા હતા. રાજકોટમાં 72 નામની જાહેરાત ચાલુ હતી ત્યારે ભાજપના જ એક આગેવાને કહ્યું કે, ઇ-મેલની એક કલાક સુધી રાહ જોઇ પરંતુ નામ તો અહીંથી જ ત્યાં મોકલાયા હતા. મોવડી મંડળ કરતા રાજકોટ ભાજપના આગેવાનોએ પોતાની ઇચ્છા મુજબ અમુક વોર્ડના નામમાં ફેરફાર કર્યા હતા.

હવે મોટા નેતાનો ફોન આવશે તો પ્રચારમાં જઇશું
​​​​​​​ભાજપના 72 ઉમેદવારના નામની જાહેરાતમાં 28 કોર્પોરેટર કપાયા હતા. જે કોર્પોરેટર્સના નામ કપાયા છે તેમાં હવે નવો કચવાટ ઊભો થયો છે. વોર્ડ પ્રમુખ અને મહામંત્રી તેમજ શહેર ભાજપના પણ અમુક હોદ્દેદારો યાદીથી નારાજ છે. પૂર્વ કોર્પોરેટર્સ હવે પક્ષના મોટા નેતા કહે તો નવા નિશાળિયા કહેવાતા ઉમેદવારોને જીતાડવા માટે કામ કરશે નહીં તો માત્ર હાજર છે તેવું દેખાડવા હાજરી આપશે. એક વોર્ડ બે નગરસેવકોને ટિકિટ મળી નથી પણ તેના સ્થાને નવા ઉમેદવારોને તક મળી છે તેથી જો મોટા નેતા કે ધારાસભ્ય કહે તો કામ કરવું, નહીં તો મોજ કરવી તેવી ચર્ચા કરતા હતા.

ભાજપના 72 અને કોંગ્રેસના 22 ઉમેદવાર આજે ફોર્મ ભરશે
​​​​​​​શુક્રવારે સવારે 11 કલાકે ભાજપના ઉમેદવાર અને કાર્યકરો બહુમાળી ભવન ચોક ખાતે એકત્ર થઇ ફોર્મ ભરવા જશે. જ્યારે કોંગ્રેસની પ્રથમ યાદીમાં જે 22 નામ જાહેર થયા છે તેઓ પણ સવારે 10:15 કલાકે ઢેબરભાઇ ચોક ખાતે એકત્ર અને ફોર્મ ભરવા જશે.

અમુક વોર્ડમાં નવા ચહેરા મૂકી ચોંકાવ્યા તો ક્યાંક અનુભવીઓ ઉપર જ દારોમદાર રખાયો
​​​​​​​વોર્ડ નં.1
1) દુર્ગાબા જાડેજા
2) ભાનુબેન બાબરિયા
3) હરિભાઇ ખીમાણિયા
4) ડો.અલ્પેશ મોરજરિયા

​​​​​​​વોર્ડ નં.2
1) ડો.દર્શિતાબેન શાહ
2) મીતાબેન જાડેજા
3) મનીષ રાડિયા
4) જયમીન ઠાકર

વોર્ડ નં.3
1) અલ્પાબેન દવે
2) કુસુમબેન ટેકવાની
3) નરેન્દ્રસિંહ જાડેજા
4) બાબુભાઇ ઉધરેજા

​​​​​​​વોર્ડ નં.4
1) કંકુબેન ઉધરેજા
2) નયનાબેન પેઢડિયા
3) પરેશ પીપળિયા
4) કાળુભાઇ કુંગશિયા

​​​​​​​વોર્ડ નં.5
1) વજીબેન ગોલતર
2) રસીલાબેન સાકરિયા
3) દિલીપ લુણાગરિયા
4) હાર્દિક ગોહિલ

વોર્ડ નં.6
1) દેવુબેન જાદવ
2) મંજુબેન કુંગશિયા
3) પરેશ પીપળિયા (પી.પી.)
4) ભાવેશ દેથરિયા

​​​​​​​વોર્ડ નં.7
1) દેવાંગ માંકડ
2) નેહલ શુક્લ
3) વર્ષાબેન પાંધી
4) જયશ્રીબેન ચાવડા

​​​​​​​વોર્ડ નં.8
1) ડો.દર્શનાબેન પંડ્યા
2) પ્રીતિબેન દોશી
3) અશ્વિન પાંભર
4) બિપીન બેરા

વોર્ડ નં.9
1) દક્ષાબેન વસાણી
2) આશાબેન ઉપાધ્યાય
3) પુષ્કર પટેલ
4) જીતુ કોટડિયા

​​​​​​​વોર્ડ નં.10
1) જ્યોત્સનાબેન ટીલાળા
2) રાજેશ્વરીબેન ડોડિયા
3) ચેતન સુરેજા
4) નરેન્દ્રસિંહ વાઘેલા

​​​​​​​વોર્ડ નં.11
1) ભારતીબેન પાડલિયા
2) લીલુબેન જાદવ
3) વિનુભાઇ સોરઠિયા
4) રણજિતભાઇ સાગઠિયા

​​​​​​​વોર્ડ નં.12
1) અસ્મિતાબેન દેલવાડિયા
2) પ્રદીપ ડવ
3) મગન સોરઠિયા
4) મિતલબેન લાઠિયા

વોર્ડ નં.13
1) જયાબેન ડાંગર
2) સોનલબેન સેલારા
3) નીતિન રામાણી
4) સુરેન્દ્રસિંહ વાળા

​​​​​​​વોર્ડ નં.14
1) ભારતીબેન મકવાણા
2) વર્ષાબેન રાણપરા
3) નિલેશ જલુ
4) કેતન ઠુંમર

​​​​​​​વોર્ડ નં.15
1) ડો.મેઘાવીબેન સિંધવ
2) ગીતાબેન પારઘી
3) વિનુ કુમારખાણિયા
4) વરજાંગ હુંબલ

​​​​​​​વોર્ડ નં.16
1) કંચનબેન સિદ્ધપુરા
2) રૂચિતાબેન જોશી
3) સુરેશ વસોયા
4) નરેન્દ્ર ડવ

વોર્ડ નં.17
1) અનિતાબેન ગોસ્વામી
2) કીર્તિબા રાણા
3) વિનુ ઘવા
4) રવજી મકવાણા

​​​​​​​વોર્ડ નં.18
1) દક્ષાબેન વાઘેલા
2) ભારતીબેન પરસાણા
3) સંજયસિંહ રાણા
4) સંદીપ ગાજીપરા

​​​​​​​સરપ્રાઈઝ : ગત ચૂંટણીમાં હારેલાને પણ ભાજપે તક આપી
વોર્ડ નં.18માંથી ગત ટર્મમાં ચૂંટણી હારેલા સુરેન્દ્રસિંહ વાળાને આ વખતે વોર્ડ નં.13માંથી ટિકિટ અપાઈ છે. વોર્ડ નં.13માંથી છેલ્લે ચૂંટણી હારેલા છતાં પાર્ટીમાં ઉત્સાહથી જવાબદારી નિભાવતા અશ્વિન પાંભરને વોર્ડ નં.8માં ટિકિટ મળી છે. આ જ રીતે અગાઉ ચૂંટણી હારેલા શૈલેષભાઇ પરસાણાના પત્ની ભારતીબેન પરસાણાને વોર્ડ નં.18માંથી ટિકિટ અપાઈ છે.

પરિવારવાદ : વાતો કરી પરંતુ 5 ટિકિટ સગાઓને જ આપી
પ્રદેશ ભાજપ પ્રમુખે ભાજપમાં પરિવારવાદ નહીં ચાલે તેવી જાહેરાત કરી હતી, પરંતુ કશ્યપ શુક્લના સ્થાને નેહલ શુક્લ, સ્વ. હરિભાઇ ઘવા કોર્પોરેટર રહ્યા બાદ કાંતાબેન, રમેશભાઇ અને વિનુભાઇ કોર્પોરેટર બન્યા હતા. હવે ફરી વિનુભાઇ ઘવાને ટિકિટ મળી છે. વોર્ડ નં.13માં હરિભાઇ ડાંગરના પત્ની, વોર્ડ નં.4માં દેવદાનભાઇ કુંગશિયા પરિવારમાંથી કાળુભાઇને ટિકિટ અપાઇ છે. પૂર્વ ધારાસભ્ય માધુભાઇ બાબરિયા પરિવારમાંથી ભાનુબેનને ટિકિટ અપાઈ છે.

વેલકમ : 14 દી’ પૂર્વે ભાજપમાં આવ્યા, ટિકિટ અપાઇ
ગત 21 જાન્યુઆરીએ મુખ્યમંત્રી રૂપાણીની જાહેરસભામાં કોંગ્રેસના આગેવાન લાભુભાઇ આહીર સહિતના ભાજપમાં ભળ્યા હતા અને 14 દિવસ બાદ લાભુભાઇના પુત્ર હરિભાઇ ખીમાણિયાને વોર્ડ નં.1માં ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કોંગ્રેસી એવા બાબુ ઉધરેજા, પરેશ પીપળિયા, દિલીપ લુણાગરિયા સહિતનાને ટિકિટ આપવામાં આવી છે.

12 રિપીટ : જો જીતશે તો આમના આધારે ચાલશે બોર્ડ
ભાજપે નવા નિયમનો કડક અમલ કરી માત્ર 12 કોર્પોરેટરને જ રિપીટ કરવામાં આવ્યા છે. આ કોર્પોરેટર્સ જો વિજેતા થશે તો આગામી દિવસોમાં મનપાનું જનરલ બોર્ડ ચલાવશે. ભાજપે વોર્ડ નં.2માં જયમીન ઠક્કર, મનીષ રાડિયા, ડો.દર્શિતાબેન શાહ, પુષ્કર પટેલ, જ્યોત્સ્નાબેન ટીલાળા, નીતિન રામાણી સહિત 12 કોર્પોરેટરને રિપીટ કર્યા છે.

યુવા-શિક્ષિત : 5 ડોક્ટર, 10 ઉચ્ચ શિક્ષિતને સમાવ્યા
ભાજપે જાહેર કરેલા ઉમેદવારોમાં યુવા અને શિક્ષિત ઉમેદવારોની સંખ્યા વધુ છે. ભાજપે પાંચ ડોક્ટર ડો. અલ્પેશ મોરજરિયા, ડો.દર્શિતા શાહ, ડો.મેઘાવીબેન સિંધવ, ડો. દર્શનાબેન પંડ્યાને ટિકિટ આપી છે. આ ઉપરાંત ત્રણ પીએચ.ડી. નેહલ શુક્લ, હાર્દિક ગોહિલ, પ્રદીપ ડવ, ત્રણ એલએલબી, એક પ્રોફેસર અને બે સિવિલ એન્જિનિયરને ટિકિટ આપી છે. આમ 72માંથી 18 ઉચ્ચ ડિગ્રી ધરાવે છે.

24 ફોર્મ ભરાયા : અપક્ષ અને પક્ષ સહિતનાએ ફોર્મ ભર્યા
રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં અત્યાર સુધીમાં 24 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે જે 24 ફોર્મ ભરાઈને પરત આવ્યા છે તેમાં સૌથી વધુ વોર્ડ નં. 4માંથી 8 ઉમેદવાર નોંધાયા છે. આ સિવાય વોર્ડ નં. 3માંથી 2, વોર્ડ નં. 7માંથી 4, વોર્ડ નં. 14માંથી 4, વોર્ડ નં. 15માંથી 1 અને વોર્ડ નં. 18માંથી 3 ફોર્મ આવ્યા છે. જે ફોર્મ આવ્યા છે તેમાંથી સૌથી વધુ અપક્ષના છે.અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

વધુ વાંચો