આજે વર્લ્ડ બ્રેઇલ ડે:DBT સોફ્ટવેરથી નેત્રહીનો કોઈપણ ભાષામાં શબ્દ ટાઇપ કરી શકે છે, રાજકોટના અંધજનમંડળે 3.50 લાખના ખર્ચે સ્વીડનનું મશીન વસાવ્યું

રાજકોટ16 દિવસ પહેલાલેખક: શુભમ્ અંબાણી
  • પ્રજ્ઞાચક્ષુઓ માટે ‘બ્રેઇલ સંદેશ’ નામનું ત્રિમાસિક સામયિક છપાય છે
  • સંસ્થાની લાઇબ્રેરીમાં બ્રેઇલલિપિથી છપાયેલાં 4000 જેટલાં પુસ્તકોના વોલ્યુમ ઉપલબ્ધ છે

4 જાન્યુઆરી, એટલે 6 ટપકાંની બ્રેઇલલિપિના શોધક લુઇ બ્રેઇલનો જન્મદિવસ, એની ઉજવણીના ભાગરૂપે આજે સમગ્ર વિશ્વમાં 'વર્લ્ડ બ્રેઇલ ડે' ઊજવવામાં આવે છે. ત્યારે આજે વાત કરવી છે રાજકોટના અંધજન કલ્યાણમંડળની જ્યાં પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓ માટે લેખન અને ચિંતનનું કાર્ય કરવામાં આવે છે અને એ પણ રૂ.3.50 લાખના ખર્ચે સ્વીડનથી આયાત કરેલી મશીનરીમાં, જેનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા જ કરવામાં આવે છે અને આ સોફ્ટવેરના માધ્યમથી બ્રેઈલલિપિમાં સાહિત્ય, વિજ્ઞાન, સંગીત, નવલકથાઓ, વાર્તાઓ, તત્ત્વચિંતન જેવા વિષયોનું બ્રેઈલીકરણ કરી પ્રજ્ઞાચક્ષુઓને ઉપલબ્ધ કરાવવામાં આવે છે.

મશીનરીનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા જ કરવામાં આવે છે.
મશીનરીનું સંચાલન પણ પ્રજ્ઞાચક્ષુઓ દ્વારા જ કરવામાં આવે છે.

સોફ્ટવેરના માધ્યથી કોઈપણ ભાષામાં લખાણ લખી શકાય છે
આ અંગે અંધજન કલ્યાણમંડળના મંત્રી ગોકળભાઇ જીણાભાઈ વાછાણીએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું હતું કે લેખન અને વાંચન એ મનની સુષુપ્ત શક્તિને ખીલવે છે, આથી આ સોફ્ટવેરના આધુનિક વિચારથી પ્રજ્ઞાચક્ષુઓ માટે લેખન અને વાંચન સરળ થઈ શક્યું છે, જેનું નામ છે Duxbury Braille Translation. આ સોફ્ટવેરના માધ્યથી કોઈપણ ભાષામાં લખાણ લખી શકાય છે અને એને બ્રેઇલીકૃત કરી શકાય છે. આ સાથે અમારી સંસ્થા પાસે અદ્યતન પ્રિન્ટર પણ ઉપલબ્ધ છે. આ મશીનરીની આયાત અમે ખાસ સ્વીડનથી રૂ.3.50 લાખના ખર્ચે કરી છે, જેમાં એક નાનકડા કાગળથી માંડીને મસમોટું પુસ્તક પણ પ્રકાશિત થઈ શકે છે. અમારી આ અદ્યતન મશીનરી દ્વારા અમે વિવિધ વિષયોનાં પુસ્તકો, ધો.1થી 5નાં પુસ્તકો, સાહિત્ય, વિજ્ઞાન, સંગીત જેવા વિષયો આધારિત પુસ્તકો પ્રકાશિત કરીએ છીએ, જેના દ્વારા અંધ બાળકો, વયસ્કો અને વૃદ્ધો બ્રેઇલલિપિમાં વાંચન કરી શકે છે.

Duxbury Braille Translation સોફ્ટવેર.
Duxbury Braille Translation સોફ્ટવેર.
આ સોફ્ટવેરના માધ્યથી કોઈપણ ભાષામાં લખાણ લખી શકાય છે.
આ સોફ્ટવેરના માધ્યથી કોઈપણ ભાષામાં લખાણ લખી શકાય છે.

લાઇબ્રેરીમાં બ્રેઇલલિપિથી છપાયેલાં 4000 જેટલાં સાહિત્ય
વધુમાં તેમણે જણાવ્યું હતું કે અંધજન કલ્યાણમંડળ રાજકોટ દ્વારા વર્ષ 1973થી ‘બ્રેઇલ સંદેશ’ નામના ત્રિમાસિક સામયિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જેમાં પ્રજ્ઞાચક્ષુઓની રોજબરોજની ઘટનાઓ તથા અંધજનોના સમાચાર પ્રકાશિત કરવામાં આવે છે. પ્રજ્ઞાચક્ષુઓ હોશભેર આ સામયિક વાંચે છે અને દેશ-દુનિયામાં બનતા બનાવોથી માહિતગાર થાય છે. આ સામયિકમાં અનેક વિષયો પર લેખ, વાર્તા, કવિતા, સાહિત્યક લેખો વગેરે પ્રકાશિત થાય છે, જેનો 400 નકલનો ફેલાવો છે. સમગ્ર ભારત ઉપરાંત વિદેશમાં વસતા પ્રજ્ઞાચક્ષુઓ પણ આ સામયિક નિયમિત રીતે વાંચે છે. અમારી લાઇબ્રેરી પી.ડી. માલવિયા કોલેજના કેમ્પસમાં કાર્યરત છે. અહીં 4000 જેટલા સાહિત્ય, વિજ્ઞાન, સંગીત, નવલકથાઓ, વાર્તાઓ, તત્ત્વચિંતન જેવા વિષયોના વોલ્યુમ ઉપલબ્ધ છે.

સ્વીડનથી મશીનરી અને પ્રિન્ટર્સની આયાત કરવામાં આવી છે.
સ્વીડનથી મશીનરી અને પ્રિન્ટર્સની આયાત કરવામાં આવી છે.
અંધજન કલ્યાણમંડળના મંત્રી ગોકળભાઇ જીણાભાઈ વાછાણી.
અંધજન કલ્યાણમંડળના મંત્રી ગોકળભાઇ જીણાભાઈ વાછાણી.

વિશ્રામ ગૃહ ફાળવવામાં આવે ફાળવવામાં આવેએ એવી માગ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે હાલ અમારી એક જ સમસ્યા છે. અંધ લોકો માટે કોઈ વિશ્રામ ગૃહ અમારી પાસે નથી. રાજકોટ એ સૌરાષ્ટ્રનું પાટનગર છે અને સમગ્ર સૌરાષ્ટ્રમાંથી અનેક અંધજનો અહીં નોકરી અને વ્યવસાય અર્થે આવતા હોય છે, પરંતુ અમારી સંસ્થા પાસે લિમિટેડ જગ્યા હોવાથી અમે બહારગામથી આવતા લોકોનો સમાવેશ કરી શકતા નથી. આથી સરકાર દ્વારા અમને કોઈ વિશ્રામ ગૃહ ફાળવવામાં આવે તો સૌરાષ્ટ્રમાંથી આવતા લોકોને એક મોટી મદદ મળી રહેશે.

રાજકોટના અંધજન કલ્યાણમંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓનાં વિકાસ, શિક્ષણ, પુનર્વસન અને ઉત્થાનનાં પ્રશસ્ય કાર્યો કરવામાં આવે છે.
રાજકોટના અંધજન કલ્યાણમંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓનાં વિકાસ, શિક્ષણ, પુનર્વસન અને ઉત્થાનનાં પ્રશસ્ય કાર્યો કરવામાં આવે છે.
બ્રેઇલ પ્રેસના સંચાલક અંબાલાલ શિવલાલ પોમલ.
બ્રેઇલ પ્રેસના સંચાલક અંબાલાલ શિવલાલ પોમલ.

અંધજનો ઓડિયો પર વધારે ધ્યાન આપવા માંડ્યા
અંધજન કલ્યાણમંડળમાં ચાલતા બ્રેઇલ પ્રેસ વિશે સંચાલક અંબાલાલ શિવલાલ પોમલે જણાવ્યું હતું કે અમારા પ્રેસમાં પ્રકાશિત થતું આ ‘બ્રેઇલ સંદેશ’ નામક ત્રિમાસિક આજે સમગ્ર ગુજરાત, ભારત અને વિદેશમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચે છે. જેના માટે પ્રેસ કરવા સ્વીડનથી મશીનરી અને પ્રિન્ટર્સની આયાત કરવામાં આવી છે. એનું પ્રિન્ટિંગ Duxbury Braille Translation સોફ્ટવેરમાં ગુજરાતી ભાષામાં થાય છે. આજે વિશ્વ બ્રેઇલ દિવસ નિમિત્તે મારે અંધજનનો અને તેમાંય ખાસ કરીને આજના અંધ યુવાનોને એક જ સંદેશ આપવો છે કે તેઓ બ્રેઇલ લિપિ તરફ આગળ વધે. આજે અંધજનો ઓડિયો પર વધારે ધ્યાન આપવા માંડ્યા છે અને બ્રેઇલ લિપિથી દૂર થતા જાય છે.

અંધજન કલ્યાણમંડળ-રાજકોટ દ્વારા વર્ષ 1973થી ‘બ્રેઇલ સંદેશ’ નામના ત્રિમાસિક સામયિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અંધજન કલ્યાણમંડળ-રાજકોટ દ્વારા વર્ષ 1973થી ‘બ્રેઇલ સંદેશ’ નામના ત્રિમાસિક સામયિકનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
અમારી લાઇબ્રેરી પી.ડી. માલવિયા કોલેજના કેમ્પસમાં કાર્યરત છે.
અમારી લાઇબ્રેરી પી.ડી. માલવિયા કોલેજના કેમ્પસમાં કાર્યરત છે.

ઓડિયોથી માત્ર ભાષા સાંભળી શકીએ, જ્યારે બ્રેઇલથી ભાષા વાંચી શકીએ
વધુમાં તેમણે જણાવ્યું હતું કે જ્યારે આપણી આસપાસ અંધકાર ફેલાયેલો હોય ત્યારે આંખના માધ્યમથી પ્રકાશ સુધી પહોંચી શકીએ છીએ, પરંતુ કુદરતે જ્યારે અંધજનોને આંખની શક્તિ નથી આપી ત્યારે આપણે બ્રેઇલલિપિ દ્વારા પ્રકાશમાન થઈ શકીએ છીએ. આપણે ઓડિયોથી માત્ર ભાષા સાંભળી શકીએ છીએ, પરંતુ બ્રેઇલથી આપણે ભાષા વાંચી શકીએ છીએ. આજે લુઇ બ્રેઇલનો જન્મદિવસ છે, જેમણે બ્રેઇલલિપિની સ્થાપના કરી, જો એની ઉજવણી ખરા અર્થમાં કરવી હોય તો બ્રેઇલલિપિ વાંચવી જોઈએ.

આજે બ્રેઇલલિપિ ચેસ, દેશના નકશા, પ્લેઈંગ કાર્ડ સહિત સર્વત્ર ફેલાયેલી છે.
આજે બ્રેઇલલિપિ ચેસ, દેશના નકશા, પ્લેઈંગ કાર્ડ સહિત સર્વત્ર ફેલાયેલી છે.

કીપેડ સાથેના ફોનમાં બ્રેઇલલિપિ ઉપલબ્ધ
આજે બ્રેઇલલિપિ સર્વત્ર ફેલાયેલી છે. જો તમે કીપેડ સાથેનો ફોન યુઝ કરતા હોવ તો 5 નંબરની કીમાં એક ડેશ જોવા મળશે. કીબોર્ડમાં F અને J નંબરની કીમાં પણ બ્રેઇલલિપિ જોશો, સાથોસાથ કમ્પ્યુટર, પ્રિન્ટર, મોનિટર અને કી-બોર્ડ પણ વિકસી ગયાં છે. રોજબરોજનાં પુસ્તકો,સામિયકો, વ્યવહારિક ચીજો, મનોરંજન માટે પ્લેઇંગ કાર્ડ્સ મળી રહે છે.

આજે પ્રજ્ઞાચક્ષુઓ આત્મનિર્ભર બન્યા
આમ, રાજકોટના અંધજન કલ્યાણમંડળ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓનાં વિકાસ, શિક્ષણ, પુનર્વસન અને ઉત્થાનનાં પ્રશસ્ય કાર્યો કરવામાં આવે છે. આજના બ્રેઇલ દિવસ નિમિત્તે જગતમાં આજે જ્યાં જ્યાં ચક્ષુવિહીનતાને કારણે અજ્ઞાનનાં અંધારાં હશે ત્યાં ત્યાં છ ટપકાંવાળી વિશેષ વાણી લઈને લૂઈ બ્રેઈલ વિહરી રહ્યા હશે. પ્રજ્ઞાચક્ષુઓના અજ્ઞાનનાં અંધારાં ઉલેચી રહ્યા હશે. ત્યારે Duxbury Braille Translation જેવા અદ્યતન સોફ્ટવેરથી આજે પ્રજ્ઞાચક્ષુઓ આત્મનિર્ભર બન્યા છે.