ચોમાસાનું આગમન:ભારે વરસાદની આગાહી વચ્ચે રાજકોટમાં ઝરમર વરસાદ, આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો

રાજકોટ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
રાજકોટ સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું. - Divya Bhaskar
રાજકોટ સવારે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયું હતું.
  • રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં આજે વહેલી સવારથી જ વરસાદી માહોલ

હવામાન વિભાગ છેલ્લા એક અઠવાડિયાથી રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં ભારે વરસાદની આગાહી કરી રહ્યું છે. પરંતુ ઝાપટા તો ઠીક પરંતુ અમી છાંટણા પણ થતા નથી અને લોકો અસહ્ય બફારાથી ત્રસ્ત બની ગયા છે. ત્યારે આજે વહેલી સવારે રાજકોટના વાતાવરણમાં પલ્ટો જોવા મળ્યો હતો અને આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. બાદમાં ઝરમર વરસાદ વરસવાનું શરૂ થતા શહેરના કેટલાક વિસ્તારોમાં રસ્તાઓ ભીંજાયા હતા. વરસાદ પડવાની શક્યતાને લઇને ખેડૂતોએ ઓગાતરૂ વાવેતર કરી દીધું છે. પરંતુ વરસાદ ખેચાતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

ખેડૂતોએ કપાસ અને મગફળીના પાકનું આગોતરૂ વાવેતર કર્યું
આજે વહેલી સવારે રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, યાજ્ઞીક રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. તેમજ સમગ્ર સૌરાષ્ટ્રમાં વાદળછાંયું વાતાવરણ જોવા મળતા આજે વરસાદ પડે તેવી પુરી શક્યતા છે. સામાન્ય રીતે દર વર્ષે 15 જૂન આસપાસ વાવણીલાયક વરસાદ પડી જતો હોય છે. પરંતુ હજી સુધી રાજકોટ જિલ્લામાં વાવણી લાયક વરસાદ ન પડતા ખેડૂતો પણ ચિંતિત બન્યા છે. આગોતરૂ વાવેતર કરનાર ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. જિલ્લાના અનેક ગામડાઓમાં ખેડૂતોએ કપાસ અને મગફળી સહિતના પાકોનું આગોતરૂ વાવેતર કરી દીધું છે.

મોંઘા ખાતર- બિયારણથી ખેડૂતોને માર
ખાતર તેમજ બિયારણના ભાવ મોંઘા હોવાથી ખેડૂતોને માર પડી રહ્યો છે. હાલ મગફળીના બિયારણના 2500થી 3500 સુધી બોલાઇ રહ્યા છે. જેની સામે મગફળી તૈયાર થાય તો ખેડૂતોને માત્ર 900થી 1100 સુધી જ ભાવ મળી રહ્યો છે. ખેડૂતો વાવાઝોડાને કારણે પણ પાયમાલ થયા છે. સાથે જ કોરોનાકાળમાં પણ ખેડૂતોને નુકસાની સહન કરવાનો વારો આવ્યો હતો. આ સ્થિતિ વચ્ચે જગતનો તાત સારા ભાવ મળશે તેવી આશાએ આગોતરું વાવેતર કરી રહ્યો છે.

વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો આગોતરૂ વાવેતર કરી રહ્યા છે.
વરસાદ પડવાની સંભાવનાથી ખેડૂતો આગોતરૂ વાવેતર કરી રહ્યા છે.

ખેડૂતોએ આગોતરા વાવેતરમાં શું કાળજી રાખવી?
આગોતરા વાવેતરમાં ખેડૂતોએ પાકની કાળજી રાખવી પણ એટલી જ જરૂરી છે. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના સહ વિસ્તરણ શિક્ષણ નિયામક ડો. જી.આર. ગોહિલના કહેવા મુજબ મગફળીમાં સુકારો આવે તો તુરંત પાણી આપવું જોઇએ. જો મગફળીમાં વધુ પ્રમાણમાં ઇયળનો ઉપદ્રવ જણાય તો દવાનો છંટકાવ કરવો. પરંતુ 35થી 40 દિવસ બાદ મગફળીમાં ઈયળ જોવા મળે તો દવાના છંટકાવની જરૂર નથી. આ ઉપરાંત જો વરસાદ ખેંચાય તો કપાસના પાકમાં સમયસર પાણી આપવું. સાથે જ કપાસમાં ચુસિયા પ્રકારની જીવાત દેખાય તો સમયસર દવાનો છંટકાવ કરવો.

અન્ય સમાચારો પણ છે...