AAPનો વિરોધ:રાજકોટની 25થી વધુ કોલેજમાં ભાજપને સદસ્યતા અભિયાન ન કરવા દેવા રજૂઆત કરી

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોલેજમાં જઈ AAPએ લેખિત રજૂઆત કરી. - Divya Bhaskar
કોલેજમાં જઈ AAPએ લેખિત રજૂઆત કરી.

વિધાનસભા ચૂંટણી નજીક આવતા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત ગુજરાતના બધા જિલ્લામાં શાળા-કોલેજોમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો અને હોદ્દેદારોએ કોલેજોના ક્લાસરૂમમાં ચાલુ લેક્ચર દરમિયાન અંદર પ્રવેશ કરી સદસ્યતા અભિયાન ચલાવી રહ્યા છે. ત્યારે આજ રોજ આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS દ્વારા રાજકોટની અલગ અલગ 25 જેટલી કોલેજોમાં જઇ કોઇ પણ રાજકીય પક્ષોને આવા સદસ્યતા અભિયાન માટે પ્રવેશ આપવામાં ન આવે તેવી રજૂઆત કરવામાં આવી છે.

વિદ્યાર્થીઓને પ્રેશર કરવામાં આવે છે, જે નિંદનીય બાબત
આમ આદમી પાર્ટીની વિદ્યાર્થી પાંખ CYSS રાજકોટના પ્રમુખ સૂરજ બગડાએ જણાવ્યું હતું કે, સદસ્યતા અભિયાન અંતર્ગત કોલેજોમાં ભાજપ પ્રવેશ કરી ચાલુ ક્લાસ રૂમમાં અંદર પ્રવેશ કરી વિદ્યાર્થીઓને પ્રેશર કરવામાં આવે છે. જે ખરેખર ખૂબ જ નિંદનીય બાબત છે. શાળા-કોલેજ એ વિદ્યાનું ધામ છે, ત્યા આવી રાજકીય પ્રવૃત્તિ શિક્ષણ જગત માટે ચિંતાનો વિષય છે. વાલીઓ શાળા-કોલેજમાં પોતાના બાળકોને ભણવા મોકલે છે, નહીં કે કોઇ પક્ષના સભ્ય બનવા.

વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી જવાબદાર સામે કાયદાકીય લડાઈ લડીશું
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, છાત્ર યુવા સંઘર્ષ સમિતિ (CYSS)એ આજ રોજ રાજકોટની આશરે 25થી પણ વધુ કોલેજો, જેવી કે આત્મીય યુનિવર્સિટી, દર્શન યુનિવર્સિટી, આર. કે. યુનિવર્સિટી, મારવાડી યુનિવર્સિટી, ટી.એન.રાવ કોલેજ, ક્રાઇસ્ટ કોલેજ, ગ્રેસ કોલેજ, AVPT કોલેજ, DH કોલેજ, જસાણી કોલેજ, કુંડલીયા કોલેજ સહિત 25થી વધુ કોલેજ-યુનિવર્સિટીમાં લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું હતું કે, કોઈ પણ કોલેજની અંદર આવા કોઇ પણ પ્રકારના સદસ્યતા અભિયાન કરવા જો કોઈ ઇચ્છતું હોય, તો ન કરવા દેવામાં આવે અને જો ભાજપ કે અન્ય કોઈ પક્ષને આવું કરવા દેવામાં આવશે, તો અમે પણ એક ઈમાનદાર આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે વિદ્યાર્થીઓના ફ્રી લેક્ચરમાં સદસ્યતા કરવા કોલેજની પરમિશન માંગીશું.

અમે શિક્ષણના ધામની અંદર રાજકારણ ઇચ્છતા નથી વધુમાં જણાવ્યું હતું કે, પરંતુ અમે શિક્ષણના ધામની અંદર રાજકારણ ઇચ્છતા નથી, સદસ્યતા કોલેજની બહાર પણ થઇ શકે છે, પાર્ટીનો પ્રચાર શાળા-કોલેજની બહાર પણ થઇ શકે છે. આથી જો કોઈ પક્ષ દ્વારા કોઈ કોલેજની અંદર આ પ્રકારનું સદસ્યતા અભિયાન કરવામાં આવશે. તો વિદ્યાર્થીઓ અને વાલીઓને સાથે રાખી વિદ્યાર્થીઓના હિત માટે અમે જે-તે જવાબદાર વિરુદ્ધ કાયદાકીય લડાઈ લડીશું.

અન્ય સમાચારો પણ છે...