લિફ્ટ આપવાના બહાને અપહરણ:રાજકોટમાં રાજસ્થાનના વેપારીનું ચાર શખ્સોએ કારમાં અપહરણ કર્યું, પોલીસે લોઠડાથી છોડાવ્યા

રાજકોટ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલીસે કાર કબ્જે કરી - Divya Bhaskar
પોલીસે કાર કબ્જે કરી

રાજકોટ શહેરમાં ગ્રીનલેન્ડ ચોકડી ગુનાખોરીનું કેન્દ્ર બની ગઈ હોય તેવા દૃશ્યો સર્જાયા છે. આ પૂર્વે એક આધેડે ગ્રીનલેન્ડ ચોકડીએથી સગીરાનું બસમાં અપહરણ કરી તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું. જે બાદ વ્યાજના પૈસા ઉઘરાણીમાં યુવાનનં અપહરણ કરી લુંટ ચલાવ્યાના સમાચાર સામે આવ્યા હતા. જયારે ગત રાત્રે એક વેપારીના અપહરણની ઘટના સામે આવી હતી. જેમાં રાજસ્થાનના ચાંદીના વેપારીને કારમાં લિફ્ટ આપવાના બહાને બેસાડ્યા બાદ તેનું અપહરણ કરી ચાર લોકોએ રૂ.16,500ની લૂંટ ચલાવી હતી.

છુટવું હોય તો પચાસ હજાર આપવા પડશે
પ્રાપ્ત વિગત મુજબ રાજસ્થાનના ભીલવાડા જિલ્લાના રાયપુર ગામે રહેતા સત્યનારાયણ અંબાલાલ સોની (ઉ.વ.53) એ બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે ચાર શખ્સોના નામ આપ્યા છે. તેમણે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ કામસર રાજકોટ આવ્યા બાદ રવિવારે સવારે રાજસ્થાન જવા માટે ગ્રીનલેન્ડ ચોકડીએ ઉભા હતા. એ વખતે અર્ટીગા કારના ચાલકે અમદાવાદ સુધી પેસેન્જર તરીકે લિફ્ટ આપી હતી. જે બાદ તેનું કારમાં બેઠેલા ચાર શખ્સોએ અપહરણ કરી ‘તમારું અપહરણ થઇ ગયું છે, છુટવું હોય તો પચાસ હજાર આપવા પડશે' તેમ કહ્યું હતું. જેથી ગભરાયેલા વેપારીએ તેના પુત્રને ફોન કરી ઓનલાઇન રૂપિયા માંગ્યા હતા. એ સમયે પુત્રએ પૈસા ટ્રાન્સફર કરી રાજકોટ સ્‍થિત કાકાને બનાવની જાણ કરી હતી.

વેપારીના ભાઈએ પોલીસને જાણ કરી
એ સમયે દરમિયાન ચારેય શખ્સોએ વેપારી પાસે તેના સગાસંબંધીઓને ફોન કરાવી વેપારીના ખાતામાં પૈસા નંખાવ્યા હતા. જે બાદ વેપારીના ખાતામાંથી રૂ.15 હજાર ટ્રાન્સફર કરી વેપારીના ખીસ્સામાંથી રૂ.1500 મળી કુલ રૂ.16,500ની રોકડ અને મોબાઈલ ફોનની લુંટ ચલાવી હતી.ઉલ્લેખનીય છે કે આ મામલે વેપારીના ભાઈએ પોલીસને જાણ કરી હતી.

પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કર્યો
જેને પગલે બી-ડિવીઝન પોલીસે મોબાઇલ ટ્રેસ કરી અપહૃત અને અપહરણકારોનું પગેરૂ દબાવી ગોંડલ હાઇવે પર ખોડિયાર હોટેલ પાસે અર્ટીગાને શોધી કાઢી હતી. અને ઘટના સ્થળે પહોંચ્યા હતા. જ્યાં લૂંટારૂઓએ પોલીસને નિહાળી કાર ભગાવી મુકતાં પોલીસે ફિલ્‍મી ઢબે પીછો કરતાં લોઠડા નજીક કાચા રસ્‍તે લૂંટારૂઓ કાર અને અપહૃતને છોડીને ભાગી ગયા હતાં. હાલ પોલીસે વેપારીની ફરિયાદ પરથી ચાર લૂંટારાઓની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...