તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Raising And Distributing More Than 22 Lakh Saplings In Rajkot, Research Shows That One Tree Can Benefit Human Life Worth More Than 15 Lakh

કુદરતી પ્રાણવાયુનો વિકલ્પ:રાજકોટમાં 22 લાખથી વધુ રોપાનો ઉછેર અને વિતરણ, રિસર્ચ મુજબ એક વૃક્ષ 15 લાખથી વધુના મૂલ્યનો ફાયદો માનવજીવનને કરાવી શકે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2021-22માં 72માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની 13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાનો ઉછેર અને વિતરણ કરાશે

કોરોનાકાળમાં આપણે ઓક્સિજનની મહત્તા ખૂબ સારી રીતે જાણી ચૂક્યા છીએ. કુદરતી ઓક્સિજન પૂરો પાડતા વૃક્ષ પર્યાવરણનું મહત્વનું અંગ છે. જેટલા વૃક્ષ વધુ તેટલો પ્રાણવાયુ કુદરતી રીતે આપણને વધુ માત્રામાં મળી રહે છે. લોકો વૃક્ષારોપણ પ્રત્યે વળે તે હેતુથી વન વિભાગ દ્વારા સામાજિક વનીકરણ અંતર્ગત ફૂલ-છોડના વિવિધ રોપાઓનો ઉછેર તેમજ ટોકન દરે પ્રતિ વર્ષ વિતરણ કરવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં 22 લાખથી વધુ રોપાનો ઉછેર અને વિતરણ કરવામાં આવ્યું છે. એક રિસર્ચ પ્રમાણે એક વૃક્ષ 15 લાખથી વધુના મૂલ્યનો ફાયદો માનવજીવનને કરાવી શકે છે.

13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાઓનો ઉછેર
આ અંગે નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ રાધેક્રિશ્નનએ જણાવ્યું હતું કે, વર્ષ 2021-22માં 72માં વન મહોત્સવ હેઠળ રાજકોટ જિલ્લાની 13 નર્સરી ખાતે વન વિભાગ દ્વારા 15.79 લાખ રોપાનો ઉછેર તેમજ વેચાણ શરુ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત 52 વિકેન્દ્રિત નર્સરીઓ હેઠળ 6.60 લાખ રોપાઓ તૈયાર કરવામાં આવ્યા છે.

51 હજાર ગુણકારી તુલસીના રોપા તૈયાર
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, તુલસીના પાન અનેક રીતે ગુણકારી છે, તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવામાં પણ ખૂબ મદદરૂપ બને છે, તે સાબિત થયું છે. ત્યારે હાલ કોરોના સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારવા રાજ્ય સરકાર દ્વારા અમને આ વર્ષે1 લાખ 80 હજાર તુલસીના રોપાઓ ઉછેરનો ખાસ લક્ષ્યાંક આપવામાં આવ્યો છે. જે અંતર્ગત 51 હજાર ગુણકારી તુલસીના રોપા તૈયાર થઈ ચુક્યા છે.

જિલ્લામાં 50થી વધુ રોપાઓનો ઉછેર કરવામાં આવે છે
રાજકોટ જિલ્લામાં રાજકોટ, લોધીકા, પડધરી, ગોંડલ, જસદણ, જેતપુર, ધોરાજી, જામકંડોરણા, ઉપલેટા તાલુકાની વિવિધ નર્સરીઓમાં આંબા, આમળા, અરડુસી, અર્જુન સાદડ, આસોપાલવ, અરીઠા, બદામ, બહેડા,બંગાળી બાવળ, બીલી, બોરસલી, ચંદન, દાડમ, દેશીબાવળ, ગરમાળો, ગોરસઆંબલી, ગુલમહોર, ગુંદા,ગુંદી, જામફળ, જાંબુ, કણજી, કરંજ, કાસીદ, કાંઠી, કાઈજેલીયા, ખેર, ખાટીઆંબલી, ખીજડો, લીમડો, લીંબુ, મહુડો, નીલગીરી, પેલ્ટોફોર્મ, પીન્કેસીયા, પેન્ડુલા, પીપળ, રેઈન ટ્રી, રાયણ, સાગ, સાદડ, સરગવો, સીંદુર, સવન, સીરસ, સીતાફળ, સીસુ, શરૂ, ઉમરો, વડ, વાંસ, ફુલછોડ અને અન્ય રોપાઓનો ઉછેર કરવામાં આવે છે.

એક ઝાડ 15 લાખથી વધુના મૂલ્યનો ફાયદો કરાવે
કલકત્તા વિશ્વ વિદ્યાલયના પ્રોફેસર ટી.એમ. દાસના એક રિસર્ચ મુજબ 50 વર્ષનું વૃક્ષ તેના જીવનકાળ દરમિયાન 15 લાખથી વધુનો પ્રત્યક્ષ કે પરોક્ષ લાભ માનવ જીવનને આપે છે. જેમાં વૃક્ષ દ્વારા ઉત્પન થતો ઓક્સિજન, હવાનું શુદ્ધિકરણ, જમીનનું સંરક્ષણ, પશુ-પંખીઓનું સંરક્ષણ સહિત અનેક રીતે વૃક્ષ માનવ જીવનને ઉપયોગી બને છે. આ ઉપરાંત વૃક્ષો વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે. વૃક્ષોની શીતળ છાયામાં પશુઓ, ખેડૂતો અને વટેમાર્ગુઓ વિશ્રામ કરે છે. વૃક્ષો ધરતીની શોભા છે, ત્યારે આપણે સૌ સંકલ્પબદ્ધ બની વૃક્ષોના ઉછેર સાથે પર્યાવરણને બચાવીએ.