તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સૌ.યુનિ.સ્ટડી કેસ:આજના યુગમાં બાળકનો ઉછેર માતા-પિતા માટે ખૂબ મોટી જવાબદારી, યોગ્ય ઉછેર ન મળતા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર ઘાતક અસર જોવા મળે છે

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • બાળકના વ્યક્તિત્વ વિકાસ કરવા માતા-પિતાનો ઉછેર આવશ્યક છે

બાળકના ઉછેર, સમાજિકરણ અને વ્યક્તિત્વના વિકાસમાં મહત્વનો ફાળો માતા- પિતાનો હોય છે. બાળક જ્યારથી ગર્ભમાં હોય ત્યારથી માંડીને બાળકના જન્મ પછી તેની ઉછેરશૈલીના આધારે વ્યક્તિત્વ ઘડાય છે. દરેક બાળકના વ્યક્તિત્વ વિકાસ પર ઉછેરશૈલીની અસર જોવા મળે છે. આ આધુનિક સમયમાં બાળકના વ્યક્તિત્વ વિકાસ પર માતા-પિતાની ઉછેર શૈલીની અસરો જોવા મળી રહી છે. જે બાળકના વ્યક્તિત્વ વિકાસ તેમજ શિક્ષણ પર અસરો કરે છે. જો યોગ્ય ઉછેર ન મળતા બાળકના માનસિક સ્વાસ્થ્ય પર વિઘાતક અસર જોવા મળે છે. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક ડો.ધારા આર. દોશી અને વિદ્યાર્થીની દસાડીયા રીંકલ દ્વારા આ અંગે સ્ટડી કેસ તૈયાર કર્યો છે. જેમાં ચોંકાવનારા તારણો સામે આવ્યા છે.

ગર્ભાવસ્થામાં જ ખૂબ ધ્યાન દેવું જરૂરી
માતાના ગર્ભમાં જ્યારે બાળક હોય છે ત્યારે માતાને ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવુ પડે છે. વર્તન, આવેગો, ખોરાક, વિચારો તેમજ તેની દરેક ક્રિયા પ્રતિક્રિયાની અસર તેના બાળક પર થતી હોય છે. તે ઘણી ક્રિયા માતાના ગર્ભમાં શીખી લે છે. આથી તેને સારું વાતાવરણ પ્રાપ્ત થાય તેવા પ્રયત્નો કરવા. તે સમયે માતાએ પોતાના વર્તન આવેગોને નિયંત્રણમાં લાવવા જોઈએ. તેમજ તામસી ખોરાકથી દૂર સાદું ભોજન લેવું જોઈએ. તેમજ વિચારો સારા કરવા જેથી તે વિચારોની વિધાયક અસર તેના બાળક પર થાય છે. તેથી જ બાળકના ઉછેર અને વ્યક્તિત્વ વિકાસનું પહેલું બીજ માતા જ રોપે છે.

બાળકના જન્મ બાદ મુખ્યત્વે માતાનો ફાળો હોય છે
બાળકના જન્મ બાદ તેના માતા-પિતા બંને દ્વારા બાળકનો ઉછેર થાય છે. બાળકના જન્મ બાદ મુખ્યત્વે માતાનો ફાળો હોય છે. પરંતુ જેમ બાળક મોટુ થતું જાય તેમ તે પિતા તેમજ પરિવારના અન્ય સભ્યના સંપર્કમાં આવે છે. બાળકને ખાવું, પીવું, બોલવું, ચાલવું વગેરે શિક્ષણ માતા-પિતા તરફથી પ્રાપ્ત થાય છે. દરેક માતા-પિતા પોતાનાં બાળકનો ઉછેર અલગ અલગ શૈલીઓથી કરતા હોય છે. બાળકનું માતા-પિતા કે અન્ય વ્યક્તિઓ સાથેનો સંબંધ તેમજ બાળકના સ્વભાવે બાળઉછેર શૈલી પર આધાર રાખે છે. મનોવૈજ્ઞાનિકોએ બાળઉછેર શૈલીઓ આપી છે. જેવી બાળકની ઉછેરની શૈલી હોય તેની અસર બાળકના સમગ્ર વ્યક્તિત્વ પર થાય છે.

સરમુખત્યારશાહી શૈલી
આ ઉછેરની શૈલીમાં માતા-પિતા તરફથી અમુક નિયમો લાદવામાં આવે છે. નિયમોનું પાલન કરવામાં આવે તો પ્રેમ અને જો નિયમોનું પાલન કરવામાં ન આવે તો ધમકાવવું કે સજા કરવી. માતા-પિતા તરફથી એવો આગ્રહ રાખવામાં આવે છે કે બાળક પોતાના દરેક નિયમો તેમજ તેમની આજ્ઞાનું પાલન કરે. અહીં બાળક માતા-પિતાની કઠપૂતળી બની જાય છે. જેનાથી બાળકમાં ગુસ્સો, બાળકમાં આત્મગૌરવની ઉણપ, બદલા તેમજ વેરવૃત્તિની, ભાવના,તેમજ તેનામાં આત્મવિશ્વાસ નો અભાવ, કમજોર વર્તન,લાગણી પર અવિશ્વાસ જોવા મળે છે.તેમજ બાળકનું એકલા પડી જવું જેની અસર બાળકના માનસિક સ્વાસ્થ્ય પર જોવા મળે છે. આવું બાળક મોટું થતા ખૂબ આધિપત્ય વર્તન ધરાવનાર બને છે અને તેનાથી નાના લોકોને હેરાન કરવામાં આનંદ અનુભવે છે.

અતિ રક્ષણાત્મક શૈલી
ઘણા માતા-પિતા બાળક પ્રત્યે આધારે પડતાં ભાવુક હોય છે. તે વધારે પડતું બાળકનું રક્ષણ કરે તેમજ વધારે પડતી કાળજી લે છે. તે બાળકના દરેક કાર્યમાં સાથે રહે છે. બાળકને પોતાના સ્વપ્ન કે લક્ષ્ય બતાવીને બાળકને આગળ વધવા માટે કહે છે. બાળકના પણ પાડી શકતું નથી. બાળક જાતે એક ડગલું આગળ ભરે તો પણ માતા-પિતાને ભય લાગે છે. જેના લીધે બાળકનો ઉપરછલ્લો આત્મવિશ્વાસ હોય છે. તેથી બાળકનો યોગ્ય વિકાસ રૂંધાય છે. તે બિનજવાબદાર, સ્વકેન્દ્રી તથા દ્વેશિલું બને છે, ગેરમાર્ગે દોરવાય જાય છે. તે મનગમતી પ્રવૃત્તિમાં સમય પસાર કરવા લાગે છે. શિક્ષણમાં પાછળ રહી જાય છે. આવું બાળક કોઈ નિર્ણય જાતે લઈ શકતું નથી. તે હંમેશા કોઈ પર આધારિત રહે છે. નિર્ણયશક્તિ ખૂબ નબળી રહી જાય છે

બેદરકાર શૈલી
નાના બાળકને જમે નહિ એટલે મોબાઈલ હાથમાં પકડાવી દેવો એ આ પ્રકારની શૈલી ગણાવી શકાય. માતા પિતા પોતાની જવાબદારી કે શિસ્ત શીખવવા થી દુર ભાગે છે તેઓ પોતાના બાળક થી દૂર રહી અને પોતાના માં જ વ્યસ્ત રહેતા હોય છે.તેમજ તેના મતે બાળકને જેમ કરવું હોય તેમ કરે તેવી ભાવના ધરાવતા હોય છે. જેનાથી બાળકમાં સબંધો માં અવિશ્વાસ ,આત્મવિશ્વાસ નો અભાવ,તે પોતાની જાતને અને દુનિયાને પણ તિરસ્કારની ભાવના થી જુએ છે,પોતાની લાગણીઓને છુપાવે છે,જલ્દીથી કોઈનો વિશ્વાસ કરી શકતું નથી.

આધુનિક યુગમાં માતૃત્વશૈલી ખૂબ મોટી જવાબદારી
આધુનિક સમયમાં માતા પિતા પોતાના બાળક નો ઉછેર ખૂબ લાડકોડ થી કરે છે.જેની નિષેધક અસરો બાળકના વ્યક્તિત્વ વિકાસ અને શિક્ષણ પર જોવા મળે છે. બાળકની દરેક વાત ને વધારે પડતું સમર્થન આપવું,બાળકની દરેક જીદ પૂરી કરવી, બાળક કહે તેમ કરવું,જેથી બાળક પોતાના માતા પિતા ના અતિ પ્રેમ, લાડ,અને હુંફ નો ફાયદો ઉઠાવે છે. બીજી તરફ વધુ પડતા આશાવાદી માતા પિતા પણ નજરે ચડે છે. સતત રેસમાં જ પોતાનું બાળક હોય એ રીતનું વર્તન હોય બાળકને બસ દોડવાનું જ રહે છે. જેથી એક અંતર આવી જાય છે.

વ્યક્તિત્વ વિકાસ પર વિપરીત અસર જોવા મળે છે
બાળક સમાજ માં પણ અન્ય વ્યક્તિઓ પાસે પણ માતા પિતા જેવા વર્તન ની અપેક્ષા રાખે છે.તેવું વર્તન કે છૂટછાટ ન મળતાં બાળક ગેરમાર્ગે પણ દોરવાઈ જાય છે બાળક મોટું થતાં તેમાં શિસ્ત,યોગ્ય આવડત ,યોગ્ય સંસ્કાર તેમજ સ્થિરતાની ખામી સર્જાય છે. આવી અતિ લાડ પ્રેમ,હુંફ અને છૂટછાટ વાળી ઉછેર શૈલી બાળક ના ભવિષ્યને ધૂંધળું બનાવે છે.તેમજ તેના વ્યક્તિત્વ વિકાસ,સ્વભાવ,વર્તનભાતો પર વિપરીત અસર જોવા મળે છે.

ભય કે મહામારીમાં માવજતની અસર
જ્યારે પણ ભય કે મહામારીનું વાતાવરણ સર્જાય ત્યારે બાળકના કુમળા મન પર તેની અસર થતી હોય છે. આ સમયે ઘરના લોકોએ ખાસ ધ્યાન રાખવું કે ઘરમાં નિષેધક વાતો ન કરવી, મૃત્યુકે બીમારીની વાતોથી બાળકને દૂર રાખવું, ગંભીર બાબતો પણ ખૂબ સરળ રીતે અને શાંતિથી સમજાવવી, ઘરમાં કોઈ મુશ્કેલી સર્જાય તો તેની અસર બાળક પર ન થાય ધ્યાન રાખવું.

બાળક અનુકરણથી શીખે છે
દરેક બાળક ઘરના વડીલો ખાસ કરીને માતા પિતાને જોઈ, તેમનું વર્તન જોઈ નિરીક્ષણ કરી શીખતાં હોય છે. જો માતા પિતા ઘરમાં અપશબ્દો કે અયોગ્ય વર્તન કરશે તો બાળક એ પણ શીખવાનું છે. એટલે બાળક સામે ખૂબ ધ્યાન પૂર્વક વર્તન કરવું

માતા પિતાએ ધ્યાનમાં લેવા જેવી બાબતો

  • બાળકનો ઉછેર કરતી વખતે ખૂબ સખત કે ખૂબ નરમ વર્તન ન કરવું.
  • બાળક સામે શબ્દો બોલતી વખતે ખૂબ કાળજી રાખવી
  • દંપતિ તરીકેનું કોઈપણ વર્તન જે અયોગ્ય છે તે બાળક સામે ન કરવું
  • ઘરના કોઈ નિર્ણય લેતી વખતે બાળકને પણ ભાગીદાર બનાવો
  • બાળક સામે વ્યસન ટાળવું
  • બાળકને મોબાઈલ આપી જવાબદારી મુક્ત ન થાવ

એક યોગ્ય ઉછેર શૈલી પ્રેમ સાથે શિસ્ત નું પાલન કરાવવું,બાળક પ્રત્યે અરસપરસ આદર, પ્રોત્સાહન આપવું,બાળક ને જવાબદારી સોંપવી,જરૂર પ્રમાણે ઉત્તર આપવો ,માર્ગદર્શન પૂરું પાડવું,અરસપરસ વાર્તાલાપ,પરિણામની સભાનતા કેળવવી. જેથી બાળકમાં સ્વાભિમાન તથા બીજા પ્રત્યે આદર ,જવાબદારી પૂર્વકનું વર્તન ,નેતૃત્વ કરી શકે , સાથ સહકાર અને સુમેળભર્યું સામાજિક વર્તન , ઉચ્ચ શિક્ષણ મેળવી શકે તેમજ માનસિક રીતે સ્વસ્થ બને છે.

અન્ય સમાચારો પણ છે...