તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિકાસ અટકશે:જનભાગીદારીના કામો માટે લોકો પાસે જ પૈસા ઉઘરાવો

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેક્સ આપવાનો અને સુવિધા માટે અલગથી રૂપિયા આપવાના!

રાજકોટમાં હવે ઘણા સ્થળોએ વિકાસ કામ કરવામાં સમય લાગી શકે છે કારણ કે, જે સૌથી લોકપ્રિય ફંડ છે તે જનભાગીદારી સ્કીમમાં હવે ફરજિયાત લોકોએ જ રૂપિયા જમા કરાવવાના થશે. એટલે કે ટેક્સ પણ ચૂકવવાનો અને સુવિધા માટે પૈસા પણ આપે ત્યારે વિકાસ કામો થશે જેથી ઓછા કામો હાથ ધરવાના થશે.

રાજકોટ મહાનગરપાલિકા જનભાગીદારી સ્કીમ હેઠળ ઘણા કામો કરી રહી છે. જેમાં કોઇ વિસ્તારમાં કામો પસંદ કરવા હોય અને લોકો 10 ટકા ખર્ચ પોતે ભોગવે તો તેને પ્રાથમિકતા અપાય છે. એનો અર્થ એ થાય કે સોસાયટીમાં રોડ બનાવવા જો 1 લાખ ખર્ચાતા હોય તો ત્યાંના રહેવાસીઓએ 10000 રૂપિયા મનપાને આપવાના થાય. તેના આધારે સરકારમાંથી ગ્રાન્ટ આવે અને કામ શરૂ થાય.

કામ કરવા માટે લોકો પાસેથી પૈસા લેવા તે ઉચિત ન લાગતા રાજકોટ મહાનગરપાલિકાએ ઠરાવ કર્યો હતો કે ટેક્સના પૈસા તે લોકોના જ કહેવાય જેથી સરકારે શરૂકરેલી જનભાગીદારીની સ્કીમમા જે 10 ટકા હિસ્સો છે તે લોકો પાસેથી લેવાને બદલે કોર્પોરેટરને ફાળે આવતી ગ્રાન્ટમાંથી જમા કરવા અને કામ ચાલુ કરવાના થશે. તે મુજબ ઘણા કામો થયા પણ હવે સરકારના આદેશને કારણે આ રીતે કામ થઈ શકશે નહીં.

સિટી ઈજનેર ભાવેશ જોશીએ જણાવ્યું હતું કે, સરકારે હવે આ મામલે સ્પષ્ટ પરિપત્ર મોકલ્યો છે કે જનભાગીદારી એટલે લોકોની જ ભાગીદારી હોવી જોઈએ કોર્પોરેટરની ગ્રાન્ટ ન ચાલે. આ કારણે હવે પછીના જે પણ કામો ચાલુ થશે તેમાં આ નિયમ લાગુ પડશે.

ઓછી આવક ધરાવતા વિસ્તારોમાં વધારે ફટકો
આ આદેશને કારણે ઘણા એવા સ્થળો કે જ્યાં માથાદીઠ આવક ઓછી છે તેમને ફટકો પડશે. આવા વિસ્તારોમાં જનભાગીદારીના કામો હાથમાં લેવાય ત્યારે જે તે કોર્પોરેટરની જ ગ્રાન્ટ તેમાં વપરાતી હતી. હવે આ પદ્ધતિ નીકળી જતા રોડ, પેવર બ્લોક, ગટર સહિતના કામો કે જેનો ખર્ચ લાખો રૂપિયામાં થાય છે તે યોજના શરૂ કરાય તો ત્યાં દરેક પરિવાર પર મોટો આર્થિક બોજ આવે. જે કોઇ સહન કરવા તૈયાર ન થાય તો ત્યાં જનભાગીદારીને બદલે બીજા વિકલ્પો વિચારવા પડે જેમાં ઘણો સમય વીતી જશે.

અન્ય સમાચારો પણ છે...