જસદણ પંથકમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોર બાદ વીજળીના કડાકા ભડાકા સાથે અષાઢી માહોલ સર્જાયો હતો. જોરદાર વીજળીના કડાકા ભડાકા સાથે માત્ર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આથી રોડ-રસ્તા ભીના થઈ ગયા હતા. આથી ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જ્યારે જસદણના ગોખલાણા રોડ પર સાઇકલ લઈને જતા કરશનભાઈ બામણીયા (ઉં.વ.40) માથે વીજળી પડતા ગંભીર રીતે દાઝ્યા હતા. તેને 108 મારફત જસદણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.
રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં માવઠાની આગાહી પગલે આજે સવારથી રાજકોટના આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને સવારથી વાતાવરણ પણ વરસાદી માહોલ વાળું જોવા મળી રહ્યું છે.
વરસાદી છાંટા પડ્યા
રાજકોટ શહેરમાં આજે સવારથી આકાશ કાળા વાદળોથી ઘેરાયેલું જોવા મળી રહ્યું છે અને સાથે સાથે પવન પણ ફૂંકાઈ રહ્યો છે બીજી તરફ સવારના 9 વાગ્યા આસપાસ શહેરમાં કેટલાક વિસ્તારમાં વરસાદી છાંટા પણ પડ્યા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ કમોસમી માવઠા થી ખેડૂતો માટે આ વાતાવરણ ચિંતાનો વિષય જરૂર થી બની ગયો છે કારણ કે ગત સપ્તાહે પણ રાજકોટ સહીત સૌરાષ્ટ્રના કમોસમી માવઠું પડ્યું હતું જેમાં ખેડૂતો ખેતરમાં ઉભા પાકમાં નુકસાન થવા પામ્યું હતું.
ટોકન ફાળવી આવક ચાલુ
હવામાન વિભાગના કમોસમી વરસાદની આગાહી અનુસાર રાજકોટ માર્કેટ યાર્ડ દ્વારા કમોસમી વરસાદની પરીસ્થીતીમાં સંપૂર્ણ આવક બંધ કરવાના બદલે જરૂરિયાત મુજબ ખેડૂતોનો માલ મંગાવી હરાજીનું કામકાજ ચાલુ રાખી સારી કામગીરી કરવામાં આવી રહી છે. રાજકોટ માર્કેટયાર્ડ દ્વારા જે જણસીઓની સીઝન ચાલે છે તેવી જણસીઓ જેવી કે, ઘઉં, ચણા, ધાણા અને મરચાંની આવકમાં રજીસ્ટ્રેશન કરનાર ખેડૂતોને ક્રમ મુજબ ટોકન ફાળવી ખેડૂતોની આવક મંગાવી હરાજીનુ કામકાજ કરવામાં આવી રહ્યું છે.
આજથી રાય,રાયડો તથા મેથીની આવક બંધ
નોંધનીય છે કે માર્કેટયાર્ડમાં આજથી રાય,રાયડો તથા મેથીની આવક સંપૂર્ણ પણે બંધ કરવામાં આવેલ છે. આ અંગે માર્કેટ યાર્ડની યાદીમાં જણાવ્યાનુસાર ઘઉં,ચણા,ધાણા તથા સુકામરચા ટોકન મુજબ આવક આવવા દેવામાં આવશે,જે ખેડૂતોને યાર્ડ દ્વારા મેસેજ મોકલવામાં આવેતે મુજબ પ્રવેશ આપવામાં આવશે.ટોકનવાળી જણસી ટોકન વગર બિનકાયદેશર રીતે પ્રવેશ કરશે તથા હરરાજીમાં વેચાણ કર્તા માલુમ પડશે તો માર્કેટિંગ યાર્ડ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે,* મગફળી, લસણ, તુવેર,એરંડા તથા કપાસ પાલની ગુરૂવાર સવારે 05:00 વાગ્યાથી 07:00 વાગ્યા સુધી જ આવવા દેવામાં આવશે.જીરૂ તથા કપાસભરીની આવક આજ રોજ સાંજે 09:00 વાગ્યાથી સવારે 07:00 વાગ્યા સુધી આવવા દેવામાં આવશે. માવઠાની આગાહીને ધ્યાને લઇ માલને સલામત રીતે ઢાંકીને લાવવાનો રહેશે.
ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો
હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારમાં તારીખ 19 માર્ચ સુધી કમોસમી વરસાદ વરસાવાની આગાહી કરેલ છે. ત્યારે રાજકોટ સંયુક્ત બાગાયત નિયામકના જણાવ્યાનુસાર આ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં સામાન્યથી હળવો વરસાદ થવાની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકસાથી બચાવવા તકેદારીના ભાગરૂપે વિવિધ પગલાં લઈ શકાય છે.
માટીના પાળા બનાવવા
ખેતોત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો.
આગોતરા સાવચેતીના પગલા લેવા
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા. એ.પી.એમ.સી.માં અનાજ કે ખેતપેદાશ સુરક્ષિત રાખવા. એ.પી.એમ.સી.માં વેચાણ અર્થે લઇ જવાતી પેદાશો શક્યતઃ આ દિવસો દરમિયાન વાતાવરણનું નિરીક્ષણ કરી ટાળવી અથવા સુરક્ષતિ રાખવા અને બિયારણ, ખાતર, વગેરે જેવી ખેત સામગ્રીના ઇનપુટસ ડીલરોએ ગોડાઉન સુરક્ષિત રાખવા પગલાં લેવા જરૂરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.