સૌરાષ્ટ્રમાં અનરાધાર વરસાદ:ધારીનો ખોડિયાર ડેમ ઓવરફ્લો થયો, 7 તાલુકા સહિત 46 ગામોમાં એલર્ટ, હિરણ નદીના પૂરમાં 5 ભેંસ તણાઈ, સીદસર નજીક કોઝવેમાં કાર ફસાઈ

રાજકોટએક વર્ષ પહેલા
ભારે વરસાદના પગલે હાલાકી
  • નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
  • ભાદર-2 ડેમમાં નવા નીરની આવક

સૌરાષ્ટ્રમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યાં છે. રાજકોટ, ગીર-સોમનાથ, ભાવનગર, અમરેલી સહિત સૌરાષ્ટ્રભરમાં દે ધના ધન વરસાદ વરસી રહ્યો છે. જેથી સૌરાષ્ટ્ર પાણી-પાણી થઈ ગયું છે. અનારાધાર વરસાદથી કેટલાક મકાનો ધરાશાયી થયા છે, તો ક્યાંય પશુઓ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયા છે. ગીર સોમનાથ પંથકમાં ભારે વરસાદના પગલે હિરણ નદીમાં પૂર આવ્યું હતું. પૂરના કારણે 5 ભેંસ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ ગઈ હતી. આ સાથે જ જામજોધપુરના સિદસર નજીક એક કાર પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. બીજી તરફ ધોરાજીમાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે.

ધારીનો ખોડિયાર છલકાયો
અમરેલી જિલ્લાનો સૌથી મોટો ધારીનો ખોડિયાર ડેમ છલકાયો છે. ભારે વરસાદને પગલે મોટા પ્રમાણમાં પાણીની આવક થવાથી ડેમ ઓવરફ્લો થયો છે. આ સાથે જ અમરેલી અને ભાવનગર જિલ્લાના કુલ 7 તાલુકા અને 46 ગામોને એલર્ટ કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત લોકોને નદી કિનારાના વિસ્તારમાં અવરજવર કરવાની મનાઈ ફરમાવવામાં આવી છે.

હિરણ નદીમાં ઘોડાપૂર આવતા 5 ભેંસ તણાઈ
ગીર સોમનાથ પંથકમાં પડેલા ભારે વરસાદના પગલે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે. હિરણ નદીમાં ઘોડાપૂર આવતા મંડોર ગામના ખેડૂતોની 5 જેટલી ભેંસ પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઈ હતી. ગીર સોમનાથ અને ઉપરવાસમાં પડેલા વરસાદના કારણે હિરણ નદીમાં ઘોડાપૂર આવ્યું છે.

કાર પાણીમાં ફસાઈ
કાર પાણીમાં ફસાઈ

સીદસર નજીક કોઝવેમાં કાર ફસાઈ
જામજોધપુરના સીદસર નજીક ભારે વરસાદના કારણે કોઝવેમાં કાર ફસાઈ છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે કોઝવેમાં પૂર આવ્યુ છે. પાણીનો પ્રવાહ વધતા કોઝવે પરથી પસાર થતી કાર પાણીના ધસમસતા પ્રવાહમાં કાર કોઝવેની વચ્ચે ફસાઈ ગઈ હતી. જેથી ગ્રામજનો કોઝવે નજીક એકત્રિત થઈ ગયા હતાં.

ભાવનગરમાં બપોર બાદ ફરી ધોધમાર વરસાદ
ભાવનગર જિલ્લાના વાતાવરણમાં પલ્ટો આવતા પાલીતાણા શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. દુધાળા, ઘેટી, નાનીમાળ, કંજરડા, રાજસ્થાળી, સેજળીયા, ખીજડિયા, લોચડા, કુંભણ, ખાખરિયા સહિતના પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલીતાણા તાલુકાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડતા મગ, મગફળી, કપાસ સહિતના પાકને ફાયદો થશે. જેને લઇને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળઈ રહ્યો છે. ઘોઘાના ગ્રામ્ય પંથકમાં મેઘરાજા મહેરબાન થયા અને કોળિયાક, હાથબ, ખડસલિયા અને લાખણકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો.

મોજ ડેમ
મોજ ડેમ

ઉપલેટાના મોજ ડેમના 7 દરવાજા ખોલવામાં આવ્યાં
ઉપલેટા પંથકમાં વરસેલા ધોધમાર વરસાદના પગલે મોજ ડેમમાં નવા નીરની આવક થઈ છે. મોજ ડેમના 7 દરવાજા 1 ફૂટ ખોલવામાં આવ્યાં છે. જેથી 15 જેટલા ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. માખીયાળા, ગઢાળા સહિતના ગામોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ નદીના પટમાં અવરજવર ન કરવા સૂચના આપી છે.

નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ
નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ

કમલેશ્વર ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં
સાસણ ગીરમાં આવેલા એશિયાટીક સિંહો અને વન્ય પ્રાણીઓની જીવાદોરી ગણાતો કમલેશ્વર (હિરણ 1) ડેમ પૂર્ણ સપાટીએ ભરાય ગયો છે. કમલેશ્વર ડેમ ઓવરફ્લો થવાની તૈયારી છે. જેથી નીચાણવાળા વિસ્તારોને હાઈએલર્ટ આપવામાં આવ્યું છે. સાસણ અને તાલાલાના કમલેશ્વર નેસ, ચિત્રાવડ, ગિદીરિયા, ખીરધાર, બોરવાવ, રામણેચી, સાંગોદરા, ઘુસિયા અને ભળછેલને એલર્ટ કરવામાં આવ્યા છે.

બોટાદ જિલ્લામાં ઈતરીયા ડેમ છલકાયો
બોટાદ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડી રહેલા સાર્વત્રિક વરસાદને કારણે જિલ્લાના નાના-મોટા ચેકડેમો, નદી-નાળા અને ડેમો ઓવરફલો થયા છે. ત્યારે જિલ્લાના ગઢડા તાલુકામાં આવેલો ઈતરીયા ડેમ આજે 10 સેન્ટીમિટરથી ઓવરફલો થયો છે. ઈતરીયા ડેમ નીચે આવતા ઈતરીયા, લીંબાળી, કેરાળા, રોજમાળ, વાવડી, રામપરા, માંડવધાર, ગઢડા, અડતાળા, લાખણકા, તતાણા સહિતના ગામોને પીવાના પાણી તેમજ સિંચાઈના પાણીની સમસ્યા હલ થઈ ગઈ છે. આમ 13 વર્ષ બાદ ઈતરીયા ડેમ ઓવરફલો થતા લોકોમાં આનંદ જોવા મળી રહ્યો છે.

વહેલી સવારથી જ વરસાદ શરૂ
વહેલી સવારથી જ વરસાદ શરૂ

રાજકોટમાં સતત ચોથા દિવસે વરસાદ
રાજકોટમાં આજે સતત ચોથા દિવસે વરસાદી માહોલ જામ્યો છે. સતત વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાયા છે. ગ્રામ્ય વિસ્તારોમાં પણ વહેલી સવારથી જ વરસાદ શરૂ થઈ ગયો છે. અત્યાર સુધીમાં આજી 2, ન્યારી 1 અને ન્યારી 2 ડેમ સહિતના જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે આજી 1 ડેમ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે.

ધોરાજીમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ
ધોરાજીમાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો છે. વરસાદના પગલે નીચણાવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. વરસાદના પગલે ધોરાજીમાં આવેલ ભાદર-2 ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે. મહત્વનું છે ધોરાજીમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યાં છે.

શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે
શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે

ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટે પહોંચી
સૌરાષ્ટ્રમાં સૌથી મોટા ગણાતા ભાવનગરના શેત્રુંજી ડેમની સપાટી 33 ફૂટે પહોંચી છે. ડેમમાં હાલ 19100 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. આ ડેમ સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ પાલિતાણામાં આવેલો છે. શેત્રુંજી ડેમ 34 ફૂટે ઓવરફ્લો થાય છે. જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે જ કાળુભાર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપવાસમાં આવેલા ખોડિયાર ડેમની 72 ફુટની સપાટી પહોંચી છે અને 75 ફુટે ઓવરફ્લો થાય છે. શેત્રુંજી ડેમમાં શેત્રુંજી નદી, ગાગડીયો, નાવડીયો, વડી સહિત ગીર અને અમરેલી જિલ્લાની અનેક નદીઓના પાણી આવે છે.

સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર
ભારે વરસાદના પગલે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે. ઉનાનુ માણેકપુર ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ભાવનગર જિલ્લામાં અત્યાર સુધીમાં સિઝનનો 71.88 ટકા વરસાદ પડ્યો છે. તો આ તરફ અમરેલી જિલ્લાના લાઠી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના પગલે લુવરિયા ગામ નજીકથી પસાર થતા ગાગડીયા નદીમાં પૂર આવ્યું છે.
(રાજેશ ભજગોત્તર- વેરાવળ, ભરત વ્યાસ-ભાવનગર, હસિત પોપટ-જામનગર, રોનક ચોટાઈ-ઉપલેટા)