મેઘ મહેર:ખંભાળિયામાં 10 કલાકમાં 12 ઇંચથી વધુ, કુતિયાણામાં 7, પોરબંદરમાં 3 ઇંચ વરસાદ, ધ્રોલમાં NDRFએ વાડીએ ફસાયેલા બે મજૂરોને બચાવ્યા

રાજકોટ2 વર્ષ પહેલા
ડેમોમાં નવા નીરની આવક
  • દરિયા કિનારે ભારે પવન સાથે ધોધમાર વરસાદ
  • સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક અતિભારે વરસાદની શક્યતા
  • રાજકોટનું લાલપરી તળાવ ઓવરફ્લો

ખંભાળિયામાં આજે ફરી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 10 કલાકમાં 12 ઈંચથી પણ વધુ વરસાદ પડ્યો છે. જેથી ઠેર ઠેર પાણી ભરાયા છે. રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોમાં મુશ્કેલી પડી રહી છે.  જ્યારે જામજોધપુર, કાલાવડ અને લાલપુરમાં એકથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યાકે પોરબંદર પંથકમાં પણ આજ સવારથી મૂશળધાર વરસાદ શરૂ થતા છ કલાકમાં કુતિયાણામાં 7 ઇંચ, પોરબંદરમાં 3 ઇંચ અને રાણાવાવમાં 54 મી.મી. વરસાદ નોંધાયો છે. પોરબંદરના રાણીબાગ વિસ્તારમાં પાણી ભરાયા છે. અવિરત વરસાદથી પોરબંદર જિલ્લામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ખેતરો પાણીમાં ગરકાવ થયા છે તો નદીઓ ગાંડીતૂર બની બેકાંઠે વહી રહી છે.

ખંભાળિયા જળબંબાકાર,ગઢકી અને સાની ડેમ ઓવરફ્લો
ખંભાળિયામાં છેલ્લા 24 કલાકમાં 12 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે. જેથી ખંભાળિયામાં જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદના પગલે સિંહણ ડેમ, ગઢકી ડેમ  અને સાની ડેમ ઓવરફલો થયો છે. કલ્યાણપુર પંથકમાં ભારે વરસાદ પડતાં ખેતરોમાં પાકને બદલે પાણી દેખાય છે. 

ધ્રોલના નથુવડલા ગામે વાડીમાં ફસાયેલા બે મજૂરોને NDRFએ રેસ્ક્યુ કર્યા
ધ્રોલ તાલુકામાં અનરાધાર વરસાદ પડવાથી નથુવડલા ગામે વાડી વિસ્તારમાં પાણી ફરી વળતા બે મજૂરો ફસાયા હતા. તેની જાણ ગામના આગેવાન મુળરાજસિંહને થતા સ્થાનિક પ્રસાશન, ધ્રોલ મામલતદાર, PSI તેમજ કલેક્ટર કચેરીએ કરી હતી. આખરે CMO ઓફિસ ગાંધીનગરને જાણ કરતા તાત્કાલિક NDRFની ટીમ આવી રેસ્ક્યુ કરી બંનેના જીવ બચાવ્યા હતા.

હાલાર પંથકમાં સોમવારે 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યાં
સૌરાષ્ટ્રમાં સતત ત્રીજા દિવસે વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે. હાલાર પંથકમાં સોમવારે 4થી 6 ઇંચ જેટલો વરસાદ પડી જતાં સર્વત્ર પાણી ફરી વળ્યાં હતું. ત્યારે આજે પણ વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. સોમવારે રાજકોટમાં પણ 10 ઇંચ જેટલો વરસાદ પડી જતાં શહેરનું જનજીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું હતું. તો ઉના પણ વહેલી સવારથી જ ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તા ધોવાઈ ગયા હતા અને વીજ પોલ પડી ગયા હતા. હજુ આગામી 48 કલાક ભારે વરસાદની શક્યતા છે. ધોધમાર વરસાદના પગલે જામનગરનો સસોઈ ડેમ મોડી રાત્રે ઓવરફ્લો થયો હતો.

જામનગરનો સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો
ધોધમાર વરસાદના પગલે સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમ ઓવરફ્લો થયો છે.  ભારે વરસાદના કારણે ડેમોમાં નવા નીરની આવક થઈ છે. જેથી ડેમના દરવાજા એક ફૂટ જેટલા ખોલવામાં આવ્યાં છે. સસોઈ ડેમ મોડી રાત્રે ઓવોરફ્લો થયો હતો. 

લાલપરી તળાવ ઓવરફ્લો
રાજકોટ મનપા સંચાલિત લાલપરી જળાશય ઓવરફ્લો થતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય ગયા છે. જેથી નીચાણવાળા વિસ્તારોમાં એલર્ટ આપવામાં આવ્યું છે. ભારે વરસાદ પડતા જિલ્લાના અનેક જળાશયોમાં નવા નીરની આવક થઈ છે.

ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો
સતત વરસી રહેલા વરસાદના પગલે ન્યારી ડેમ-2 સતત બીજા દિવસે ઓવરફ્લો થયું છે અને ડેમના દરવાજા ખોલવામાં આવ્યાં છે. ડેમના દરવાજા ખોલવામાં આવતાં રંગપર, સરપદડ અને પડધરી સહિતના ગામોમાં એલર્ટ આપવામાં આવ્યું છે.

અમરેલી જિલ્લામાં ધીમીધારે વરસાદ
અમરેલીમાં છેલ્લા 24 કલાકમાં 9 મીમી, ખાંભામાં 30 મીમી, જાફરાબાદમાં 65 મીમી, ધારીમાં 5 મીમી, બગસરામાં 11 મીમી, બાબરામાં 11 મીમી, રાજુલામાં 12 મીમી, લાઠીમાં 10 મીમી, લીલીયામાં 6 મીમી, વડિયામાં 15મીમી અને સાવરકુંડલામાં 24 મીમી વરસાદ પડ્યો છે.

જૂનાગઢનું નરસિંહ મહેતા સરોવર છલકાયું
જૂનાગઢ પંથકમાં સતત વરસાદને પગલે નરસિંહ મહેતા સરોવર છલકાયું છે. ઉપરવાસમાં ધોધમાર વરસાદ પડતા પાણીની સતત આવક થતાં આ તળાવ ઓવરફ્લો થયું છે.  છેલ્લા 24 કલાકમાં કેશોદમાં 3 ઈંચ, જુનાગઢમાં 2 ઈંચ, ભેંસાણમાં 2 ઈંચ, મેંદરડામાં 2 ઈંચ, માંગરોળમાં 3 ઈંચ, માણાવદરમાં 7 ઈંચ, માળીયા હાટીનામાં 2 ઈંચ, વિસાવદરમાં 2 ઈંચ વરસાદ પડ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે.

નદીઓ-જળાશયોમાં પાણીની આવક 
એકધારા વરસાદને લીધે દક્ષિણ સૌરાષ્ટ્રની તમામ નદીઓ જીવંત થઇ ઉઠી છે. અને તમામ જળાશયોમાં પાણીની આવક થવા લાગી છે. તેમાં જૂનાગઢનો વિલીંગ્ડન ડેમ, આણંદપુર ડેમ, માણાવદરનો રસાલા ડેમ, બાંટવા ખારો ડેમ, પોરબંદરના સોરઠી, મેઢાક્રીક અને ફોદાળા ડેમ ઓવરફ્લો થયા છે. તો જૂનાગઢના ઓઝત-2 ડેમના 3 દરવાજા ખોલાયા છે. જૂનાગઢ-વેરાવળ હાઇવે પર માણેકવાડાનું માલબાપા મંદિરમાં સાબલી નદીના પાણી ઘૂસ્યા હતા. તો કેશોદના ઘેડ બામણાસામાં ગામમાંથી ખેતરોમાં અવરજવર માટેનો પુલ ધરાશાયી થયો હતો. અમરેલી જિલ્લામાં શેત્રુંજી નદી પણ ગાંડીતૂર બની હતી.

(જયેશ ગોંધીયા, ઉના- જયદેવ વરૂ-અમરેલી, અતુલ મહેતા-જૂનાગઢ, સચિમ મદલાણી-પોરબંદર)