ચોમાસુ:અસહ્ય બફારા બાદ રાજકોટમાં ધીમીધારે, બાબરામાં ગાજવીજ સાથે ધોધમાર, અમરેલીના ભંડારીયામાં મૂશળધાર વરસાદથી નદીમાં પૂર આવ્યું

રાજકોટએક વર્ષ પહેલા
અમરેલીના ભંડારીયામાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં - Divya Bhaskar
અમરેલીના ભંડારીયામાં અનરાધાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં
  • સતત વરસાદના કારણે જમીનમાં જ મગફળી ઉગવા લાગી, ખેડૂતોને નુકસાન

સૌરાષ્ટ્રમાં છેલ્લા પાંચ દિવસથી બપોર બાદ વરસાદ પડી રહ્યો છે. અસહ્ય બફારા અને ગરમી બાદ આજે રાજકોટના વાતાવરણમાં બપોર બાદ પલ્ટો આવ્યો હતો. કાળા ડિબાંગ વાદળો સાથે આકાશ ઘેરાયું હતું અને ધીમીધારે વરસાદ શરૂ થયો હતો. શહેરના યાજ્ઞીક રોડ, કાલાવડ રોડ, 150 ફૂટ રિંગ રોડ, એરપોર્ટ રોડ, રેસકોર્સ, મવડી સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરતા લોકોએ અસહ્ય બફારામાંથી રાહત અનુભવી હતી. ધીમીધારે વરસાદથી રસ્તા પણ પાણી ફરી વળ્યાં હતા. બાબરામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમરેલીના ભંડારીયામાં મૂશળધાર વરસાદ વરસતા સ્થાનિક નદીમાં પૂર આવ્યું હતું.

રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
રાજકોટમાં ધીમીધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી

બાબરા પંથકમાં ધોધમાર વરસાદ
બાબરા પંથકમાં પણ બપોર બાદ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. બાબરા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યાં હતા. સતત વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયેલા રહે છે. આથી કપાસ અને મગફળીના પાકને નુકસાન પહોંચ્યું છે. કપાસનો પાક બળી ગયો છે અને મગફળીનો પાક પણ બળી જવાના આરે હોવાથી જગતનો તાત ચિંતામાં મૂકાયો છે.

સતત વરસાદથી મગફળી ઉગી નીકળતા આટકોટના ખેડૂતે 150 મજૂર કરી પાક ઊપાડી નાખ્યો
આટકોટના ખેડૂત રાજુભાઈ ખોખરીયાના ખેતરમાં સતત વરસાદના કારણે જમીનમાં જ મગફળી ઉગી નીકળી છે. આથી તેઓએ 150 જેટલા મજૂર કરી પાક ઉપાડી નાખ્યો છે. સતત ત્રણ દિવસ સુધી વરસાદ પડતા તેમના પાકને નુકસાન પહોંચ્યું છે. 9 વીઘા જમીનમાં મગફળી વાવેલી હતી. સતત ત્રણ દિવસ વરસાદ પડતા તેમણે મગફળીનો પાક ઉપાડી નાખ્યો છે. સરકાર દ્વારા સહાય કરવામાં આવે તેવી માગણી પણ કરી છે.

અમરેલીના નાના માચિયાળા ગામે ટ્રેક્ટર પૂરના પાણીમાં તણાયું
અમરેલીના નાના માચિયાળા ગામે ટ્રેક્ટર પૂરના પાણીમાં તણાયું

અમરેલીના નાના માચિયાળા ગામે ટ્રેક્ટર સાથે બે ખેડૂતો તણાયા
અમરેલીના નાના માચિયાળા ગામે બે ખેડૂત સાથે એક ટ્રેક્ટર તણાયું હતું. ઠેબી નદીના પાણીમાં ટ્રેક્ટર સાથે બે ખેડૂત તણાયા હતા. પોતાના ખેતર તરફ ખેડૂતો જઈ રહ્યા હતા. સ્થાનિક લોકો દ્વારા ખેડૂતોને બચાવી લેવામાં આવ્યા છે. જ્યારે ટ્રેક્ટરને પણ બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે.

(જયદેવ વરૂ, અમરેલી/રાજુ બસીયા, બાબરા/ કરસન બામટા, આટકોટ)