તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

ખમૈયા કરો:રાજકોટમાં એક કલાકમાં 2 ઇંચ તો મોરબી, બાબરા સહિત ગોંડલ પંથકમાં પણ ભારે વરસાદ, મોરબી-ભુજમાં વીજળી પડવાથી 1-1નું મોત

ગોંડલએક દિવસ પહેલા
ગોંડલમાં મોડી રાતે ધોધમાર વરસાદની શરૂઆત થઈ.
  • ભાવનગરમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસતાં ઠેર ઠેર પાણી ભરાયાં હતાં
  • જૂનાગઢમાં એક કલાકમાં દોઢ ઇંચ, દામોદર કુંડમાં પૂર આવ્યું
  • ઉપલેટાના મેરવદર ગામે વીજળી પડતાં બે લોકો ઘાયલ
  • રાજકોટ, ગોંડલ, મોરબી અને ખંભાળિયામાં ધોધમાર

સૌરાષ્ટ્રમાં આજે આખો દિવસ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, ત્યારે બપોર બાદ ગોંડલ પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. વીજળીના કડાકાભડાકા સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં રસ્તા પર પાણી ભરાયાં હતાં. રાજકોટમાં છેલ્લા એક કલાકમાં સરેરાશ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જેમાં શહેરના મધ્ય ઝોનમાં 45MM, પૂર્વ ઝોનમાં 55MM અને પશ્ચિમ ઝોનમાં 50MM વરસાદ નોંધાયો છે. સવારથી વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, જેને લઇને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત આગામી 3 કલાકમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉપલેટા તાલુકાના મેરવદર ગામે વીજળી પડવાની ઘટના બની હતી, જેમાં બે લોકો ઘાયલ થયા હતા અને તેમને ઉપલેટાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.

ગોંડલ સહિત ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ
આજરોજ ગોંડલ શહેરમાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો. વહેલી સવારથી અસહ્ય ગરમી તેમજ બફારા બાદ બાદ મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ધોધમાર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ધોધમાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ગોંડલ શહેર ઉપરાંત ગ્રામ્યમાં પણ ધોધમાર વરસાદ વરસતાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં બાંદ્રા, ગોમટા, નવાગામ, લીલાખા, દેવળા સહિતનાં ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. ગોંડલ તાલુકાના બંધિયા ગામમાં 3.5થી 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ગોંડલ શહેરમાં અંદાજે 1.5 ઇંચ પણ વધુ વરસાદ ખાબક્યો હતો. ધોધમાર વરસાદને પગલે ખેડૂતોના પાકને નુકસાનીની ભીતિ વર્તાઈ રહી છે. ખેડૂતોની કપાસ, મગફળી, મરચી સહિતની ખેતપેદાશોને નુકસાનની ભીતિ વર્તાઈ રહી છે અને જગતનો તાત ક્યાંક ને ક્યાંક ચિંતામાં મુકાયો છે તેવું લાગી રહ્યું છે.

બાબરાના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ

બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો.
બાબરા પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો.

બાબરા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. ફરી એકવાર ભારે વરસાદની આગાહી વચ્ચે સવારથી જ વરસાદી માહોલ છવાયો છે, જેમાં બાબરા શહેરમાં વરસાદી ઝાપટાં પડ્યાં છે, જ્યારે પંથકના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. ગ્રામ્ય વિસ્તારમાં ધરાઈ ગામે બે ઇંચ જેટલો વરસાદ ખાબકતાં નદીમાં પૂર આવ્યું છે. સમગ્ર પંથકમાં વરસાદી માહોલ છવાતાં ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી ગઈ છે. ખેડૂતોને પાક નિષ્ફળ જાય એની ભીતિ સતાવી રહી છે.

મોરબીમાં દિવસભરમાં એક ઇંચ વરસાદ

મોરબીમાં ભારે વરસાદને કારણે શાક માર્કેટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.
મોરબીમાં ભારે વરસાદને કારણે શાક માર્કેટ વિસ્તાર સહિત નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં.

રવિવારે વહેલા પરોઢિયે અને બપોર બાદ ફરીવાર મેઘરાજાએ દસ્તક દીધી હતી અને તેજ પવન વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસી ગયો હતો. અચાનક થયેલા વરસાદને પગલે મોરબી શહેરમાં તમામ રોડ, રસ્તા અને નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં. શહેરના શાક માર્કેટ વિસ્તાર, રવાપર રોડ, માધાપર વિસ્તાર, નેહરુગેટ ચોક, પરાબજાર ગાંધી ચોક સહિતના વિસ્તારમાં પાણી ભરાયાં હતાં. મોરબીમાં રવિવારે સાંજે 6 વાગ્યા સુધીમાં 29 મિમી અને ટંકારામાં 8 મિમી વરસાદ નોંધાયો હતો. જોકે અન્ય તાલુકામાં ભારે પવન ફૂંકાયો હતો.

વિજાપુરમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરમાં લણણી કરાયેલો મગફળીનો પાક પલળી ગયો હતો.
વિજાપુરમાં 2 ઇંચ વરસાદ ખાબકતાં ખેતરમાં લણણી કરાયેલો મગફળીનો પાક પલળી ગયો હતો.

વેચાણ માટે પડેલા કૃષિ પાકને મોટે પાયે નુકસાનની ભીતિ
હાલ કપાસ,મગફળી સહિતનો ચોમાસુ પાક તૈયાર થઈ ચૂક્યો છે અને અમુક ખેડૂતો યાર્ડમાં વેચાણ માટે પણ લાવી રહ્યા છે. આવામાં છેલ્લી ઘડીએ થયેલા વરસાદને કારણે પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.

વાતાવરણમાં આવેલા ફેરફારથી કપાસમાં જીવાતનો ઉપદ્રવ વધશે
ચાસવડ- બાયફના કૃષિ વિજ્ઞાની મહેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે ઓછો પરિપક્વ અને નબળો કપાસ હશે તેવા કપાસનું ભિમરું ખરી પડવાનો ભય વધુ છે. પરિપક્વ થઈ ગયેલા કપાસને નુકસાન ઓછું, જ્યારે જે કપાસના ઝીંડવા ફૂટી ગયા હશે એ ભેજના સંગ્રહને કારણે કપાસ બગડી શકે, પણ ફરી જરૂરી માત્રમાં સૂર્યપ્રકાશ મળતો રહેશે તો નુકસાન ઓછું થશે.

માળિયામાં વીજળી પડતાં મહિલાનું મોત
રવિવારે બપોર બાદ વીજળીના કડાકાભડાકા વચ્ચે શરૂ થયેલા વરસાદથી વાતાવરણ દરામણું બની ગયું હતું. આ દરમિયાન માળિયા મિયાણા મંદરકી ગામે વીજળી પડતાં સવિતાબેન હરિભાઈ અગેચણિયા નામની મહિલાનું મોત નીપજ્યું હતું તો.વાવડી ગામમાં એક મકાનનીં છત અને રંગપર ગામમાં એક મંદિરમાં વીજળી પડી હતી, જાનહાનિ થઇ ન હતી.

કચ્છમાં ત્રીજા દિવસે વરસાદ
સૌરાષ્ટ્રની સાથોસાથ કચ્છમાં પણ આજે ત્રીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કચ્છના લખપત, પાનધ્રો, માતાના મઢ, દયાપર, મિઢિયારી સહિતના આસપાસનાં ગામોમાં વરસાદ વરસ્યો હતો. અબડાસાના તેરા, બીટા વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો. નખત્રાણાના નેત્રા વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. સતત વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન પહોંચ્યું છે.

ગોંડલના વાછરામાં ધોધમાર વરસાદથી ગામનાં બજારોમાં પાણી ભરાયાં.
ગોંડલના વાછરામાં ધોધમાર વરસાદથી ગામનાં બજારોમાં પાણી ભરાયાં.

ખેતરમાં મગફળીના પાથરા પલળ્યા
ગોંડલ પંથકમાં એક તરફ મગફળીની સીઝન ચાલી રહી છે અને બીજી તરફ વરસાદ મુશ્કેલીમાં વધારો કરી રહ્યો છે. આજે બીજા દિવસે પણ ગોંડલ તાલુકામાં ધોધમાર વરસાદ વરસતાં ખેતરોમાં ઉપાડેલી મગફળીના પાથરા પલળ્યા હતા. જસદણમાં આજે ધીમી ધારે વરસાદ વરસ્યો હતો. આથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. વરસાદને કારણે ખેડૂતોની પડ્યા પર પાટા સમાન સ્થિતિ થઈ છે. બગસરા પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો, આથી રસ્તાઓ પાણી-પાણી થયા છે.

બગસરામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયું.
બગસરામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ભરાયું.

ભાવનગરમાં સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો
અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનની અસર સૌરાષ્ટ્ર પર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે સૌરાષ્ટ્રમાં આજે સવારથી જ વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે અને કાળાં ડિબાંગ વાદળોથી આકાશ ઘેરાયું છે. રાજકોટમાં આજે સવારે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને ગ્રીનલેન્ડ ચોકડી પાસે વરસાદી ઝાપટું વરસી જતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. બીજી તરફ ભાવનગર જિલ્લામાં આજે સવારે જ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો, આથી રસ્તા પર પાણી ભરાયાં હતાં.

ક્યાં કેટલો વરસાદ

ધ્રોલ4 ઇંચ
ગોંડલ3.5 ઇંચ
અબડાસા2 ઇંચ
જૂનાગઢ2 ઇંચ
રાજકોટ2 ઇંચ
વિજાપુર2 ઇંચ
નેત્રંગ2 ઇંચ
મહેસાણા2 ઇંચ
ટંકારા2 ઇંચ
ભાવનગર1 ઇંચ

(દેવાંગ ભોજાણી, ગોંડલ)

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે પરિવાર સાથે કોઇ ધાર્મિક સ્થળ પર જવાનો પ્રોગ્રામ બની શકે છે. સાથે જ આરામમાં સમય પસાર થશે. બાળકોને કોઇ ઉપલબ્ધિ મળવાથી ઘરનું વાતાવરણ સારું જળવાશે. નેગેટિવઃ- આળસના કારણે થોડા કામ અધૂરા રહ...

વધુ વાંચો