ઉઘરાણી:પુલની ડિઝાઈન ચકાસવા રેલવેએ 12 લાખ માગ્યા

રાજકોટ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સાંઢિયા પુલ માટે મનપા પાસે ઉઘરાણી
  • મુંબઈથી પત્ર મળતા મંજૂરીની ગતિ વધી

રાજકોટ મહાનગરપાલિકા અને લોકો માટે માથાનો દુખાવો બનેલી સમસ્યા એવી સાંઢિયા પુલમાં રેલવેએ ડિઝાઈન ચેક કરવાના નામે મનપા પાસે 12 લાખ રૂપિયાની માંગ કરી છે અને આ પૈસા દેવા જ પડે તેવો નિયમ હોવાથી મનપાને ખર્ચ કરવો પડશે.

સાંઢિયા પુલ બનાવવા માટે રેલવે પાસેથી ખર્ચ મેળવવા માટે મનપાએ ઘણા પ્રયત્નો કર્યા પણ રેલવેએ એક રૂપિયો પણ ન આપ્યો તેને બદલે જેટલો ખર્ચ મનપાએ માગ્યો હતો તેટલો ખર્ચ ઘટાડવા માટે બ્રિજની ઊંચાઈ ઘટાડવાનું કહી દીધું.

આખરે મનપા તમામ ખર્ચ ભોગવવા તૈયાર થઈ હતી. વારંવાર ડિઝાઈન બદલાવ્યા બાદ આખરે આ ડિઝાઈન આખરી મંજૂરી માટે રેલવેના મુંબઈ સ્થિતિ ડિઝાઈન વિભાગમાં પહોંચી છે અને ત્યાંથી મનપાને એવી ઉઘરાણી કરાઈ છે કે આ ડિઝાઈન ચકાસવાનો 12 લાખ રૂપિયાનો ચાર્જ ભરવાનો થશે. નિયમ મુજબ રેલવેની સંપત્તિમાં જ્યારે કોઇ આવા બ્રિજ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનું થાય તો ડિઝાઈન ચેક કરાવવી પડે અને તેનો ચાર્જ પણ ભરવો પડે. જે નિયમ બતાવી ફરજિયાત મનપા પાસે પૈસા મગાયા છે.

જોકે રાજકોટ મનપાના ઈજનેરો જણાવે છે કે, ચાર્જ માગ્યો એનો અર્થ એ છે કે ઝડપથી કામગીરી થઈ જશે. કમિશનર આ ખર્ચ મંજૂર કરે એટલે બે દિવસમાં રકમ ભરી દેવાશે અને 15 દિવસમાં ડિઝાઈન મંજૂર થઈ જશે.

અન્ય સમાચારો પણ છે...