ગોંડલ શહેર પોલીસે ગેરકાયદેસર બાયોડીઝલનું વેચાણ કરનારા પર દરોડા પાડ્યા છે. ત્રણ અલગ અલગ સ્થળ પર બાયોડીઝલનું વેચાણ થતું હોવાની બાતમી મળતા પોલીસ દોડી ગઈ છે. શહેર પોલીસ દ્વારા અલગ અલગ ત્રણ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં મોટો જથ્થો પકડાય તેવી શક્યતા છે.
ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર બે પંપ પર દરોડા
ગોંડલ-જેતપુર નેશનલ હાઇવે પર કનૈયા હોટલની પાછળ અને હોટલની બાજુમાં આવેલા બે પંપ પર રેડ પાડવામાં આવી છે. રેતીચોકમાં પણ બાયોડિઝલના પંપ પર રેડ પાડવામાં આવી છે. આ ત્રણેય પંપ પરથી મોટો જથ્થો પકડાય તેવી શક્યતા છે. આ રેડમાં ગોંડલ શહેર પોલીસ સ્ટેશનના PI એસ.એમ. જાડેજા, PSI બી.એસ.ઝાલા, PSI ગોલવેકર, PSI ડી.પી. ઝાલા અને કે.કે. રાઠોડ સહિતનો સ્ટાફ જોડાયો છે.
બાયોડીઝલથી વાહનોના એન્જિનને નુકસાન પહોંચે છે
7 વર્ષ પૂર્વે એક કંપની દ્વારા બાયોડીઝલની શોધ કરવામાં આવી હતી. જોકે આજે છેલ્લા ઘણા સમયથી ડુપ્લિકેટ બાયોડીઝલનું બજારમાં વેચાણ શરૂ થયું છે. ડુપ્લિકેટ બાયોડીઝલના વપરાશથી વાહનોના એન્જિનને નુકસાન જરૂર પહોંચે છે. પરંતુ આ સાથે સરકારને થતી ટેક્સની આવક રકમમાં પણ મોટી ખોટ જોવા મળી શકે છે. ગુજરાતમાં એક પણ જગ્યાએ અસલી બાયોડીઝલ બનાવવામાં આવતું નથી. અસલી બાયોડીઝલ પામ ઓઇલમાંથી અને ફેટી એસિડ મિથાઇલ એસ્ટરની મદદથી બનાવવામાં આવે છે.
(દેવાંગ ભોજાણી, ગોંડલ)
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.