ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ થશે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે. ત્યારે રાજકીય પાર્ટીઓમી મીટ સૌરાષ્ટ્ર પર વધુ છે. આજથી જ ચૂંટણી પ્રચારને ઝડપી કરવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર રાજકોટ આવી પહોંચ્યા છે. 21 નવેમ્બરના રોજ રાજકોટના શાસ્ત્રી મેદાનમાં રાહુલ ગાંધીની સભા યોજાશે. જેની તૈયારીને લઈને જગદીશ ઠાકોર રાજકોટ આવ્યા છે. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ નેતા કામિનીબાએ ટિકિટ એક એક કરોડમાં વેચાતી હોવાનો આરોપ લગાવ્યો છે. આ અંગે જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, આરોપમાં કોઈ આધાર જોવા મળશે તો અમે કડક કાર્યવાહી કરીશું. કોઈ મોટી તોપને પણ છોડવામાં આવશે નહીં. કોંગ્રેસ પાત્રતાના આધારે જ ટિકિટ આપે છે. અમે ઓડિયો અંગે સોશિયલ મીડિયા દ્વારા માહિતી મળી છે, અમે પણ તપાસ કરાવીએ છીએ.
રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ વર્કઆઉટ થઈ રહ્યો છે
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનો સૌરાષ્ટ્ર પ્રવાસ વર્કઆઉટ થઈ રહ્યો છે. સભાના સ્થળ માટે રાજકોટ શહેર અને જિલ્લાની અમારી ટીમ સાથે ચર્ચા કરવા માટે આવ્યા છીએ. જગ્યાની પસંદગી અને સમય પણ નક્કી કરીશું. આખા સૌરાષ્ટ્રમાંથી કોંગ્રેસના કાર્યકરો રાહુલ ગાંધીના કાર્યક્રમમાં આવે તેમજ ચૂંટણીનું કેમ્પેઇન આખા સૌરાષ્ટ્રમાં કેમ કરવું, તમામ સીટો પર કેમ કરવું તેની ચર્ચા-વિચારણા કરવા માટે આજે રાજકોટ આવ્યા છીએ. જેને ટિકિટ ન મળી હોય તેવા લોકોમાં નાનો-મોટો રોષ હોય પણ અમે તેમને મળ્યા છીએ. બીજા તબક્કાનું ફોર્મ ભરવાની કાર્યવાહી આજે પૂરું થશે.
પ્રચારથી નહીં ચૂંટણી બૂથ પર જીતાઇ છે
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, ઉમેદવારની પસંદગી એકની જ કરવાની હોય, જેમા નાની-મોટી નારાજગી હતી તેવા લોકોને મનાવવામાં અમે મોટેભાગે સફળ રહ્યા છીએ. હજુ પણ નારાજગી હોય તેમને સમજાવવા માટે નેતૃત્વ કામગીરી કરી રહ્યું છે. ભાજપે મિશન સૌરાષ્ટ્ર પર ફોકસ કર્યું છે તેમાં તેઓને માત્ર મીડિયા, સોશિયલ મીડિયા અને પ્રચારમાં દેખાય છે. આ પ્રચારથી ચૂંટણી જીતાતી નથી. ચૂંટણી બૂથ પર જીતાઇ છે.
અમે તમામ બૂથનું નેટવર્કનું કામ પૂરું કર્યું
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, મારું બૂથ મારું ગૌરવ ઉપર અમે કામ કરી રહ્યા છીએ. ઉમેદવાર નક્કી થાય અને તે કામ કરે તે પહેલા અમે તમામ બૂથનું નેટવર્ક પૂરું કર્યું છે. કોંગ્રેસનું પૂરેપૂરું મતદાન થાય તેવો પ્રયાસ કરી રહ્યા છીએ. ડે બાય ડે આમ આદમી પાર્ટી ડાઉન જશે.
મોરબી હોનારતને સરકાર સર્જીત હોનારત કહી
જગદીશ ઠાકોરે વધુમાં જણાવ્યું હતું કે, મોરબીની હોનારત સરકાર અને માનવ સર્જીત હોનારત હતી. સરકાર અને ભાજપની બેદરકારી, એના મળતીયાઓ સાથે કામગીરી કરવાની કોઈ સિસ્ટમ નહીં, કોઈ વ્યવસ્થા નહીં. હાઈકોર્ટ આકરા સવાલો પૂછી રહી છે કે ક્યાંય તંત્ર જેવું નથી. ક્યાંય સરકાર જેવું નથી ત્યારે તેમને જવાબ આપવા ભારે પડી રહ્યા છે, મોઢા છૂપાવી રહ્યા છે. કાર્યવાહી કરવાના નામે પાંચ-છ લોકોની ધરપકડ થાય છે. પટ્ટાવાળા, ક્લાર્ક, વોચમેન જેવાની ધરપકડ થાય છે. પહેલા દિવસે જ અમારું શિર્ષ નેતૃત્વ કર્યું ત્યારે અમે કહ્યું હતું કે, હાઇકોર્ટના સિટીંગ જજ દ્વારા આની તપાસ થવી જોઈએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.