કોંગ્રેસના પ્રભારીનું નિવેદન:રઘુ શર્માએ કહ્યુકે કોંગ્રેસે નરેશ પટેલ સાથે વાત શરૂ કરી ત્યારથી હાર્દિકને પોતાનું જોખમ લાગતું’તું

રાજકોટ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આજે સૌરાષ્ટ્ર ઝોનની કોંગ્રેસની કારોબારી બેઠક મળશે
  • કાર્યકારી પ્રમુખ અને સ્ટાર પ્રચારકની​​​​​​​ જવાબદારી છતાં અસંતોષ એ દુ:ખદ

હાર્દિક પટેલે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે ત્યારે રાજકોટ આવેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ હાર્દિક મુદ્દે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, કોંગ્રેસે પાટીદાર આગેવાન નરેશ પટેલ સાથે વાર્તાલાપ શરૂ કર્યો ત્યારથી હાર્દિક પટેલને પોતાનું સ્થાન જોખમાતું હોય તેવું લાગતું હતું અને તે કારણે તેણે કોંગ્રેસના કાર્યક્રમોથી દૂરી બનાવવાનું શરૂ કર્યું હતું.

રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે તા.19ને ગુરુવારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સૌરાષ્ટ્ર ઝોનની કારોબારી મળશે, જેમાં સૌરાષ્ટ્રના કોંગ્રેસના આગેવાનો આગામી ચૂંટણીની રણનીતિ નક્કી કરશે, કારોબારીમાં ભાગ લેવા માટે રાજકોટ આવી પહોંચેલા પ્રદેશ કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે, હાર્દિક પટેલે રાજીનામા પત્રમાં નેતાગીરી સામે જે શબ્દો ઉચ્ચાર્યા છે તે દુ:ખદ છે, હાર્દિક કોંગ્રેસમાં જોડાયા બાદ કોંગ્રેસે તેને પ્રદેશના કાર્યકારી પ્રમુખ બનાવ્યા, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડ સહિતના પાંચ રાજ્યની ચૂંટણીમાં સ્ટાર પ્રચારક તરીકેને જવાબદારી તેને સોંપવામાં આવી હતી, આમ છતાં પાર્ટી કોઇ કામ સોંપતી નહોતી તેવા આક્ષેપ તથ્યહીન છે.

હાર્દિકના કોંગ્રેસ છોડવા અંગે કહ્યું હતું કે, નરેશ પટેલને પોતે અવારનવાર મળ્યા છે, ત્યારે નરેશ પટેલ કોંગ્રેસમાં આવે તો પોતાનું રાજકીય સ્થાન જોખમાઇ શકે તેવો ભય હાર્દિકને લાગતો હતો, જેથી છેલ્લા ત્રણેક મહિનાથી હાર્દિકે કોંગ્રેસના કાર્યક્રમોમાં આવવાનું બંધ કર્યું હતું, કોંગ્રેસના આગેવાનોને મળવાનું બંધ કર્યું હતું અને સામેના પક્ષના લોકો સાથે ઘરોબો વધાર્યો હતો. એક પ્રશ્નના જવાબમાં શર્માએ કહ્યું હતું કે, મોંઘવારી, કથળેલી આરોગ્ય વ્યવસ્થા, સતત પેપર ફૂટી રહ્યા છે, શિક્ષણનું વ્યાપારીકરણ સહિતના મુદ્દે લોકો ત્રસ્ત છે જેની અસર ચૂંટણીમાં જોવા મળશે.

અન્ય સમાચારો પણ છે...