રાહુલ ગાંધીની સભાની તૈયારી:રઘુ શર્માએ રાજકોટમાં સભાસ્થળનું નિરીક્ષણ કર્યું, મેઘા પાટકરને લઈ કહ્યું- કોઈ પણ યાત્રામાં જોડાઇ શકે, ભાજપ પાસે કોઈ મુદ્દો નથી

રાજકોટ17 દિવસ પહેલા
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા રઘુ શર્મા આજે રાજકોટ આવ્યા.

21 નવેમ્બરના રોજ સાંજે 5 વાગ્યે કોંગ્રેસના સ્ટાર પ્રચારક રાહુલ ગાંધીની રાજકોટમાં જનસભા યોજાશે. આ સભાને લઈને કોંગ્રેસ દ્વારા તેયારી શરૂ કરી દેવામાં આવી છે. શહેરના શાસ્ત્રીમેદાનમાં ડોમ ઉભો કરવામાં આવ્યો છે. આ સભામાં કોંગ્રેસને 50 હજાર લોકોને એકઠા કરવાનો ટાર્ગેટ છે. રાજકોટ શહેરની ચાર બેઠકના અને જિલ્લાની ચાર બેઠકના ઉમેદવારો હાજર રહેશે. અત્યારસુધી સાયલન્ટ મોડમાં રહેલી કોંગ્રેસ પ્રચારના મેદાનમાં ઉતરતા ચૂંટણીનો માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના પ્રભારી આજે રઘુ શર્મા સભાસ્થળે પહોંચી નિરીક્ષણ કર્યું હતું. તેઓએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મેઘા પાટકર ભારત જોડો યાત્રામાં જોવા મળ્યા તેમાં કહીશ કે, આ યાત્રામાં કોઈ પણ જોડાઇ શકે છે, તેમના પર કોઈ પ્રતિબંધ રાખી ન શકાય. ભાજપ પાસે કોઈ મુદ્દો નથી એટલે આવા મુદ્દા લાવે છે.

રાહુલ ગાંધીએ 2000 કિમી ભારત જોડો યાત્રા પૂર્ણ કરી
રઘુ શર્માએ વધુમાં જણાવ્યું હતું કે, 21 નવેમ્બરે રાજકોટ અને મહુવામાં રાહુલ ગાંધી સભા કરશે. એક બાદ એક 22 પેપર લીક થયા છે. ગુજરાતમાં 27 વર્ષથી ભાજપની સરકાર છે. ગુજરાતની જનતાને કોરોનાથી બચાવવામાં સરકાર નિષ્ફળ રહી છે. મુખ્યમંત્રી સહિત પૂરેપૂરી સરકાર બદલવી પડી છે. ગુજરાતમાં દારૂ બંધી હોવા છતાં 70 લોકો ઝેરી દારૂ પીને મર્યા છે. ગુજરાતમાં એક પોર્ટ પરથી મોટા પ્રમાણમાં ડ્રગ્સ પકડાય છે. મોરબીની ઘટનામાં 135 લોકોના મોત થયા છે. હજુ સુધી કોઈ ખાસ કાર્યવાહી કરવામાં આવી નથી. સીટીનું ગઠન કરીને મામલો રફેદફે કરી નાખવામાં આવ્યો છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી ભારત જોડો યાત્રામાં નીકળ્યા હતા. 2000 કિલોમીટરની યાત્રા પૂર્ણ કરી છે. ગુજરાતમાં બેરોજગારી અને મોંઘવારી છે.

શાસ્ત્રી મેદાનમાં સભા માટે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે.
શાસ્ત્રી મેદાનમાં સભા માટે ડોમ ઉભો કરવામાં આવી રહ્યો છે.

કોંગ્રેસ શાસ્ત્રીમેદાનની સફાઈ કરી
રાજકોટમાં વડાપ્રધાન મોદીની હાજરીમાં તાજેતરમાં શાસ્ત્રીમેદાનમાં અર્બન હાઉસિંગ કોન્કલેવનો કાર્યક્રમ મનપા દ્વારા યોજાયો હતો અને ભાજપના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ ઠેર ઠેર ગંદકીના ગંજ ખડકાયા હતા. હવે સોમવારે રાહુલ ગાંધીની સભા યોજવા માટે કોંગ્રેસને આ મેદાન ફાળવાતા કોંગ્રેસે આજે સ્વખર્ચે જેસીબી મગાવીને મેદાનની સફાઈ હાથ ધરી હતી.

શાસ્ત્રી મેદાનમાં પહેલા લોકમેળો યોજાતો
લાલબહાદુર શાસ્ત્રી મેદાન એ શહેરની મધ્યમાં આવેલું છે. તેની આગવી ઓળખ છે અને ઐતહાસિક મેદાન છે. એક સમયે ત્યાં લોકમેળો યોજાતો હતો. મેદાનથી કરોડો રૂપિયાની કમાણી પણ તંત્ર દ્વારા કરાઈ છે. જો કે કલેક્ટર તંત્ર અને મહાનપાલિકા બન્ને દ્વારા તેની ઘોર ઉપેક્ષા રોજ દેખાતી રહી છે.

રઘુ શર્માએ સભાસ્થળે આવી નિરીક્ષણ કર્યું.
રઘુ શર્માએ સભાસ્થળે આવી નિરીક્ષણ કર્યું.

સફાઈ માટે તંત્ર પાસે અપેક્ષા રાખવી વ્યર્થ
કોંગ્રેસના નેતા મહેશ રાજપૂતે જણાવ્યું કે, અમને સભા યોજવા માટે તંત્રએ મંજૂરી આપી છે તે ઘણું છે, બાકી આ તંત્ર પાસે કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાની સભાને લઈ મેદાનની જાળવણી માટે સફાઈ કરાવે તેવી અપેક્ષા રાખી શકાય તેમ નથી. સૌરાષ્ટ્રમાં અનેક ભંગાર રસ્તાઓ તાત્કાલિક રિપેર થઈ શકતા નથી કે ગાબડાં પણ પૂરવામાં આવ્યા નથી. ત્યારે આ મેદાનની સફાઈ માટે તંત્ર પાસે અપેક્ષા રાખવી વ્યર્થ છે.

સભાને લઈ કોંગ્રેસે શાસ્ત્રી મેદાનની સફાઈ કરી.
સભાને લઈ કોંગ્રેસે શાસ્ત્રી મેદાનની સફાઈ કરી.

અતિ ભંગાર રોડ પર ભાજપના નેતાઓનો રોડ-શો યોજવો જોઈએ
મહેશ રાજપૂતે વધુમાં જણાવ્યું હતું કે, રાજકોટના રિંગરોડ સહિતના અતિ ભંગાર રોડ પર જ ભાજપ સહિતના દિગ્ગજ નેતાઓનો રોડ શો યોજવો જોઈએ. તેમજ જ્યાં ગંદકીના કાયમી ગંજ હોય છે તેવા મેદાનોમાં જનસભાની મંજૂરી આપવી જોઈએ. જેથી નેતા વગદાર હોય તો તંત્રના અથવા જે-તે નેતાનાં સ્વખર્ચે રસ્તાઓ રિપેર થતા લોકોને સારા રસ્તાઓ મળી રહે. હાલ તો રાહુલ ગાંધીની સભાને લઈને કોંગ્રેસે તાકીદે રાજકોટ શહેરની શાન સમાન આ શાસ્ત્રીમેદાન સાફ કરાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...