રિલ્સ બનાવવી ભારે પડી!:રાજકોટની તોફાની રાધાએ પોલીસ સ્ટેશનમાં બેસીને ઇન્સ્ટા રિલ બનાવી, વાઈરલ થતાં ધરપકડ

રાજકોટ17 દિવસ પહેલા

રાજકોટ શહેરમાં તાજેતરમાં જ ફાઇનાન્સરની ઓફિસમાં દારૂની મહેફિલનો વીડિયો વાઈરલ થયા બાદ ગઈકાલે વધુ એક વિવાદિત વીડિયો વાઈરલ થયો હતો. જેમાં નામચીન મહિલા તોફાની રાધા પોલીસ સ્ટેશનમાં ઉતારેલા વીડિયોની રિલ બનાવી પોલીસને ખૂલ્લો પડકાર ફેંકતી હોય તેવો આ વીડિયો તેણે સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હતો. વીડિયો વાઈરલ થયા બાદ પોલીસે તપાસ હાથ ધરી આ યુવતીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાધા અગાઉ પણ પોલીસ ચોપડે ચડી ચૂકી છે
તાજેતરમાં સોશિયલ મીડિયામાં અલગ અલગ પ્રકારની રીલ બનાવી અપલોડ કરવાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે અને તેમાં પણ યુવક યુવતીઓ આ રિલ્સ બનાવવાના ચક્કરમાં કાયદાનો ભંગ કરી ગુનો આચરી દેતા હોય છે. ત્યારે અગાઉ મારામારી સહિતના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકેલી તોફાની રાધા નામનું આઈડી ધરાવનાર વિવાદાસ્પદ યુવતીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક રીલ અપલોડ કરી છે. જેમાં તે રાજકોટના પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં ખુરશી પર બેઠી હોય તેવું નજરે પડે છે અને તે કોઈ લેડી ડોન હોય તેવી સ્ટાઇલથી ડાયલોગ બોલી રહી છે.

ટોલ પ્લાઝાનું બેરિયર તોડીને ભાગ્યાનું પણ રીલ
આ સાથે તેના એકાઉન્ટમાં પોતે કાર ચલાવી જેતપુર નજીક ટોલ પ્લાઝા પર ટોલ ભરપાઈ કરવા બદલે ટોલ પ્લાઝા પર રહેલી બેરિયર તોડી ટોલ ભરપાઈ કર્યા વગર ચાલી જાય છે. એટલું જ નહીં, કોઈ યુવતી ગાંજો બનાવતી હોય તેવો પણ વીડિયો આ એકાઉન્ટ પર જોવા મળી રહ્યો છે, તે કોનો છે અને ક્યારે બનાવ્યો તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનનો વીડિયો જણાતા કાર્યવાહી
આ રીલ વાઈરલ થયા બાદ પોલીસે પણ તાકીદે તપાસ શરૂ કરી હતી અને આ વીડિયો પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં ઉતારવામાં આવ્યો હોવાનું માલૂમ પડ્યું હતું. પોલીસે હાલ આ યુવતી રાધિકા ધામેચા ઉર્ફે તોફાની રાધાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીને કાયદાનું ભાન કરાવતા યુવતીએ પોતે માફી માંગી હતી અને હવે ક્યારે પણ આ પ્રકારે વીડિયો નહીં બનાવે તેવી ખાતરી આપી છે.

અન્ય સમાચારો પણ છે...