• Gujarati News
  • Local
  • Gujarat
  • Rajkot
  • Raddiya Got Modi's Meeting And Bavaliya Got Social Support, Somani Got Lottery: Geetaba Repeated And Pacified The Two Groups.

ચૂંટણી જંગની શરૂઆત:રાદડિયાને મોદીની સભા ફળી અને બાવળિયાને સમાજનો સથવારો, સોમાણીને તો લોટરી લાગી : ગીતાબાને રિપીટ કરી બે જૂથને શાંત કરાયા

રાજકોટએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજકોટ શહેર અને જિલ્લાની બેઠકો જાહેર કર્યા પહેલાં સ્થાનિક ઉપરાંત રાજ્ય અને કેન્દ્રના નેતાઓને પણ અનેકવાર વિચારવું પડ્યું
  • કોણ શા માટે કપાયું​​​​​​​, કોને શા માટે વિધાનસભાની ટિકિટ મળી?

ભાજપે પ્રથમ યાદી જાહેર કરી તેમાં કેટલાક અેવા ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે કે જેનાથી માત્ર રાજકીય વ્યક્તિઓ જ નહીં પરંતુ લોકોને પણ આશ્ચર્ય થયું છે. ઉમેદવારો જાહેર કરતા પહેલાં ભાજપ હોય કે કોંગ્રેસ જ્ઞાતિના ગણિતને નજર સમક્ષ રાખતા જ હોય છે. આ ઉપરાંત ઉમેદવારની વ્યક્તિગત પ્રતિભા, તે ક્યા સમાજમાંથી આવે છે, સર્વ સમાજ માટે શું કામ કર્યા છે, તેની લોકચાહના કેટલી છે સહિતના મુદ્દા પણ વિચારાતા હોય છે. રાજકોટ જિલ્લામાં જે રીતે ભાજપે ટિકિટની ફાળવણી કરી છે ત્યારે જેઓને રિપીટ કરાયા છે અને નવા ચહેરાને ટિકિટ અપાઇ છે ત્યારે જૂના શા માટે કપાયા તેમજ નવાને શા માટે ટિકિટ આપવામાં આવી તેની લોકો અને રાજકીય વ્યક્તિઓમાં થતી ચર્ચાના આધારે અહીં તેનું વિશ્લેષણ કરવામાં આવ્યું છે.

મોરબી બેઠક કાંતિ અમૃતિયા |
આ બેઠક માટે પાટીદાર ફેક્ટર સૌથી વધુ મજબુત ગણાય છે અને કાંતિ અમૃતિયા પદ પર ન હોવા છતાં સતત લોકસંપર્કમાં રહેતા હોવાને લીધે અને લોકોના કામને પ્રાધાન્ય આપતા હોઇ પક્ષના માનીતા હતા અને કોરોના વખતે તેમણે કરેલી કામગીરીથી લોકોમાં તેમની નામના વધી હતી તેના લીધે ટિકિટ મેળવવામાં સફળતા મળી.
બ્રિજેશ મેરજા |
પાટીદાર હોવા છતાં કોંગ્રેસમાંથી આવતા હોઇ ભાજપના કાર્યકરો ખુદ તેમનાથી અંતર રાખતા અને તેમણે વિકાસ કામો હાથ ધર્યાં પરંતુ લોકસંપર્ક નબળો હોઇ ભાજપને જીત માટે સંઘર્ષ કરવો પડે તેમ લાગતું હોઇ મેરજાને ટિકિટ અપાઇ નહીં.
વાંકાનેર બેઠક જીતુ સોમાણી |
જે તે સમયે સાંસદ મોહન કુંડારિયા સાથેના આંતરિક વિખવાદના લીધે અંતર કેળવી લેનારા જીતુ સોમાણીને ભાજપે ત્રીજી વાર ટિકિટ આપવા પાછળ પક્ષે મોરબીના લોહાણા સમાજને પણ સાચવી લેવાની નીતિ અખત્યાર કરી છે. વાંકાનેરમાં લોહાણા સમાજની સંખ્યા ભલે ઓછી છે પરંતુ ગત ચૂંટણીમાં જીતુ સોમાણીએ બહુ પાતળા મતથી હાર કબુલવી પડી હતી, જેથી એ મત અંકે કરવાનો વ્યુહ પણ ખરો.
ટંકારા બેઠક દુર્લભજી દેથરિયા |
જિલ્લા ભાજપ પ્રમુખ એવા દુર્લભજી દેથરિયા ભાજપને જીતાડી શકે તેવી કોઇ સક્રિય પોઝિશનમાં નથી પરંતુ સાંસદની નજીક હોવાથી તેમને ટિકિટ આપવામાં આવી હોવાની ચર્ચા છે. અને ટંકારામાં કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપે તેવા દાવેદાર ન હોઇ દુર્લભજીને આગળ કરાયા.
રાઘવજી ગડારા |
ટંકારા બેઠક પર અગાઉ પણ ભાજપે જે તે સમયના જિલ્લા પ્રમુખને જ ટિકિટ આપી હતી પરંતુ તેઓ પણ પાટીદાર હોવા છતાં લોકસંપર્ક અને સ્થાનિક સ્તરેથી કામ કરી શકવાની અસક્ષમતાને લીધે પક્ષનું ધાર્યું કામ કરી શક્યા નહીં આથી તેમની ટિકિટ ગઇ.
ગોંડલ બેઠક ગીતાબા જાડેજા |
ટિકિટ માટે જયરાજસિંહ અને અનિરૂદ્ધસિંહનું જૂથ પોતાના સંતાનોને ટિકિટ અપાવવા માટે મેદાને પડ્યું હતું. બંને વચ્ચે ક્યારેક-ક્યારેક તણખાં પણ ઝર્યા હતા. આ બાબત વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતાઓ પણ હતી. જો કે કેન્દ્રના નેતાઓએ જયરાજસિંહના પુત્ર જ્યોતિરાદિત્ય અને અનિરૂદ્ધસિંહના પુત્ર રાજદીપના બદલે ગીતાબાને રિપીટ કર્યા હતા.
જસદણ બેઠક કુંવરજી બાવળિયા |
ભાજપે રીપીટ કરી પંથકના 75,000થી વધુ કોળી મતદારો અને અન્ય સમાજને સાચવી લેવાની તરકીબ અજમાવી છે. અગાઉ કોંગ્રેસમાંથી પાંચ વાર વિજયી બનેલા બાવળિયાને ફરી તક આપી શહેરના 50,000 પટેલ મતોને પણ સાચવી લેવાની સોગઠી મારી છે.
જેતપુર બેઠક જયેશ રાદડિયા |
પાટીદાર સમાજના યુવા આગેવાન અને જે તે સમયના દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઇના પુત્ર જયેશને સતત ત્રીજી વાર ભાજપે ટિકિટ આપી છે. જો કે ભાજપમાં જ તેમની સામે જશુમતીબેન કોરાટ અને પ્રશાંત કોરાટ, જિલ્લા પ્રમુખ મનસુખ ખાટરિયા સબળ દાવેદારો હતા છતાં સહકારી ક્ષેત્ર સહિતના ક્ષેત્રોમાં લોકો સાથે સીધો સંપર્ક જાળવી શકનારા જયેશ રાદડિયાને ફરી ચાન્સ અપાયો છે.

અન્ય સમાચારો પણ છે...