ચોમાસું નજીક આવી રહ્યું છે ત્યારે રાજકોટ જિલ્લાના 594 ગામડાંમાં અલગ અલગ સ્થળે 2500 રેઇન કન્ઝર્વેશન હાર્વેસ્ટિંગ યુનિટ ઊભા કરવાના આદેશ અપાયાને 15 દિવસનો સમય થયો હોવા છતાં આ કામગીરી મંદ ગતિએ ચાલી રહી હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે. ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદનું પાણી બિનજરૂરી વહી જતું હોવાથી પાણીનો સંગ્રહ થાય અને યોગ્ય ઉપયોગ થઇ શકે તેવા હેતુથી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ ગામડે ગામડે રેઇન હાર્વેસ્ટિંગ સિસ્ટમ ઊભી કરવાની કામગીરી ડીઆરડીએને સોંપી છે ત્યારે આ કામગીરી અંતર્ગત ગોકળ ગાયની ગતિએ કામકાજ ચાલી રહ્યું છે.
અધિકારીએ જણાવ્યું હતું કે, હજુ આ કામગીરીને લઇને પંચાયતના લેટર પેડ પર મંત્રી અને સરપંચના ઠરાવનો ઇંતેજાર થઇ રહ્યો છે. 15 દિવસ પહેલા આદેશો થયો છતાં હજુ એસ્ટિમેન્ટ નથી બન્યું. જાણે આગામી રીવ્યૂ બેઠકનો ઇંતજાર થઇ રહ્યો હોય તે રીતે આ કામગીરીને લઇને હજુ કોઇ ચોક્કસ અસરકારક પ્રક્રિયા કરવામાં આવી ન હોવાનું બહાર આવી રહ્યું છે.
ચોમાસુ માથા પર છે, સાચે જ ઝડપી કામગીરી કરવાનું લક્ષ્ય હોય તો જે ગતિએ કામગીરી ચાલવી જોઇએ તે ગતિએ ન ચાલી રહી હોવાનો ઘાટ ઘડાયો છે. હાલની મોંઘવારી વચ્ચે મનરેગા યોજના હેઠળ શ્રમિકોને દૈનિક માત્ર રૂ.239નું વેતન મળી રહ્યું હોવાથી આ પ્રકારના સરકારી કાર્યો માટે શ્રમિકો પૂરતા પ્રમાણમાં મળી રહ્યા ન હોવાનો રંજ ખૂદ ઉચ્ચ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.