આકરા પ્રશ્નો:કુંવરજીના બાવળ જેવા પ્રશ્ન:વીંછિયામાં રોડ ખરાબ છે, કામ અધવચ્ચે છોડી દીધું કારણ શું

રાજકોટ12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખરાબ રોડ માટે સરકારે શરૂ કરેલી હેલ્પલાઈનથી કશો જ ફરક નથી પડ્યો તેનું ઉદાહરણ ધારાસભ્ય લાવ્યા
 • જયારે કોંગ્રેસ પક્ષમાં હતા ત્યારે જેવા મુદ્દા ઉઠાવી અધિકારીઓને ખખડાવતા તેવા જ મુદ્દા મંત્રી પદ ગયા પછી ફરી ઉઠાવ્યા
 • ફરિયાદ સંકલનની બેઠકમાં સરકારની નબળી કામગીરી બતાવતા આકરા પ્રશ્નો કરી તંત્રને દોડાવ્યું

રાજકોટ જિલ્લાની ફરિયાદ સંકલનની બેઠક 20મીએ મળનારી છે. આ બેઠક પણ તાજેતરમાં મળનારી બેઠકો જેવી શુષ્ક રહે તેવી તંત્રને આશા હતી પણ અચાનક કુંવરજી બાવળિયાના એક બે નહિ પણ 50થી વધુ પ્રશ્નનો મારો આવતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે. આ તમામ પ્રશ્નો પૈકી અમુક એવા આકરા છે કે સરકારની જ કામગીરી નબળી બતાવે છે.

બાવળિયા કોંગ્રેસમાંથી ચૂંટાયેલા ધારાસભ્ય હતા ત્યારે ફરિયાદ સંકલનની બેઠકમાં પ્રશ્નો લાવીને રીતસર અધિકારીઓને ખખડાવી નાખતા હતા પણ ભાજપમાં ભળ્યા બાદ તંત્ર સામે પ્રશ્ન કરવાનો કોઇ મુદ્દો જ ન હતો. તેથી અન્ય ધારાસભ્યોની જેમ બાવળિયા પણ હવે પ્રશ્નો નહિ કરે તેમ બધાને લાગતું હતું જોકે મંત્રીપદ ગુમાવ્યા બાદ બાવળિયા ફરી જૂના મૂડમાં આવ્યા છે અને તંત્રને પ્રશ્નો કરી સીધું સરકાર પર નિશાન તાક્યું છે

કારણ કે, સરકારે ચોમાસા બાદ ખરાબ રોડ રિપેર કરવાની જાહેરાત કરી હતી પણ આ અભિયાન બીજી જગ્યા તો દૂર ધારાસભ્યના જ વિસ્તારમાં કામ આવ્યું નથી અને અડધેથી છોડી મૂકવા જેવી ગંભીર બાબત હોવાથી તેમણે ફરિયાદ સંકલનમાં મુદ્દો લેવો પડ્યો છે. તેઓએ પૂછ્યું છે કે વીંછિયા રોડની સપાટી અતિ ખરાબ છે, કામ અધવચ્ચેથી છોડી દીધું છે, ડામર સપાટી કરાતી નથી કારણ? આ રીતના થોકબંધ પ્રશ્ન કરીને તેમણે વહીવટી તંત્ર સામે નિશાન તાકી સીધો સરકારની કામગીરી પર જ પ્રહાર કર્યો છે. આ પ્રશ્નો તંત્રને એટલા ખૂંચ્યા છે કે તેના જવાબ માટે દોડાદોડી શરૂ કરી દીધી છે.

આકરા પ્રશ્નોને કારણે ફરિયાદ સંકલનની બેઠક મુલતવી કરવા દાવ
ફરિયાદ સંકલનની બેઠક 20મીએ મળવાની છે અને બાવળિયાએ 15મીએ પ્રશ્નો મોકલ્યા છે તેથી જવાબ તૈયાર કરવા માટે માત્ર 4 જ દિવસ તંત્ર પાસે રહ્યા હતા. તેમજ આ સવાલો આકરા હોવાથી જવાબ દેવા માટે ઘણો વિચાર કરવો પડશે તેથી હવે આ ફરિયાદ સંકલનની બેઠક મુલતવી રાખવા માટે વિચાર કરાયો છે અને 18થી 20 દરમિયાન ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ રથ ચાલવાનો હોવાનું બહાનું કરી આ બેઠક મુલતવી રાખી દેવાશે ત્યારબાદ ગ્રામપંચાયતની ચૂંટણીના જાહેરનામાની રાહ જોવાશે. જાહેરનામું આવ્યા બાદ છેક ચૂંટણી પછી બેઠક બોલાવાશે.

કુંવરજી બાવળિયાએ પૂછેલા પૈકી અમુક પ્રશ્નો

 • શિવરાજપુરમાં માધ્યમિક શાળાના બાંધકામ માટે જમીન મેળવવા લાંબા સમયથી પ્રયત્નો ચાલે છે, સાર્વજનિક પ્લોટનો ઠરાવ ડીડીઓને મોકલ્યો, ઉકેલ નથી આવતો કારણ?
 • વીંછિયાના ગામોમાં ધારાસભ્ય ગ્રાન્ટમાંથી પિંજરા મૂકવા ગ્રાન્ટ ફાળવી પણ કામગીરી હાથ નથી ધરાઈ કારણ?
 • વીંછિયા અને જનડા ગામે રમતનું મેદાન ફાળવવા દરખાસ્ત થઈ, ઠરાવ થયો છે ઉકેલ નથી આવતો કારણ?
 • જસદણ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલને જમીન ફાળવણી કરવા વારંવાર ધ્યાન પર મૂકી છતાં કાર્યવાહી નહી કારણ?
 • પીએમ આવાસ યોજના, દીનદયાળ આવાસ યોજનાના લાભાર્થીઓ પાત્રતા ધરાવતા છતાં કેટલાકને રાવળા હક્કમાં જૂના મકાન નહિ ચડાવવાથી લાભ આપી શકાતા નથી કારણ?
 • આટકોટ આરોગ્ય કેન્દ્રમાં કમ્પાઉન્ડ વોલ ન હોવાથી દબાણ થતું જાય છે, પીએચસીની જગ્યા નક્કી કરી દીવાલ બનાવાતી નથી કારણ?
 • વીંછિયા ગામે ગામતળ નીમ કરી જરૂરિયાતમંદોને પ્લોટ અપાતા નથી
 • ભાડલા, દહીંસર અને બોઘરાવદરમાં ગામતળ નીમ કરવાની કાર્યવાહી થતી નથી કારણ?
 • વીંછિયા તાલુકાના થોરિયાળી, પીપરડી ગામના રસ્તાનું કામ અધવચ્ચેથી છોડી દીધું છે, સપાટી અતિ ખરાબ છે પણ રિકાર્પેટ કે ડામરકામ કરાતું નથી કારણ?

અન્ય સમાચારો પણ છે...